ચીન પાછળ ખનિજ લોખંડની બજાર પાણી પાણી

ચીન પાછળ ખનિજ લોખંડની બજાર પાણી પાણી
સિંગાપોર, તા. 21 જૂન
ખનિજ લોખંડના ભાવમાં કડાકો બોલી ગયો છે. ચીનમાં સ્ટીલની માગ ઘટવાના સ્ટીલ મિલોએ ઉત્પાદન ઘટાડતાં ખનિજ લોખંડના ભાવ આજે 7.4 ટકાના ઘટાડે 111.20 ડૉલર બોલાતા હતા. ડાલિયાન ખાતે ખનિજ લોખંડ વાયદો 8.3 ટકા અને હોટ યેલ્ડ કોઇલ તથા સ્ટીલ રિબાર પાંચ ટકાના ઘટાડે ચાલતા હતા. ચીનનો કોકિંગ કોલ વાયદો 7.1 ટકા ઘટીને 2414.5 યુઆન પ્રતિ ટન થયો હતો.
આજના ઘટાડા સાથે ખનિજ લોખંડમાં આ વર્ષે જોવાયેલો સુધારો ધોવાઈ ગયો છે. છેલ્લા આઠ સત્રોમાં તેણે સતત ઘટાડામાં 20 ટકા મૂલ્ય ગુમાવી દીધું છે. સ્ટીલ બનાવવામાં વપરાતા મેટલર્જીકલ કોકના ભાવ ચીનમાં 12 ટકા ઘટી ગયા છે.
ચીનમાં રિયલ એસ્ટેટની મંદી અને કોરોના પ્રેરિત લૉકડાઉનને કારણે ખનિજ લોખંડનો વપરાશ ઘટી ગયો છે. ગયા મહિને કોરોનાનો પ્રભાવ ઓછો થવાથી આર્થિક પ્રવૃત્તિ સુધરવાની આશા બંધાઈ હતી, પરંતુ નિયમિત સામૂહિક પરીક્ષણ અને વધુ લૉકડાઉનની કાયમી શક્યતાને લીધે એ ઠગારી નીવડી છે.
સ્ટીલ ઉત્પાદનમા કેન્દ્રસમા તાંગશાનમાં બ્લાસ્ટ ફર્નેસોનો ક્ષમતાનો ઉપયોગ ગયા સપ્તાહે મેના મધ્યની સરખામણીમાં ઓછો હતો. કન્સલ્ટન્ટ માય સ્ટીલે કહ્યું કે તાંગશાનમાં ઘણી વધુ સ્ટીલ 
મિલો ઉત્પાદન ઘટાડી રહી છે. ચીનમાં સ્ટીલ ઉદ્યોગના નફાનો સૂચકાંક આ મહિને 90 ટકા ગગડી ગયો છે.
બાંધકામમાં વપરાતી સ્ટીલની ચીજોનું દૈનિક હાજર વેચાણ સામાન્ય રીતે 170થી 190 લાખ ટન હોય છે તે હાલમાં 110થી 130 લાખ ટન થઈ ગયું છે. ચીનના બાંધકામ ક્ષેત્રના સંયોગો નિસ્તેજ જ રહ્યા છે. કોરોના પ્રેરિત લૉકડાઉનની અસર અને વધુ લૉકડાઉનના ભયને લીધે સરકારનાં પ્રોત્સાહક પગલાં કારગત નીવડતાં નથી.
ચીનની સ્ટીલ મિલો માળખાકીય ઉદ્યોગોની અને બાંધકામ માટેની માગની આશાના સહારે ગયા વર્ષના અંતથી ઉત્પાદન વધારી રહી છે. હવે જો રિયલ એસ્ટેટ ક્ષેત્રની માગ સુધરે નહીં (જેની શક્યતા ઓછી છે) મિલોએ ભાવ ઘટાડીને અને ઉત્પાદનમાં કાપ મૂકીને નબળી માગ અને ઊંચા ઉત્પાદન વચ્ચે મેળ બેસાડવો પડશે, એમ ગેવેકલ ડ્રેગનોમિક્સનાં એનાલિસ્ટ રોઝેલિયા ચાઓએ કહ્યું હતું.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer