એજન્સીસ
મુંબઈ, તા. 21 જૂન
રિબેટ અૉફ સ્ટેટ ઍન્ડ સેન્ટ્રલ ટૅક્સીસ ઍન્ડ લેવીસ (આરઓએસસીટીએલ) સ્કીમમાં નવાં ધોરણોથી ગાર્મેન્ટ નિકાસકારોને રૂા. 1200 કરોડની ખોટ જવાની શક્યતા ઊભી થઈ છે.
નિકાસકારોએ કાચી સામગ્રી પર અગાઉ ચૂકવી દીધેલા ટૅક્સ અને લેવીની સામે રિબેટ આ સ્કીમ હેઠળ અૉફર થાય છે. હવે આ રિબેટને ક્રીપ્સમાં પરિવર્તિત કરી દેવામાં આવ્યું છે. જેની લેવેચ કરી શકાય છે. નિકાસકારો આ ક્રીપ્સ આયાતકારોને વેચી શકે છે જે બદલામાં તેનો ઉપયોગ આયાતજકાત ચૂકવવવાની રોકડના વિકલ્પરૂપ ઇન્સ્ટ્રુમેન્ટ તરીકે કરી શકે છે. આ ક્રીપ્સ ડિસ્કાઉન્ટમાં વેચાય છે અને ડિસ્કાઉન્ટ ડિસેમ્બરમાં જે 3 ટકા હતા તે વધી 20 ટકા થઈ ગયા છે. આથી ગાર્મેન્ટ નિકાસકારોના માર્જિન પરનું દબાણ વધ્યું છે. રૂ-સૂતરના ઊંચા ભાવોનો પડકાર જ્યારે ગાર્મેન્ટ નિકાસકારો ઝીલી રહ્યા છે ત્યારે ડિસ્કાઉન્ટ વધવાથી તેમની મુશ્કેલી વધી ગઈ છે.
ક્રીપ્સના આ ડિસ્કાઉન્ટથી આયાતકારોને ફાયદો થાય છે. આમ નિકાસકારોના ભોગે આયાતકારો ખોટો ફાયદો ઉઠાવી રહ્યા છે, એમ ગાર્મેન્ટ એક્સપોટર્સ ઍન્ડ મેન્યુફેકચરર્સ ઍસોસિયેશનના પ્રમુખ વિજય જિંદાલે જણાવ્યું હતું.
ગાર્મેન્ટ્સની વાર્ષિક નિકાસ 16 અબજ ડૉલરની છે જે દેશની કુલ ટેક્સ્ટાઇલ નિકાસ 44 અબજ ડૉલરના 36 ટકા હિસ્સા જેટલી છે. હવે આરઓએસસીટીએલ સ્કીમ હેઠળનું જે રિઇમ્બર્સમેન્ટ છે જે એપરલ નિકાસના પાંચ ટકા જેટલું અથવા અંદાજે રૂા. 6000 કરોડ થાય છે. ઉપર છલ્લી રીતે જોઈએ તો 20 ટકા ડિસ્કાઉન્ટથી નિકાસકારોને રૂા. 1200 કરોડનો સીધો ફટકો પડે છે.
ટેક્સ્ટાઇલ ઉદ્યોગની માગણી છે કે આ 20 ટકા ડિસ્કાઉન્ટમાં વેચાતી ટ્રેડેબલ ક્રીપ્સના બદલે પાછી કેસ રિઇમ્બર્સમેન્ટની સવલત શરૂ કરવી જોઈએ.
ટેક્સ્ટાઇલ ઉદ્યોગ 4.50 કરોડ નાગરિકોને રોજગારી પૂરી પાડે છે અને 2029 સુધીમાં તેનું કદ વધી 209 અબજ ડૉલરનું થઈ જવાની ધારણા છે.