અમારા પ્રતિનિધિ તરફથી
અમદાવાદ, તા. 21 જૂન
છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતમાં ઇંધણની અછત ચાલી રહી છે. પેટ્રોલ પંપ ડીલર્સના અનુસાર કંપનીઓમાંથી પેટ્રોલ ડીઝલનો પુરવઠો પૂરતો આવતો નહી હોવાથી હાલમાં અનેક પેટ્રોલ પંપ પર આઉટ ઓફ સ્ટોકના બોર્ડ જોવા મળી રહ્યા છે. આ સંજોગોમાં ટ્રાન્સપોર્ટ ઉદ્યોગમાં જો વધુ આ પરિસ્થિતિ લાંબી ચાલશે તો મુશ્કેલી ઊભી થવાની શક્યતા સેવાઇ રહી છે.
અખિલ ગુજરાત ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિયેશનના કાર્યકારી પ્રમુખ મુકેશ દવેએ જણાવ્યુ હતુ કે હાલમાં પુરવઠા અછતને કારણે હાલમાં મોટી અસર થઇ નથી. હાલમાં ઓછા પુરવઠાની મુશ્કેલી બીપી, એસ્સાર, રિલાયન્સમાં છે. પરંતુ ઇન્ડિયન ઓઇલને પોતાની જ પ્રોસાસિંગ ક્ષમતા વધુ હોવાથી પુરવઠો યથાવત આવે છે. જ્યારે અન્ય ખેલાડીઓ જો બહારથી હાલના ભાવ ખરીદવા જાય તો તેમને નુકસાન જાય તેથી તે લોકો આ પ્રક્રિયામાં પડતા નથી. વધુમાં તેમણે જણાવ્યું હતુ કે જો બલ્ક બાયર્સ રિટેલ રિટેલ (નોઝલ) તરફ વળ્યા હોવાથી અમારો ક્વોટાનો તે લોકો ઉપયોગ કરી રહ્યા છે. એટલું જ નહી પૈસા બચાવવા માટે સરકારની એસટી બસો પણ નોઝલ તરફ વળી છે. તેના કારણે ડીઝલની અછત વર્તાઇ રહી છે.
વધુમાં તેમણે જણાવ્યું હતુ કે અમે રાજ્યમાં આ પરિસ્થિતિ વધુ ઘેરી ન બને તેવા પગલાં લેવા રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે. પત્રમા તેમણે જણાવ્યું હતુ કે હાલમાં ટ્રેડ, કોમર્સ અને ફેક્ટરીઓ મંદીજનક તબક્કામાંથી પસાર થઇ રહ્યા છે. આ પરિસ્થિતિમાં ડીઝલ ન મળે તો વધુ મુશ્કેલી પેદા થાય છે. વધુમાં જુલાઇમાં આ પરિસ્થિતિ વધુ વણસવાના એંધાણ છે.
હાલમાં તકલીફ પડે છે પરંતુ કોઇની ગાડી અટકી નથી. આ પરિસ્થિતિ આખા દેશમાં છે. હાલમાં બલ્ક યૂઝર્સ બલ્કમાં 21 રૂપિયા વધુ આપવા ન પડે તે માટે ટ્રેક્ટરમાં બે ચાર બેરલ ચડાવીને નોઝલમાંથી ખરીદી કરે છે આમ દરેક જગ્યાએ આ પ્રેક્ટિસ થતી હોવાથી આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે.
અમારે ત્યાં વિવિધ ટ્રાન્સપોર્ટ્સ સામાન્ય રીતે એક જ જગ્યાએથી ડીઝલ ભરાવતા હોય છે ત્યારે કોઇક સ્થળે સ્ટોક ન હોય તેવુ બની શકે છે. પરંતુ જો આવીને આવી પરિસ્થિતિ રહેશે તો આગળ જતા મુશ્કેલી પડી શકે છે.