ટેલિકૉમ ઉદ્યોગની પીએલઆઈ વધુ એક વર્ષ લંબાવાઈ

ટેલિકૉમ ઉદ્યોગની પીએલઆઈ વધુ એક વર્ષ લંબાવાઈ
વધુ રૂા. 4000 કરોડનાં પ્રોત્સાહનો જાહેર
મુંબઈ, તા. 21 જૂન
5-જી નેટવર્ક માટે સક્ષમ પરિવેશ બનાવવા કેટલાક નીતિ વિષયક સુધારા કરાયા છે. સરકારે ટેલિકોમ ઉદ્યોગ માટેની પ્રોડક્ટિવિટી લિન્કડ ઇન્સેન્ટિવ સ્કીમ (પીએલઆઈ) વધુ એક વર્ષ માટે લંબાવી છે તથા ડિઝાઇન પ્રધાન ઉત્પાદનનો પણ તેમાં સમાવેશ કર્યો છે. સુધારેલી યોજના અંતર્ગત સરકાર વધારાના રૂા. 4,000 કરોડથી વધુ રકમનાં પ્રોત્સાહન આપશે. ટેલિકોમ ઉદ્યોગના કેટલાંક અગ્રણીઓએ ફરિયાદ કરી હતી કે 2021-22ના પ્રથમ વર્ષ માટેના ઉત્પાદનના લક્ષ્યાંકો વધુ પડતાં ઊંચા છે. આ ફરિયાદને પગલે તેમની સાથે ચર્ચા વિચારણા કર્યા બાદ ટેલિકોમ મંત્રાલયે પોતાની નીતિમાં સુધારા વધારા કર્યા હતા.
ગત ફેબ્રુઆરીમાં ટેલિકોમ મંત્રાલયે રૂા. 12,195 કરોડની ફાળવણી સાથેની પીએલઆઈ યોજના જાહેર કરી હતી.
અૉક્ટોબર 2021માં આ યોજના અંતર્ગત 31 કંપનીઓને પસંદ કરવામાં આવી હતી. આ યોજના અન્વયે પ્રોત્સાહનની રકમ મેળવવા માટે લાભાર્થી કંપનીઓ 2021-22 અથવા 2022-23 ને પોતાના પ્રથમ વર્ષ તરીકે પસંદ કરી શકશે. સક્ષમ પરિવેશ વાળું 5-જી નેટવર્ક સ્થાપવા માટે ટેલિકોમ નીતિમાં સુધારા કરવામાં આવ્યા છે, તેમ સરકારે જણાવ્યું હતું.
દેશ તેમ જ પરદેશના અતિ નાના, નાના મધ્યમ અને મોટા ઔદ્યોગિક એકમો આ યોજનાનો લાભ લઈ શકશે.
ડિઝાઇન પ્રધાન એકમોને અન્ય એકમો કરતાં પ્રાથમિકતા આપવામાં આવશે. ડિઝાઇન પ્રધાન એકમો ટેલિકોમ ઉદ્યોગના ઉત્પાદનોની ડિઝાઇન ભારતમાં બનાવવાને પ્રાથમિકતા આપશે.
2018ની નેશનલ ડિજિટલ કોમ્યુનિકેશન પોલિસીમાં નક્કી કરવામાં આવ્યું હતું તે મુજબ દેશમાં સંશોધન આધારિત ડિઝાઇન પ્રધાન ઉત્પાદન વધે તે માટે ટેલિકોમ ઉદ્યોગને પ્રોત્સાહન અને પ્રેરણા મળશે.
સરકારની યોજના અંતર્ગત જે એકમો તેમાં ભાગ લેવા માગતા હશે, તેમને લઘુતમ વૈશ્વિક આવકના માપદંડોનું પાલન કરવું પડશે. આ એકમો કોઈ એક કે એક કરતાં વધુ લાયક ચીજવસ્તુનું ઉત્પાદન કરી શકશે. અતિ નાના, નાના તથા મધ્યમ કક્ષાના એકમોએ ઓછામાં ઓછું રૂા. 10 કરોડનું તથા તેમાં સમાવેશ ન થતાં મોટા એકમોએ રૂા. 100 કરોડનું રોકાણ કરવું પડશે. જમીન તથા મકાનની કિંમતનો આ રોકાણમાં સમાવેશ નહીં થાય. 2019-20ના વર્ષને પાયાનું વર્ષ ગણીને લક્ષ્યાંક અનુસારના ઉત્પાદનના વેચાણની ગણતરી કરવામાં આવશે. અતિ નાના, નાના તથા મધ્યમ કક્ષાના એકમો માટેની ફાળવણી રૂા. 1000 કરોડથી વધારીને રૂા. 2500 કરોડ કરવામાં આવી છે.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer