કપાસ, મગફળી, ઘઉંનો, મબલક ઉતારો મેળવ્યો
ખ્યાતિ જોશી
સુરત, તા. 14 જાન્યુ.
રસાયણિક ખેતી અપનાવ્યા બાદ દેશમાં લોકોના સ્વાસ્થ્ય પર ગંભીર અસર પહોંચી છે સાથો-સાથ ખેતી ખર્ચમાં વધારો થતા ખેડૂતોની આવકમાં મોટો ઘટાડો આવ્યો છે. બન્ને સ્થિતિમાં સુધારો કરવો હોય તો ખેડૂતોએ પરાંપરાગત ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અપનાવ્યા સિવાય છૂટકો નથી. સૌરાષ્ટ્રના અમરેલીના લાઠી તાલુકાના ખેડૂત કાળુભાઇ હુંબલએ સવા ત્રણસો વિઘામાં ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અપનાવી તો આજે તેમનો ખેતી ખર્ચ ઘટ્યો સાથે તેમની સમૃદ્ધિ વધી છે.
સુભાષ પાલેકર ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અપનાવાર ક્રિષ્ના પ્રાકૃતિક ફાર્મના ખેડૂત કાળુભાઇ હુંબલ કહે છે કે, મેં છેલ્લા ચાર વર્ષથી પ્રાકૃતિક ખેતી અપનાવી છે. રસાયણિક દવાના વપરાશથી લોકોના સ્વાસ્થ્ય ઉ5ર ગંભીર અસર પહોંચી રહી છે. લોકોના સ્વાસ્થ્યની ચિંતા ખેડૂતો નહિ કરે તો કોણ કરશે. આ દિશામાં પહેલો વિચાર આવ્યો એટલે અમે પ્રાકૃતિક ખેતીની તાલીમ આપતી વિવિધ શિબિરોમાં જવાનું શરૂ કર્યું, અન્ય ખેડૂતોના અનુભવો જાણ્યા અને આ ખેતી કેવી રીતે થાય છે તે જાણવા-સમજવાનો પ્રયાસ કર્યો હતો.
ચાર વર્ષ અગાઉ પ્રથમ શિબિર વખતે જ અમે અમારી તમામ જમીનમાં પ્રાકૃતિક ખેતી કરવાનો નિર્ણય કર્યો હતો. જેના આજે સારા પરિણામો મેળવી શક્યા છીએ. પાણીના તળ સુધર્યા અને જમીનમાં પણ સુધારો થયો છે. પ્રાકૃતિક ખેતી શરૂ કર્યાના પ્રથમ વર્ષ બાદથી અમે અપેડાના સર્ટીફીકેટ માટે પ્રયાસ આદર્યા હતા. અમને પ્રથમ બે તબક્કાનું સર્ટીફીકેટ મળ્યું છે. તમામ કૃષિ પેદાશ પ્રાકૃતિક પદ્ધિતથી લીધા છે તેનું પૂર્ણ કક્ષાનું સર્ટીફીકેટ અમને આ વર્ષના અંત સુધીમાં મળી જશે.
વર્ષ દરમ્યાન સવા ત્રણસોથી વધુ વિઘામાં કપાસ, મગફળી, ઘઉં, મકાઇ સહિતના પાક લઇએ છીએ. અમને પ્રથમ વર્ષ કરતા બીજા વર્ષથી ઉતારામાં સુધારો જોવા મળ્યો હતો. તેમજ આજે હવે ચાર વર્ષ બાદ રસાયણિક ખેતી કરતા 25 ટકા વધુ ઉતારો પ્રાકૃતિકમાં મળવાનો શરૂ થયો છે. ખર્ચની દૃષ્ટિએ જોઇએ તો અમને મોટો ફાયદો થયો છે. દવા અને રસાયણિક ખાતર પાછળ વર્ષે અંદાજે રૂા. આઠ થી દસ લાખનો ખર્ચ થતો હતો. જે આજે શૂન્ય થયો છે.
તેઓ ઉમેરે છે કે, ગાય આધારિત ખેતી અપનાવ્યા બાદ તુરંત જ અમે દેશી અને ગીર ગાય વસાવી લીધી છે. નાની-મોટી પંદરથી વધુ ગાયો અમારી પાસે છે. જેના છાણ-ગૌ મૂત્ર, દૂધ અને છાશનો ઉ5યોગ ગાય આધારિત ખેતીમાં ધાન્ય લેવા માટે કરીએ છીએ. રોગ-જીવાતના આતંક સામે દેશી ગાયના છાણ, ગૌ-મૂત્ર, છાશથી ઘનજીવામૃત, જીવામૃત, બ્રહ્માસ્ત્ર, અગ્નિઅસ્ત્ર સહિતના ખાતર અને દવાઓ બનાવીએ છીએ. જેનો સમયાંતરે ખેતરમાં ઉ5યોગ કરીએ છીએ. આજે જે પ્રકારે ખેડૂતોને ખેતરમાં પાકને નુકશાનકર્તા ભૂંડ, રોઝડા સહિતના પશુઓનો ત્રાસ છે. છાશના છાંટવાના પ્રયોગોથી અમારા ખેતરમાં રોઝડા, ભૂંડનો ત્રાસ નહિવત્ત જેવો રહ્યો છે.
બાજરી-ઘઉંની લૂપ્ત થતી જાતોને બચાવવાનો પ્રયાસ
ખેડૂત કાળુભાઇ કહે છે કે, અમે માત્ર ગાય આધારિત ખેતી કરી વધુ આવક મેળવવાનો એકમાત્ર ઇરાદો ધરાવતા નથી. ગાયનું પોષણ અને જાળવણી થાય તે ઉપરાંત લૂપ્ત થતી બાજરી અને ઘઉંની જાતને બચાવવાનો પ્રયાસ કર્યો છે. જેમાં અમને અસાધારણ સફળતા મળી છે. અમારા ખેતરમાં દેશી બાબાપૂરી બાજરાની વેરાયટી લીધી છે. સામાન્ય રીતે સાડા ચાર મહિને પાકે છે જેની હાઇટ ચૌદ ફૂટ જોવા મળી છે. હીરા જેવા દેખાતા બાજરીનું બિયારણ અમે ખેડૂતોને નિ:શુલ્ક આપી આ જાત બચાવવાનો પ્રયાસ કર્યો છે. આ ઉપરાંત સદીઓ જૂની પૈયંગબરી ઘઉં જેને આજે આપણે સોનામતી તરીકે ઓળખીએ છીએ. તે સોનામતી ઘઉંની વેરાયટીને ઉગાવવાનું કામ કર્યુ છે. જેમાં પણ અમને સારી એવી સફળતા મળી છે.