જેમ ઍન્ડ જ્વેલરી કાઉન્સિલ યુવા પ્રતિભાને ફરી ઉદ્યોગ તરફ વાળશે

જેમ ઍન્ડ જ્વેલરી કાઉન્સિલ યુવા પ્રતિભાને ફરી ઉદ્યોગ તરફ વાળશે
યુવાપેઢી અને ટેકનૉલૉજીનો સંયોગ કોઈ પણ  ક્ષેત્રના વિકાસ માટે અનિવાર્ય : દિનેશભાઈ
અમારા પ્રતિનિધિ તરફથી
સુરત, તા. 15 ફેબ્રુ.
જેમ ઍન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલે યુવા પ્રતિભાઓને તરાશવાનું બીડું ઉપાડયું છે. પ્રતિભા-બ્રિજિંગ ધી ગેપ શૃંખલા હેઠળ રાજ્યભરની યુવા પ્રતિભાઓને તારવવાની કવાયત જીજેઈપીસીએ આજથી સુરતથી શરૂ કરી છે. આગામી સમયમાં જીજેઈપીસી સેમિનારો, ઈવેન્ટ, રોજગાર મેળા સહિતનાં કાર્યક્રમો યોજીને યુવા પ્રતિભાઓ સાથે સંવાદ સેતુ થકી ભવિષ્યનો એક નવો માર્ગ બનાવશે. 
જીજેઈપીસીનાં ગુજરાત રિજનનાં ચૅરમૅને દિનેશભાઈ નાવડિયા કહે છે કે, છેલ્લા કેટલાંક સમયથી જેમ ઍન્ડ જ્વેલરી ઈન્ડસ્ટ્રી યુવાપેઢીને પોતાના તરફ આકર્ષવામાં મુશ્કેલી અનુભવી રહી છે. આ ક્ષેત્ર લાખો લોકોને રોજગારી પૂરી પાડે છે અને સાથોસાથ અદ્યતન માળખાકિય સુવિધાઓ, આરામદાયક કામ કરવા માટેનું વાતાવરણ, સરકારી લાભો, ટ્રાન્સપોર્ટેશન, જમવા-રહેવાનું, તાલીમ, સ્ટાઈપન્ડ વગેરે જેવી સગવડો અને ભથ્થા આપવા માટે જાણીતું છે. પરંતુ, માહિતીનો અભાવ હોવાના કારણે અમુક કિસ્સાઓને ધ્યાનમાં રાખી લોકો સુધી પહોંચતી માહિતી તેમ જ અન્ય ક્ષેત્રોમાં બદલાયેલા વલણોને લીધે યુવા પેઢી આ ક્ષેત્રને કારકિર્દી તરીકે લેવામાં અસમંજસ અનુભવે છે. 
તેમણે ઉમેર્યુ હતું કે, યુવા પેઢીને આવી વિવિધ તકો અને આ ક્ષેત્રમાં રહેલી ક્ષમતાઓ વિશે જાગૃત કરવાના આશયથી જીજેઈપીસી દ્વારા એક પહેલ કરવામાં આવી છે.
આ પ્રોજેક્ટમાં શહેરની સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીનો સહકાર મળશે. આજનાં પ્રથમ કાર્યક્રમમાં સોસાયટીની સાત કૉલેજનાં વિદ્યાર્થીઓ સહિતનાં 700થી વધુ યુવા પ્રતિભાઓને ભાગ લીધો હતો. 
સાર્વિજનિક એજ્યુકેશન સોસાયટીનાં ચૅરમૅને સીએસ જરીવાલા કહે છે કે, અનેક ક્ષેત્રમાં કારકિર્દી બનાવવાની તકો છૂપાયેલી હોય છે. પરંતુ, આ મામલે વિદ્યાર્થીઓને માહિતીનો અભાવ હોવાનાં કારણે આગળ વધી શકતા નથી. જીજેઈપીસીની પહેલમાં સોસાયટી પણ સહયોગ કરશે. વધુમાં વધુ યુવા પ્રતિભાઓને આગળ વધવાની ઉત્તમ તક મળે તે માટેનો પ્રયાસ રહેશે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer