પસંદગીની લેવાલીથી સેન્સેક્ષમાં 934 પૉઇન્ટનો ઉછાળો

પસંદગીની લેવાલીથી સેન્સેક્ષમાં 934 પૉઇન્ટનો ઉછાળો
વ્યાપાર ટીમ
મુંબઈ, તા. 21 જૂન
અમેરિકાના ટ્રેઝરી સચિવ જેનેટ યેલને જણાવ્યું હતું કે `મંદી આવશે એ જરૂરી નથી. તેમના આ નિવેદન બાદ પણ બોન્ડ યીલ્ડ અને ક્રૂડતેલ વધી રહ્યા હોવા છતાં આ કથનને સકારાત્મક ગણી-સમજીને આજે ભારત એશિયા સહિત મોટા ભાગના વૈશ્વિક શૅરબજારો નીચા તળિયેથી ઝડપી સુધરી ગયા છે.
બીએસઈ સેન્સેક્ષ ઇન્ટ્રાડે 1200 પોઇન્ટ ઉછળ્યા પછી ટ્રેડ અંતે 934 પોઇન્ટ વધીને 52,532ના સ્તરે બંધ આવ્યો હતો. જેથી એનએસઈ નિફ્ટી 289 પોઇન્ટના સુધારે 15638.80ના સ્તરે બંધ આવ્યો હતો. છેલ્લા અઠવાડિયામાં સૌથી વધુ તૂટેલા ક્ષેત્રો `ચગડોળ'ની જેમ પુન: ઊભર્યા હતા. આજે મેટલ, પીએસબી અને તેલ-ગૅસ ક્ષેત્રના ઇન્ડેક્સો 4થી 4.5 ટકા વધ્યા હતા. બીએસઈ મિડકેપ અને સ્મોલકેપ ઇન્ડેક્સ અનુક્રમે 2.4 અને ત્રણ ટકા વધ્યા હતા. જોકે, સ્થાનિક બજાર જાણકારો આ તબક્કે વહેણમાં તણાવા સામે ચેતવણી ઉચ્ચારે છે.
આજે સતત બીજા દિવસે સ્થાનિક બજારમાં કેટલાક વ્યક્તિગત શૅરો સૌથી વધુ સુધારે હતા, જેમાં ઇન્ફોસીસ, વીપ્રો, એચસીએલ ટેક્નૉલૉજીમાં 2.5થી 6 ટકા વધારો હતો. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં પણ આજે સંગીન ઉછાળો જોવાયો હતો. જ્યારે ટાઇટન, હિન્દાલ્કો, જેએસડબ્લ્યુ સ્ટીલ, કોલ ઇન્ડિયા, અદાણી પોર્ટ, તાતા મોટર્સ, ઓએનજીસી અને ડૉ. રેડ્ડીસમાં પણ સંગીન સુધારો જોવાયો હતો. જોકે, નેસ્લે અને એપોલો હૉસ્પિટલમાં ઘટાડો થયો હતો.
જીઓજીત ફાઇનાન્સિયલના સંશોધક વડા વિનોદ નાયરે જણાવ્યું હતું કે કૉમોડિટી બજારમાં ઘટાડા અને ઇક્વિટી બજારમાં મૂલ્યવાન શૅરોમાં મોટા ડિસ્કાઉન્ટને કારણે ઉછાળો અપેક્ષિત છે. આજે નવા વેચાણમાં મોટો ઘટાડો થવાથી પણ બજાર સુધર્યું છે. જોકે, ફુગાવો અને કડક નાણાનીતિની હજુ બજારમાં મોટી અસર ચાલુ રહેશે' જેને લીધે સુધરતા બજારમાં પણ આજે વિદેશી સંસ્થાઓએ રૂા. 1217 કરોડના શૅર વેચ્યા છે. જોકે, બ્રેન્ટ ક્રૂડતેલનો બેન્ચમાર્ક બેરલ દીઠ વધીને 116 ડૉલર ક્વોટ થયો હતો.
વૈશ્વિક બજારોમાં અમેરિકાનું શૅરબજાર આજે બંધ હતું. જોકે, યુરોપના બજારો મહદ્અંશે સુધારે ક્વોટ થયાં હતાં. એશિયાના મુખ્ય બજારો હૉંગકૉંગ, સીઓલ અને ટોક્યો શૅરબજારોમાં પણ ઝડપી સુધારો જોવાયો હતો.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer