મગનું વાવેતર 6.88 ટકા ઘટ્યું

મગનું વાવેતર 6.88 ટકા ઘટ્યું
પંજાબમાં ઉનાળુ મગની સરકારી ખરીદી શરૂ 
ડી. કે.
મુંબઈ, તા. 21 જૂન 
ગત મહિને કેન્દ્ર સરકારે પંજાબમાં પણ ટેકાનાં ભાવે મગની ખરીદી શરૂ કરવાની પરવાનગી આપ્યા બાદ રાજ્યમાં ગતિવિધીઓ તેજ થઇ ગઇ છે. રાજ્યમાં ઉનાળુ મગની ખરીદી શરૂ થઇ ગઇ છૈ અને રાજ્ય સરકારે 4555 ટન મગની ખરીદીનું લક્ષ્યાંક રાખ્યું છે. જો કે દેશમાં ચોમાસું વિલંબીત થયું હોવાથી ખરિફ મગનાં વાવેતરમાં 6.88 ટકાનો ઘટાડો થયો હોવાનું જાણવા મળે છે. વીતેલા સપ્તાહના અંતે જાહેર થયેલા આંકડા પ્રમાણે દેશમાં 1.896 લાખ હેક્ટર વિસ્તારમાં ખરીફ મગનું વાવેતર થયું છે. જે ગત વર્ષે આજ સમયગાળામાં થયેલા 2.036 લાખ હેક્ટરનાં વાવેતરની તુલનાએ હજુ ઓછું છે. રાજસ્થાનમાં ખરિફ મગનું સૌથી વધારે વાવેતર થતું હોય છે પણ આ વખતે અહીં હજુ 1400 હેક્ટરમાં જ વાવેતર થયું છે. મગનું વાવેતર કરતાં અન્ય રાજ્યોમાં મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ તથા કર્ણાટકનો સમાવેશ થાય છે.   
જો કે પંજાબમાં આ વર્ષે ઉનાળુ મગનાં વાવેતરમાં મોટો ઉછાળો જોવા મળ્યો તેથી સરકારે ત્યાં ટેકાનાં ભાવે ખરીદીની જાહેરાત કરવી પડી હતી. સામાન્ય રીતે પંજાબમાં  દર વર્ષે 50,000 એકર વિસ્તારમાં ઉનાળુ મગનં  વાવેતર થતું હોય છે પરંતુ આ વખતે 1.25 લાખ એકર વિસ્તારમાં  ઉનાળુ મગની ખેતી થઇ હોવાના અહેવાલ છે.  જેના પરિણામે સરકારી એજન્સીઓએ ગત સપ્તાહે પંજાબમાં મગની ખરીદી શરૂ કરી છે. જે આગામી 90 દિવસ સુધી ચાલશે. 
અત્રે નોંધનીય છે કે સરકારી ખરીદીના કુલ ખર્ચમાં 15 ટકા જેટલો હિસ્સો રાજ્ય સરકાર ભોગવતી હોય છે અને સરકારને ત્રણ દિવસમાં ખેડૂતનાં બેંક ખાતામાં નાણા જમા કરાવવાનાં હોય છે. અહી પણ પંજાબ સરકારે જે ખેડૂત ડાંગરનાં વાવેતર પહેલાં મગની ખેતી કરે તેને ટેકાના ભાવ પૂરા પાડવાની જાહેરાત કરી હતી. તેના માટે કેન્દ્ર સરકારની સહાય પણ માગી હતી. મગના ટેકાના ભાવ ક્વિન્ટલ દીઠ 7275 રૂપિયા છે.  
આ વખતે ઉનાળુ વાવેતરમાં મગની ખેતી સામાન્યથી બમણાં કરતાં પણ વધારે થતાં સરકારે ખેડૂતોને પ્રોત્સાહન આપવા ટેકાના ભાવ આપવાનું નક્કી કર્યુ હતું. કારણ કે ભારતના મગનાં ઉત્પાદનની સામે વપરાશ વધારે હોવાથી દર વષે આપણે મગની આયાત કરવી પડતી હોય છે. હવે પંજાબમાં એક સાથે ઘણા સેન્ટરો ઉપર સરકારી ખરીદી શરૂ થતાં ખેડૂતો રવી પાક અને ખરીફ વાવેતરના વચ્ચેના ગાળામાં મગનું વાવેતર કરે તેવી સરકારની રણનીતિ છે.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer