આર્થિક મંદીનો ફફડાટ અને ઉત્પાદન વધારાથી પામતેલમાં ગાબડાં

આર્થિક મંદીનો ફફડાટ અને ઉત્પાદન વધારાથી પામતેલમાં ગાબડાં
એક મહિનામાં પામતેલનો ભાવ ડબ્બાદીઠ રૂ. 340 જેટલો ઘટયો
અમારા પ્રતિનિધિ તરફથી 
રાજકોટ, તા. 21 જૂન 
સમગ્ર ખાદ્યતેલ બજારને સળગાવીને ભાવ આસમાની ઉંચાઇએ લઇ જનાર પામતેલના ભાવમાં હવે જબરાં કડાકા બોલી રહ્યા હોય ઘરેલુ બજારમાં પણ તેલ સસ્તાં થવા લાગ્યા છે. અલબત્ત સીંગતેલ જેવું પ્રિમિયમ તેલ પામતેલની મંદીના પ્રભાવ હેઠળ ખાસ આવ્યું નથી પણ પામતેલ, કપાસિયા તેલ અને સૂર્યમુખી સસ્તાં થઇ ગયા છે. 
પામતેલના ભાવમાં છેલ્લાં એક મહિનાથી રોજેરોજ મોટાં ગાબડાં પડી રહ્યા છે. સોમવારે રાજકોટની બજારમાં ડબે રૂ.50 ગબડી જતા રૂ. 2155-2160ના મથાળે પહોંચી ગયો હતો. ગયા મહિને 20મી તારીખે પામતેલનો ડબો રૂ. 2500માં વેચાતો હતો. આ ગાળામાં રૂ. 340 તૂટી ચૂક્યાં છે. જાન્યુઆરી મહિનામાં રૂ. 1835-1840ના ભાવ હતા. જાન્યુઆરી કરતા ડબો હજુ રૂ. 320 જેટલો મોંઘો છે. 
મલેશિયા અને ઇન્ડોનેશિયા પામતેલના મોટાં ઉત્પાદક છે. જ્યાં ગયા મહિનાથી જ ઉત્પાદન વધવાનું શરુ થઇ ગયું હતુ. જોકે હવે નિકાસ પ્રભાવિત થવા લાગતા ભાવ તૂટતા જાય છે. મલેશિયામાંથી 1થી 20 જૂન દરમિયાન પામતેલ અને તેની પ્રોડક્ટસની નિકાસ 10.5 ટકા જેટલી તોતીંગ તૂટવનો અંદાજ આવતા ત્યાં વાયદા બજારમાં કડાકા બોલી રહ્યા છે એની અસરથી ભારતમાં પણ અસર થઇ છે.  
અગાઉ રશિયા અને યુક્રેનના યુધ્ધને લીધે પામતેલ અને સૂર્યમુખીને કારણે વિશ્વબજારમાં ખાદ્યતેલોના ભાવ ભડકે બળ્યા હતા. જોકે યુધ્ધ ચાલુ છે પણ આર્થિક મંદીની વાતો વચ્ચે સપ્લાય વધતો જાય છે અને માગ હળવી પડતી જાય છે. ફુગાવાએ માઝા મૂકી છે અને હવે એ કારણે વૈશ્વિક સ્તરે આર્થિક મંદીના વાદળો છવાઇ રહ્યા છે. ક્રૂડ તેલ પણ ઘટ્યું છે એટલે પામતેલને ય અસર થઇ છે. 
પામતેલને કારણે કપાસિયા તેલ રૂ. 40 તૂટીને સોમવારે રૂ. 2485-2535 હતુ. આ વર્ષે જાન્યુઆરીમાં રૂ. 2050-2090નો ભાવ હતો. સૂર્યમુખી તેલ રૂ. 30 ઘટીને રૂ. 2570-2600 થઇ ગયું હતુ. વર્ષના આરંભે રૂ.2010-2050 હતા. અલબત્ત સીંગતેલમાં મોટી તેજી ન હતી થઇ એટલે ભાવ પણ ખાસ ઘટ્યા નથી. વળી, સીંગતેલને પોતાના ફંડામેન્ટલ છે એના આધારે ચાલી રહ્યું છે. સીંગતેલનો ભાવ સૌરાષ્ટ્રમાં રૂ. 2670-2720 રહ્યો હતો. વર્ષના આરંભે રૂ.2220-2270ના ભાવ હતા. 
પામતેલના ભાવમાં આગામી દિવસોમાં પણ કડાકાનો દોર ચાલુ રહેવાની શક્યતા છે. એ જોતા ખાદ્યતેલોના ભાવ નીચાં આવવાની પૂરતી શક્યતા જોવાય છે.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer