રાજ્યમાં કોરોનાના કેસ વધ્યા, પરંતુ ઇન્ડોર સંખ્યા ઓછી

લોકોએ વધુ સજાગ રહેવાની જરૂર, રસી લેવાની સલાહ
અમારા પ્રતિનિધિ તરફથી
અમદાવાદ, તા. 21 જૂન
 છેલ્લા ચારથી પાંચ દિવસથી રાજ્યમાં કોરોનાના આંકમાં ઊછાળો જોવા મળી રહ્યો છે. ગઇ કાલે પણ સતત પાંચમાં દિવસે કોરોનાના નવા 244 કેસ નોંધાયા હતા. જોકે કોરોનાને લીધે થતા મૃત્યુ નિયંત્રણ છે તે સારી વાત છે. મે અને જૂનમાં ફક્ત એક-એક મૃત્યુ નોંધાયા છે.  
કોરોનાના કેસમાં સતત થઇ રહેલા વધારા અંગે ઇન્ડિયન મેડીકલ એસોસિયેશનના પૂર્વ રાષ્ટ્રીય ઉપપ્રમુખ  ડૉ. અતુલ પંડ્યાએ જણાવ્યું હતુ કે અત્યારે રાહતની વાત ગણીએ તો એ છે કે હાલમાં કોરોનાના કેસમાં જરૂર વધારો થયો છે પરંતુ ઇન્ડોર દર્દીઓમાં વધારો થયો નથી. ટૂંકમાં દાખલ થતા દર્દીઓની સંખ્યા વધતી નથી તેનો અર્થ એ કે હાલમાં જે રોગ છે તે બિલકુલ માઇલ્ડ કક્ષાનો છે. સદનસીબે  આપણે ત્યાં રસીકરણ મોટી સંખ્યામાં આપવામાં આવ્યા છે ત્યારે સતર્ક જરૂર રહેવુ જોઇએ પરંતુ તેનાથી ગભરાવાની જરૂર નથી.  
તેમણે વધુમાં જણાવ્યું હતુ કે જો દાખલ થતા દર્દીઓની સંખ્યા વધે તો જ ચિંતા કરવી પડે. કોરોના ભલે માઇલ્ડ હોય પરંતુ તે ફેલાય નહી તેની તકેદારી રાખવી જ રહી. વધુમાં તેમણે જણાવ્યું હતુ કે નવી જનરેશનનો રોજ રોજ ઉમેરો થતો જાય છે ત્યારે સંક્રમણ ઓછુ થાય તેની તકેદારી રાખવી જોઇએ. તેમણે જણાવ્યું હતુ કે કોરોનામાં નવા નવા વેરિયાંટ તો આવતા જ રહેવાના છે. પરંતુ હવે જે કોઇ નવા વેરિયાંટ આવશે તે પહેલા જેટલા જોખમી નહી હોય તેમ હાલના તબક્કે દેખાય છે.  
દરમિયાનમાં ગુજરાત બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટર (જીબીઆરસી)ના એક ડેટા અનુસાર પાછલા મહિને કોવિડ દર્દીઓના 431 દર્દીઓના નમૂના લેવામાં આવ્યા હતા જેમાંથી 223 અથવા 52 ટકામાં બીએ.2.38 વેરિયાંટ જોવા મળ્યો હતો. આ વેરિયાંટ સૌપ્રથમ મેમાં જોવા મળ્યો હતો અને જૂનમાં તેમાં વધારો થયો હતો. 
ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં જૂન મહિનામાં 1લી જૂને કોરોનાના નવા કેસ ફક્ત 40 હતા તે 7 જૂન વધીને એકાએક 111ના મથાળે સ્પર્શી ગયા હતા અને ત્યારબાદ ગઇ કાલે જૂન મહિનાના સૌથી વધુ 244 કેસ નોંધાયા હતા. તેની સાથે રોજ નવા જિલ્લાઓનો પણ ઉમેરો થતો જાય છે. એટલું જ રાજ્યમાં રિકવરીનો દર જે એક સમયે 99.09 ટકાએ હતો તે ઘટીને 99 ટકા સુધી આવી ગયો છે. જ્યારે એક્ટીવ કેસની સંખ્યા વધીને 1400ની આસપાસ આવી ગઇ છે તે ચિંતાની વાત છે. રાજ્યમાં અત્યાર સુધીમાં આશરે 12 લાખની આસપાસ લોકોને રસી અપાઇ ચૂકી છે.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer