ઘઉં પછી ગોબરની ઊજળી નિકાસ સંભાવનાઓ

ઘઉં પછી ગોબરની ઊજળી નિકાસ સંભાવનાઓ
ઉ.પ્રદેશ અને રાજસ્થાનથી 192 ટનનો પહેલો જથ્થો મોકલાયો 
મુંબઈ, તા. 21 જૂન 
પયગંબર મોહમ્મદ ઉપર ટિપ્પણી માટેનો વિવાદ હજુ શમ્યો નથી, તે પહેલાં કુવૈતે ભારતને ગોબરનો મોટો ઓર્ડર આપ્યો છે. કુવૈતે ખજૂરની ખેતી માટે આ ઓર્ડર આપ્યો છે. હકીકતમાં, કુવૈતના વૈજ્ઞાનિકોએ ખજૂરની ખેતીમાં ગોબરનો ઉપયોગ કરતાં ઉપજ વધી. આ પુરાવાને આધારે તેમણે ભારતને આટલો મોટો ઓર્ડર આપ્યો છે. 
કુવૈતને રાજસ્થાન અને ઉત્તર પ્રદેશથી 192 મેટ્રિક ટન ગોબરનો પહેલો જથ્થો ગયા સપ્તાહે રવાનારા કરાયો. સાંસદ રાધા મોહન સિંહે જણાવ્યું કે કુવૈતના વૈજ્ઞાનિકોને ખજૂરની ખેતીમાં ગોબર ખૂબ ફાયદાકરક જણાયું છે. કુવૈતનો ઓર્ડર મળવાને પગલે ભારતથી ગોબરની નિકાસની સંભાવનાઓ અનેકગણી વધી ગઈ છે. 
તેમણે જણાવ્યું કે ભારત ગોબરનો સૌથી મોટો ઉત્પાદક દેશ છે. હવે સરકાર પણ તેની નિકાસ ઉપર ધ્યાન કેન્દ્રિત કરીને વ્યૂહરચના ઘડી રહી છે. ગોબરનો પહેલો જથ્થો રાજસ્થાનના કનકપુરાથી મુંબઈ મોકલાયો હતો અને મુંબઈથી જહાજ મારફતે કુવૈત મોકલવામાં આવ્યો હતો. કસ્ટમ્સ વિભાગના નિરીક્ષણ હેઠળ જયપુરના ટૉંક રોડની શ્રી પિંજરાકોલ ગૌશાળામાં ગોબરને પેક કરવામાં આવ્યું હતું. 
નોંધનીય છે કે પાછલા દિવસોમાં પયગંબર મોહમ્મદ ઉપર વિવાદિત નિવેદન માટે ખાડી દેશોએ ભારતીય રાજદૂતો સમક્ષ વાંધો દર્શાવ્યો હતો, તેમાં કુવૈત પણ સામેલ હતું. તે પછી ભારતીય વિદેશ મંત્રાલયે સત્તાવાર નિવેદન આપ્યું હતું કે આ સરકારના વિચારો નથી, જો કોઈ ડિબેટ કે સોશિયલ મીડિયા ઉપર પોતાના વિચાર જાહેર કરે છે, તો તેની સાથે સરકારનો કોઈ સંબંધ નથી. આ સંદર્ભે તમામ ખાડી દેશોને પણ માહિતગાર કરાયા હતા. સાથે સાથે વિવાદિત ટિપ્પણી કરનારાં નૂપુર શર્મા સામે પગલાં લેવાયાં હોવાની જાણકારી પણ તેમને અપાઈ હતી.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer