ઉદ્ધવ સરકાર સંકટમાં : મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસનના ભણકારા

ઉદ્ધવ સરકાર સંકટમાં : મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસનના ભણકારા
શિવસેનાના 25થી વધુ વિધાયકો સાથે એકનાથ શિંદે સુરતમાં 
નરેન્દ્ર જોશી
મુંબઈ, તા. 21 જૂન
એનસીપી પ્રમુખ શરદ પવારના રિમોટ કંટ્રોલવાળી મહારાષ્ટ્રની મહાવિકાસ આઘાડી (એમવીએ) સરકાર શિવસેનાના વરિષ્ઠ પ્રધાન એકનાથ શિંદેએ 21 વિધાયકો સાથે કરેલા બળવાના કારણે સંકટમાં મુકાયા બાદ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન આવવાની શક્યતા વિશે રાજકીય વર્તુળોમાં જોરદાર ચર્ચા શરૂ થઈ છે. તાજેતરની રાજ્યસભા અને વિધાન પરિષદની ચૂંટણીમાં એક-એક બેઠક વધારાની મેળવ્યા બાદ ભાજપ એમવીએ સરકારને લઘુમતીમાં મૂકવા આક્રમક બન્યો છે.
આંકડાઓનો હિસાબ તપાસવામાં આવે તો 288 બેઠકોની મહારાષ્ટ્ર વિધાનસભામાં શાસક શિવસેના પંચાવન વિધાયકો, એનસીપીના 53 અને કૉંગ્રેસના 44 સાથે બહુજન વિકાસ આઘાડીના ત્રણ વિધાયકો છે. જ્યારે સમાજવાદી પાર્ટી, એઆઈએમઆઈએમ અને પ્રહાર જનશક્તિ પાર્ટીના બે-બે વિધાયકો છે. એમએનએસ, સીપીએમ, પીડબ્લ્યુપી, સ્વાભિમાની પક્ષના પ્રત્યેકના એક અને 13 અપક્ષ વિધાયકો છે.
વિપક્ષ ભાજપના 106 વિધાનસભ્યો છે. એકનાથ શિંદે સાથે 21 વિધાયકો ભાજપને ટેકો આપે તો પણ ભાજપ માટે 144નો આંકડો હાંસલ કરવો મુશ્કેલ છે. 13 અપક્ષ અને નાના પક્ષો સાથે આવે તો ભાજપ વેફર જેવી પાતળી બહુમતી સાથે સરકાર બનાવી તો શકે, પણ તેને ટકાવી શકે તેમ નથી. આવી સ્થિતિમાં મહારાષ્ટ્રમાં રાજ્યપાલ ભગતસિંહ કોશિયારીની ભૂમિકા મહત્ત્વપૂર્ણ બની રહેશે અને તેઓ રાષ્ટ્રપતિ શાસનની ભલામણ કરે તેવી શક્યતા વધુ હોવાનું રાજકીય સમીક્ષકોનું માનવું છે.
રાજ્ય વિધાનસભાના આગામી વર્ષા સત્રમાં વિપક્ષ ભાજપ દ્વારા ઉદ્ધવ ઠાકરે સરકાર સામે અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કરવામાં આવે તેવી સંભાવના છે. જો શિવસેના, એનસીપી અને કૉંગ્રેસની મહાવિકાસ આઘાડી સરકાર અવિશ્વાસ ઠરાવમાં પરાજિત થાય અને કોઈ પણ પક્ષ અથવા યુતિ બહુમત સિદ્ધ કરી શકવામાં નિષ્ફળ જાય તો રાજ્યપાલ સંવિધાનની કલમ 356 હેઠળ મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લાદવા ભલામણ કરી શકે.
જો છ મહિનાના રાષ્ટ્રપતિ શાસન દરમિયાન કોઈ પક્ષ બહુમત સિદ્ધ કરી શકે નહીં તો વચગાળાની ચૂંટણી જાહેર કરવી પડે અથવા રાષ્ટ્રપતિ શાસનની મુદત એક વર્ષ માટે વધારવી પડે.
રાજ્યમાં મુંબઈ સહિત અનેક મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાની ચૂંટણીઓ જાહેર થવાની છે. તે પૂર્વે મહારાષ્ટ્રનાં રાજકીય સમીકરણો રાષ્ટ્રપતિ શાસન અથવા વચગાળાની ચૂંટણી તરફ લઈ જાય છે કે નહીં તેની ઉપર સહુની નજર મંડાયેલી રહેશે.
દરમિયાન, સુરતથી ખ્યાતિ જોશીના અહેવાલ મુજબ પાડોશી મહારાષ્ટ્રમાં રાજકીય ભૂકંપ સર્જાયો છે અને તેનું એપી સેન્ટર સુરત બની ગયું છે. મહારાષ્ટ્રમાં શિવસેના સરકારના બાહુબલી નેતા એકનાથ શિંદેએ તેની સરકાર સામે બળવો કરતાં મહારાષ્ટ્ર સરકાર મુસીબતમાં મુકાઇ ગઇ છે. સરકારમાં સામેલ 25થી વધુ ધારાસભ્યોએ શિવસેનાના દિગ્ગજ નેતા એકનાથ શિંદેની આગેવાનીમાં સુરતની હોટેલમાં ધામા નાખ્યા છે. નારાજ એકનાથ શિંદેને મનાવવા માટે મહારાષ્ટ્રથી બે નેતાઓ સુરત આવી પહોંચ્યા છે. પાર્ટી સામે એકનાથ શિંદેએ કેટલીક શરતો રાખી હોવાનું બહાર આવ્યું છે. બીજી તરફ ભાજપના બે વરિષ્ઠ નેતા સુરતમાં શિંદેને મળ્યા હતા.
એવું કહેવાય છે કે શિવસેનાના દિગ્ગ્જ નેતા એકનાથ શિંદે પાર્ટીના નેતૃત્વથી નારાજ હોવાથી તેમણે બળવો કર્યો છે. વિધાન પરિષદની ચૂંટણીના મતદાન બાદથી મહારાષ્ટ્રની આઘાડી સરકારમાં ગરબડ ચાલી રહી હોવાનું સ્પષ્ટ થયું છે. જોકે મહારાષ્ટ્રના બળવાખોર નેતા એકનાથ શિંદેએ લેટેસ્ટ ટ્વીટમાં  સરકાર સાથે છેતરપિંડી કરી ન હોવાનું ટાંક્યું હતું.  
ગઇકાલ રાત્રિથી શરૂ થયેલી રાજકીય ગરમા-ગરમીમાં સુરતની હોટેલમાં શિવસેનાના 25થી વધુ ધારાસભ્યોના ધામા છે. તેઓના ફોન લઇ લેવાયા હોવાનું કહેવાય છે. તમામ નેતાઓને સંપર્ક વિહોણા કરી દેવાયા છે. હોટેલની ચોતરફ સુરક્ષા વ્યવસ્થા વધારી દેવાઇ છે. હોટેલમાં પ્રવેશનાર દરેક વ્યક્તિની પ્રવેશ પહેલા કડક પૂછપરછ કરવામાં આવે છે.  
સૂત્રોનું માનીએ તો સુરત આવી પહોંચેલા ધારાસભ્યોની તોડ-જોડનું કામ પણ શરૂ કરાયું છે. એવું કહેવાય છે કે રાજકીય પક્ષ ભાજપ મહારાષ્ટ્રની આઘાડી સરકારના બળવાખોર ધારાસભ્યોના સંપર્કમાં છે. વહેલી સવારે હોટેલ પર ભાજપના કેટલાક નેતાઓ જોવા મળ્યા હતા.  
આજે સમગ્ર દિવસ દરમિયાન સુરતમાં મહારાષ્ટ્રના નેતાઓ સાથે આવેલા કાફલાની ચર્ચા ચાલી હતી. નારાજ એકનાથ શિંદેને મનાવવા માટે મોડી સાંજે મુંબઇથી શિવસેના ધારાસભ્ય મિલિન્દ નાર્વેકર અને રવીન્દ્ર ફાટક સુરત આવી પહોંચ્યા હતા. 
ઠાકરે પરિસ્થિતિને પહોંચી વળશે : પવાર
દરમિયાન, એનસીપી પ્રમુખ શરદ પવારે મહારાષ્ટ્રની મહાવિકાસ આઘાડી (એમવીએ) સરકારને તોડી પાડવાનો આ ત્રીજો પ્રયાસ હોવાનો આક્ષેપ કર્યો હતો. જોકે મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે આ પરિસ્થિતિનો સફળતાપૂર્વક સામનો કરશે, એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
એમવીએ સરકારની રચનામાં મુખ્ય ભૂમિકા ભજવનાર પવારે કહ્યું કે મહાવિકાસ આઘાડી સરકાર તેની પાંચ વર્ષની મુદત પૂર્ણ કરશે અને સ્થાનિક સરકાર પડે તો પણ ભાજપ સાથે યુતિ નહીં કરે, એવી સ્પષ્ટતા કરી હતી.
યુતિમાં કોઈ મતભેદ નથી અને ઠાકરેના નેતૃત્વમાં સંપૂર્ણ વિકાસ હોવાનું પવારે પત્રકારોને અહીં જણાવ્યું હતું. શિવસેનાની આ આંતરિક બાબત છે અને પરિસ્થિતિની સમીક્ષા કર્યા બાદ તેઓ અમને સ્થિતિ વિશે માહિતગાર કરશે.
એકનાથ શિંદેની હકાલપટ્ટી 
મહારાષ્ટ્રના રાજકીય સંકટના કેન્દ્રસ્થાને રહેલા શિવસેનાના પ્રધાન એકનાથ શિંદેએ સુરતથી જણાવ્યું છે કે પક્ષના સ્થાપક બાળાસાહેબ ઠાકરેએ અમને આપેલા સિદ્ધાંત અને બોધને કદાપી ત્યજીશું નહીં અને સત્તા માટે કદી છેતરપિંડી નહીં કરીએ. દરમિયાન, શિવસેનાએ શિંદેને પક્ષના વિધાયક દળના નેતા પદેથી દૂર કર્યા છે. શિંદે સાથે 21 શિવસેના વિધાયકો હોવાનો અંદાજ છે. શિંદેના સ્થાને શિવરીના વિધાયક અજય ચૌધરીને શિવસેના વિધાયક દળના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા છે.
બાળાસાહેબના અમે કટ્ટર સમર્થક-શિવસૈનિક છીએ, તેમણે અમને હિન્દુત્વના પાઠ શીખવ્યા છે, સત્તા મેળવવા કાજે અમે બાળાસાહેબ ઠાકરે અને આનંદ દીઘેએ શીખવેલા પાઠને અમે છોડી શકીએ નહીં. એમ શિંદેએ મરાઠીમાં ટ્વીટ કરી જણાવ્યું હતું.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer