મંડીઓમાં ઉનાળુ મગફળીની ધૂમ આવકો

મંડીઓમાં ઉનાળુ મગફળીની ધૂમ આવકો
પાક નબળો છતાં ઊંચા ભાવને લીધે ખેડૂતોની વેચવાલી
અમારા પ્રતિનિધિ તરફથી 
રાજકોટ, તા. 21 જૂન 
એક તરફ વરસાદના આરંભ સાથે ખરીફ વાવણી ધમધોકાર ચાલી રહી છે ને બીજી તરફ ઉનાળુ પાકની આવકોએ હવે જોર પકડવાનું શરૂ કર્યું છે. સૌરાષ્ટ્ર-ગુજરાતમાં ઉનાળુ મગફળીની આવક છેલ્લાં પંદર દિવસથી ચાલુ થઇ ગઇ છે અને અત્યારે આવક ટોચ પર છે. ઉત્તર ગુજરાતમાં જંગી આવક થવા લાગતા ગુજરાતનો કુલ આંકડો એક લાખ ગુણીને પાર થઇ રહ્યો છે. ખેડૂતોને ઉંચા ભાવ પ્રાપ્ત થઇ રહ્યા છે એટલે વેચવાલી પણ સારી છે. 
ગુજરાતમાં સૌથી વધારે આવક ડિસામાં રોજ 35-40 હજાર ગુણી થાય છે. પાલનપુરમાં પણ 8થી 10 હજાર ગુણી રોજ આવે છે. પાથાવાડામાં 5-6 હજાર ગુણીની આવક થાય છે. ઇડરમાં રોજ 3-4 હજાર ગુણી આવક રહે છે. રાજકોટમાં 6 હજાર ગુણી અને ગોંડલમાં 5 હજાર ગુણી મુખ્ય આવક છે.ઉનાળુ મગફળીનો ભાવ ઉત્તર ગુજરાતમાં ડિસા ખાતે સૌથી ઉંચો રૂ. 1100-1360 સુધી ચાલે છે. ગોંડલમાં રૂ.950-1346 સુધીના ભાવ સોમવારે રહ્યા હતા. સપ્તાહમાં આવક વધુ વેગ પકડશે. 
ડીએસએન એગ્રી બ્રોકર્સના નીરજ અઢીયાના કહેવા પ્રમાણે આ વર્ષે પાક અર્ધો જ છે છતાં હવે આવકનો સમય શરૂ થતા પુરવઠો ઉંચકાવા લાગ્યો છે. વેપારીઓ અને વિવિધ સંસ્થાઓના મતે 1 લાખ ટન કરતા વધારે મગફળી આવવાની સંભાવના નથી. ગયા વર્ષમાં આશરે 2 લાખ ટન પાક આવ્યો હતો. ગુજરાતમાં પાક ઓછો છે અને આવક સારી છે એ જોતા આશરે 20-25 દિવસ સીઝન ચાલશે. જોકે ઉત્તરપ્રદેશમાં દોઢો પાક છે એટલે ત્યાંથી ગુજરાતમાં મગફળી વેચાણ માટે આવી રહી છે. 
ઉત્તરપ્રદેશમાં આશરે પાંચથી છ લાખ ટન ઉત્પાદન થવાનો અંદાજ છે. જોકે ત્યાં સાચવવા માટે હજુ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ ખાસ નથી એટલે ખેડૂતો વેંચતા હોય છે. હાલ ત્યાંના મેનપુરી વિસ્તારના ચાર પાંચ યાર્ડમાં રોજ 25 હજાર ગુણી આસપાસ આવક થાય છે. સપ્તાહમાં આવક બમણી થઇ જશે. પંદર દિવસમાં ત્યાં એક લાખ 
ગુણી આવતી હશે તેમ માનવામાં આવે છે. 
ઉત્તરપ્રદેશની મગફળીનો બહુ મોટો હિસ્સો ગુજરાતમાં પીલાણ કે દાણા માટે દર વર્ષે આવે છે અને આશરે 20 ટકા જેટલો જથ્થો મહારાષ્ટ્ર જતો હોય છે. ગયા વર્ષમાં પીલાણમાં પડતર હતી એટલે ત્યાંની મગફળી મોટાંપાયે આવી હતી. જોકે આ વર્ષે ગુજરાતમાં પીલાણ અને દાણા ઉત્પાદનમાં પડતર નથી એટલે આવક થોડી નબળી રહે તેમ લાગે છે છતાં પુરવઠો આવ્યા કરશે. 
ઉત્તરપ્રદેશની મગફળીના હવાવાળા માલના રૂ.61 પ્રતિ કિલો અહીં પહોંચના બોલાય છે પણ સોદા ધીમા છે. રોજની બે-ત્રણ હજાર ગુણી આવે છે. દાણામાં રૂ. 85નો ભાવ ડિલિવરીમાં ચાલે છે પણ વેપાર ઉતરતા નહીં હોવાનું વેપારીઓએ કહ્યું હતુ.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer