નવી દિલ્હી, તા. 21 જૂન
ટેલિકૉમ કંપનીઓએ ખાનગી કંપનીઓ અને ધંધાર્થીઓને કેપ્ટિવ (આંતરિક વપરાશ માટેના) નેટવર્ક સ્થાપવાની પરવાનગી આપવા માટે કડક નિયમો ઘડવાની માગણી કરી છે.
ટેલિકોમ સચિવ કે. રાજારામનને લખેલા એક પત્રમાં સેલ્યુલર અૉપરેટર્સ ઍસોસિયેશન અૉફ ઇન્ડિયા (સીઓએઆઈ)એ આવા ખાનગી નેટવર્કનો વ્યાપ માત્ર મશીન-ટુ-મશીન સંદેશવ્યવહાર અને પ્લાન્ટ ઓટોમેશન પૂરતો જ સીમિત રાખવાની માગણી કરી છે.
સીઓએઆઈએ કહ્યું છે કે જે 5-જી બેન્ડ્ઝ ટેલિકોમ કંપનીઓ માટે અનામત રખાયા હોય તેમાંથી ખાનગી કંપનીઓને ફાળવણી કરવી ન જોઈએ. આનું કારણ એ છે કે હાર્મનાઇઝ્ડ ટેલિફોન સેવા માટેનું સ્પેક્ટ્રમ મર્યાદિત છે. હાલમાં માત્ર 3.3 ગીગાહર્ટ્ઝ અને 2.85 ગીગાહર્ટ્ઝ જ લિલામમાં મુકાવાના છે.
ટેલિકોમ કંપનીઓના વિરોધ છતાં કેન્દ્રીય પ્રધાનમંડળે ખાનગી કંપનીઓ અને ધંધાર્થીઓને ટેલિકોમ વિભાગ પાસેથી સીધું સ્પેક્ટ્રમ મેળવીને આંતરિક નેટવર્ક સ્થાપવાની છૂટ આપી તેના થોડા જ દિવસમાં સીઓએઆઈનો પત્ર આવી પડયો છે.
સીઓએઆઈએ માગણી કરી છે કે ખાનગી કંપનીઓ અને ધંધાર્થીઓના નેટવર્કને પબ્લિક ટેલિફોન સેવા, ઇન્ટરનેટ ક્લાઉડ પ્લેટફોર્મ્સ, અન્ય ખાનગી નેટવર્ક કે અન્ય અૉફિસો કે ઇમારતો સાથે કોઈ સંપર્ક ન હોવો જોઈએ. સીઓએઆઈએ કહ્યું છે કે ખાનગી કંપનીઓને અપાનારા સ્પેક્ટ્રમ વડે ત્રાહિત પક્ષકારો કે વચેટિયાઓ કામકાજ કરે તેવું ન થવું જોઈએ, કારણ કે જો એવું થાય તો ત્રાહિત વ્યક્તિઓ લિલામમાંથી સ્પેક્ટ્રમ ખરીદ્યા વગર જ ટેલિકોમ સેવાઓ પૂરી પાડી શકશે. તેથી યુનિફાઇડ લાઈસન્સધારકોની જેમ જ ખાનગી નેટવર્કના માલિકોએ પણ ખાનગી નેટવર્ક સ્થાપવા માટેના સાધનો અને ઉપકરણો ખરીદવા જોઈએ અને અન્ય ખેલાડીઓ પાસેથી લીઝ કે ભાડાં પર ન લેવાં જોઈએ.
જો સીઓએઆઈની માગણી સ્વીકારાય તો ગૂગલ, એમેઝોન જેવી વૈશ્વિક ટેક કંપનીઓ કે વિદેશી આઈટી કંપનીઓ ભારતીય સેલ્યુલર અૉપરેટરોની સ્પર્ધા કરીને ટેલિકોમ સેવાઓ પૂરી પાડી નહીં શકે. તદુપરાંત ખાનગી કંપનીઓ કે ધંધાર્થીઓને ભાગીદારી કરવા માટે બહુ ઓછી ટેલિકોમ કંપનીઓ મળશે.
બે વાહનો વચ્ચે સંપર્ક સ્થાપવા, ડ્રૉનનું નિયમન કરવા કે મોબાઇલ ફોનમાંથી મશીન-ટુ-મશીન કનેક્ટિવિટી સ્થાપવાની કેટલાક હિતધારકોની માગણીનો પણ સીઓએઆઈએ વિરોધ કર્યો છે.
સીઓએઆઈએ કહ્યું છે કે ખાનગી નેટવર્ક અન્ય નેટવર્કમાં દખલગીરી ન કરે તેની કાળજી લેવાવી જોઈએ. તેમણે ઇલેક્ટ્રો-મેગ્નેટિક ફિલ્ડ સંબંધી ધોરણો ગ્રાહક ચકાસણીના નિયમો તથા તમામ સુરક્ષા નિયમોનું પણ પાલન કરવું જોઈએ.