અમેરિકામાં સુરતના કાપડ ઉદ્યોગના સાહસિકોએ એક લાખ ડૉલરનો વેપાર કર્યો

ન્યૂ જર્સીના મેયર સેમ જોશીએ પોતાના લગ્ન માટે કુર્તી, શેરવાની, કોટી તથા જ્યુટ બેગનો અૉર્ડર આપ્યો 
અમારા પ્રતિનિધિ તરફથી  
સુરત, તા. 21 જૂન  
દક્ષિણ ગુજરાત ચેમ્બર દ્વારા પ્રથમ વખત અમેરિકામાં ટેક્સ્ટાઇલનું પ્રદર્શન યોજાયું છે. ન્યૂ જર્સી ખાતે બીટુસી ટેબલ ટોપ બાયર-સેલર મીટમાં પ્રદર્શનકારીઓને અંદાજે 1 લાખ યુએસ ડોલરનો વેપાર મળ્યો હોવાનું પ્રકાશમાં આવ્યું છે. બેઠકમાં ન્યુ જર્સીના મેયર સેમ જોશી સુરતનું કાપડ જોઇને પ્રભાવિત થયા હતા અને તેમણે પોતાના લગ્ન માટે કુર્તી, શેરવાની, કોટી અને જ્યુટ બેગનો ઓર્ડર સ્થળ પર આપ્યો હતો. બાયર-સેલર મીટમાં પ47 મુલાકાતીઓએ સ્થળ પર મુલાકાત લીધી હતી.  
ન્યુ જર્સીના મેયરે દરેક સ્ટોલની વિઝીટ લીધી હતી અને સુરતના ઉદ્યોગકારો દ્વારા બનાવવામાં આવેલા ફેબ્રિકને જોઇ અને તેના વિશે જાણીને પ્રભાવિત થયા હતા. એટલું જ નહીં પણ તેમણે પોતાના લગ્ન માટે સુરતના ઉદ્યોગકારને કુર્તી, શેરવાની અને કોટીનો ઓર્ડર પણ આપી દીધો હતો. તદુપરાંત એક એકઝીબીટર્સને પોતાના લગ્નમાં ગીફટ આપવા માટે જ્યુટ બેગનો ઓર્ડર આપ્યો હતો.  
બાયર-સેલર મીટરમાં મેયર સેમ જોશીએ જણાવ્યું હતું કે, ચેમ્બર દ્વારા યુએસએ ખાતે યોજાયેલા ગ્લોબલ ટેકસટાઇલ ટ્રેડ ફેર પ્રદર્શનનો લાભ યુએસએમાં વર્ષોથી સ્થાયી થયેલા ટેકસટાઇલ ઉદ્યોગકારોને પોતાના ધંધાનો વિકાસ કરવા માટે થશે. સુરતના ઉદ્યોગકારોને મેયર ઓફિસ તરફથી સંપૂર્ણ સહકાર આપશે. 
ચેમ્બરના પ્રમુખ આશીષ ગુજરાતીએ જણાવ્યું હતું કે,  ન્યુ જર્સી ખાતે યોજાયેલી બાયર-સેલર મીટમાં પણ સુરતના ઉદ્યોગકારોને સ્થાનિક બાયર્સ તરફથી જબરજસ્ત પ્રતિસાદ મળ્યો હતો. આ મીટમાં સ્થાનિક ખરીદદારો-વેચાણકારો તથા ઉત્પાદકો એક મંચ ઉપર આવ્યા હતા. એકઝીબીટર્સને આશરે 1 લાખ યુએસ ડોલરનો બિઝનેસ મળ્યો હતો તેમજ ઘણા ઓર્ડર જનરેટ થયા હતા.  
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, યુએસએ સમગ્ર વિશ્વમાં કાપડનો સૌથી મોટો ઉપભોક્તા છે. સાથે જ વિશ્વમાં ટેકસટાઇલ આર્ટિકલનો સૌથી મોટો આયાતકાર પણ છે. આથી ભારતના ટેકસટાઇલ ઉદ્યોગકારોને યુએસએમાં એકસપોર્ટ કરવા માટે વિશાળ તક મળી છે.  
ગ્લોબલ ટેકસટાઇલ ટ્રેડ ફેર એકઝીબીશનના ચેરમેન અમિષ શાહે જણાવ્યું હતું કે, ચેમ્બરને એકઝીબીશન માટે સ્થાનિક ઉદ્યોગકારો નટવર ઠકકર, કુણાલ જોશી, આલ્બર્ટ જસાણી, કીંગ પટેલ, ગાયત્રીબેન જોશી અને પોલ પટેલે સહકાર આપ્યો હતો. સાથે જ એકઝીબીશનમાં ખરીદદારોને લાવવા માટે પણ તેઓ મદદરૂપ થયા હતા.  
ન્યુ જર્સી ખાતે યોજાયેલી બાયર-સેલર મીટમાં ભાગ લેનારા નિકુંજ ખાંગાણીએ જણાવ્યું હતું કે, બાયર્સ-સેલર્સ મીટમાં ઘરઆંગણાના ખરીદદારોએ મુલાકાત લીધી હતી. જેમાં અમને ખરીદદારો સાથે સીધો સંપર્ક થયો હતો. ઘણા ઓર્ડર અમને મળ્યા છે.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer