મેંગો ચૉકલેટ, મીઠા ખાજા લોકોને વધુ પસંદ
અમારા પ્રતિનિધિ તરફથી
સુરત, તા. 21 જૂન
સુરતનું જમણ અને કાશીનું મરણ એવી કહેવતને દરેક સિઝનમાં સાર્થક ઠરી છે. કેરીની સિઝન તેના અંત તરફ આગળ વધી રહી છે પરંતુ આ સાથે જ સરસિયા ખાજા ખાવાની મોસમ ખીલી છે. અહીંના લોકો કેરીના રસની સાથે સરસિયા ખાજાની મોજ માણતા હોય છે. આ વર્ષે કેરીની સિઝન મોડી શરૂ થઇ હતી. જેના કારણે લોકો મોટી સંખ્યામાં કેરીનો સ્વાદ માણી શક્યા નથી. પરંતુ હવે જ્યારે બજારમાં કેરીનો ઢગલો થયો છે ત્યારે લોકો કેરીની સાથે સરસિયા ખાજા પણ આરોગી રહ્યા છે. ગત વર્ષ કરતા સરસિયા ખાજાના વેચાણમાં વધારો થયો છે.
ચોમાસાની શરૂઆતના દિવસોમાં વરસાદી ઝાપટાંની સાથે સુરતીઓ કેરીના રસની સરસીયા ખાજાની જયાફત માણતા હોય છે. વરસાદી ઝાપટાં પડતાની અહીંની ફરસાણ બનાવનારાઓની દુકાનોમાં સરસીયા ખાજા બનાવવાનું શરૂ થાય છે. સરસીયા ખાજાની લહેજત માણવા ફરસાણવાળાની દુકાનોમાં લાંબી કતારો જોવા મળી રહી છે. મેંગો, ચોકલેટ, મીઠા ખાજા લોકોની પહેલી પસંદ બની છે.
વર્ષોથી ફરસાણના વ્યવસાય સાથે સંકળાયેલા જુના અને જાણીતા સુરતી ખાજાના વિક્રેતા હરિશભાઇ જોશીએ જણાવ્યું હતું કે, વરસાદી ઝાપટાં શરૂ થતાંની સાથે જ અસ્સલ સુરતી પરિવારો ફરસાણની દુકાનવાળાઓને સ્પેશિયલ સરસીયા ખાજાના ઓર્ડર આપે છે. ગયા વર્ષે કોરોનાને કારણે સીઝન ફિક્કી ગઇ હતી. પરંતુ આ વખતે સુરતીઓ અસ્સલ મિજાજમાં જોવા મળી રહ્યા છે. ગત સપ્તાહથી વરસાદ પડતા પહેલા અઠવાડિયામાં સારા ઓર્ડરો મળ્યા છે.
તેમણે ઉમેર્યું હતું કે, ખાજા સુરતના લોકો માટે સ્વાદિષ્ટ વાનગી છે. સરસીયા ખાજા, મેંગો ખાજા, મીઠા ખાજા, ચોકલેટ ખાજા વગેરે, જેનો ભાવ રૂપિયા 300થી 700 પ્રતિ કિલો જેટલો છે. અનેક સુરતીઓ સવાર-સાંજના નાસ્તામાં પણ ખાજા લીંબુ નાખીને જયાફત માણતા હોય છે.
અસ્સલ સુરતી ખાજા મેદામાંથી બને છે અને તેમાં મરી, જીરું, હળદર મીઠું વગેરે તેના સ્વાદને આકર્ષક બનાવે છે. સુરતના ખાજા ગ્રાહકો માત્ર શહેરવાસીઓ જ નથી. વિદેશોમાં પણ સુરતી સરસીયા ખાજા જાય છે. અનેક પરિવારો તેના વિદેશો મિત્રો અને પરિવારો માટે ઓર્ડર નોંધાવે છે. ખાજા દસ દિવસ સુધી ખરાબ થતા નથી.
ભવાની ખાજાના કિશોરભાઇ પટેલ જણાવે છે કે, સરસીયા ખાજાએ સુરતીઓની પોતિકી નમકીન વાનગી ગણાય છે. ખાજા ચટાકેદાર, તીખા તમતમતા જ ખાવાની મજા આવે, પણ હવે લોકો મીઠા ખાજાની પણ એટલી જ ડિમાન્ડ કરી રહ્યા છે. સુરતીઓ સરસીયા ખાજા ખાસ કરીને ઓર્ડર આપીને બનાવે છે. આ વર્ષે શરૂઆતથી ખાજાની ડિમાન્ડ વધુ છે. પરંતુ તેના કારીગરો મર્યાદિત હોવાથી વધુ માત્રામાં ખાજા બનતા નથી.