મેમાં રત્ન-આભૂષણોની નિકાસ 20 ટકા વધીને રૂા. 25,365 કરોડ થઈ

મેમાં રત્ન-આભૂષણોની નિકાસ 20 ટકા વધીને રૂા. 25,365 કરોડ થઈ
દિલ્હી, તા.  21 જૂન
અમેરિકા સહિતના મુખ્ય દેશોની મજબૂત માંગને કારણે ભારતની મે મહિનાની રત્નો તથા આભૂષણોની નિકાસ ગત વર્ષના મે મહિના કરતાં 20 ટકા વધીને રૂા. 25,365.35 કરોડ (3.28 અબજ ડૉલર) થઈ હતી, તેમ જેમ ઍન્ડ જ્વેલરી, એક્ષપોર્ટ પ્રમોશન કાઉન્સિલે (જીજેઈપીસી) જણાવ્યું હતું. મે, 2021માં રત્ન તથા આભૂષણની સમગ્ર નિકાસ રૂા. 21,156.10 કરોડ (2.89 અબજ ડૉલર) થઈ હતી.
એપ્રિલ-મે, 2022માં રત્નો તથા આભૂષણોની કાચી નિકાસ 10.08 ટકા વધીને રૂા. 51053.53 કરોડ (6.65 અબજ અમેરિકન ડૉલર) થઈ હતી, જે એપ્રિલ-મે, 2021માં રૂા. 46,376.57 કરોડ (6.28 અબજ અમેરિકન ડૉલર) હતી.
રત્નો તથા આભૂષણોના ઉત્પાદનના ક્ષેત્રમાં ભારત વિશ્વના એક પસંદગીના સ્થળ તરીકે ઉભરી રહ્યું છે.
એપ્રિલ-મે, 2022માં ભારતે અમેરિકામાં 2.58 અબડ ડૉલર, હૉંગકૉંગમાં 1.38 અબજ ડૉલર, યુએઈમાં 8101.6 લાખ ડૉલર તથા બેલ્જિયમમાં 4413.7 લાખ ડૉલરના રત્નો તથા આભૂષણોની નિકાસ કરી હતી, જે ગયા વર્ષ કરતાં વધુ છે.
આ ક્ષેત્રની વધતી જતી નિકાસથી પ્રેરિત થઈ સરકારે 2022-23ની નિકાસ માટેનો લક્ષ્યાંક બીજા 17 ટકા વધારીને 45.7 અબજ ડૉલર ર્ક્યો છે.
યુએઈ તથા અૉસ્ટ્રેલિયા સાથે વ્યાપારી કરાર થયા તેના કારણે નિકાસનું નવું લક્ષ્યાંક સિદ્ધ થઈ શકશે. હાલની રશિયા- યુક્રેન યુદ્ધની નકારાત્મક અસરોનો સામનો કરવા માટે અમે નવી તક ઓળખવા તેમજ સ્વીકારવા માટે સજ્જ છીએ તેમ જીજેઈપીસીના અધ્યક્ષ કોલીન શાહે જણાવ્યું હતું.
પોલીશ્ડ હીરાની નિકાસ મેમાં 10.04 ટકા વધીને રૂા. 16,156.03 કરોડ (20891.7 લાખ અમેરિકન ડૉલર) હતી, જે ગયા વર્ષે રૂા. 14,681.42 કરોડ (20049.9 લાખ અમેરિકન ડૉલર) હતી.
સોનાના સાદા તથા જડાઉ આભૂષણોની નિકાસ મેમાં 50.11 ટકા વધીને રૂા. 5,273.40 કરોડ (6814.7 લાખ અમેરિકન ડૉલર) થઈ હતી, જે ગયા મેમાં રૂા. 3513.08 કરોડ (479.54 લાખ અમેરિકન ડૉલર) હતી.
એપ્રિલ-મે, 2022માં ચાંદીના આભૂષણોની નિકાસ 6.63 ટકા ઘટીને રૂા. 3728.84 કરોડ (759.9 લાખ અમેરિકન ડૉલર) થઈ હતી, જે ગયા વર્ષે રૂા. 3993.64 કરોડ (5401.9 લાખ અમેરિકન ડૉલર) હતી.
એપ્રિલ-મે, 2022માં રંગીન રત્નોની નિકાસ 106.91 ટકા વધીને રૂા. 584.45 કરોડ (759.9 લાખ અમેરિકન ડૉલર) થઈ હતી, જે ગયા વર્ષે રૂા. 282.47 કરોડ (382 લાખ ડૉલર) થઈ હતી.
આ સાથે લેબોરેટરીમાં બનેલા હીરાની નિકાસ 105.58 ટકા વધીને રૂા. 2499.95 કરોડ (3254.5 લાખ ડૉલર) થઈ હતી, જ્યારે ગયા વર્ષે તે રૂા. 1,216.06 કરોડ (1645.2 લાખ ડૉલર) હતી.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer