ટેકાના ભાવથી સસ્તી ખાંડ વેચતી મિલો સામે પગલાં લેવા આદેશ

મહારાષ્ટ્ર-ઉત્તર પ્રદેશની ખાંડ મિલો ગુજરાતમાં સસ્તી ખાંડ ઠાલવતા મિલોને નુક્સાન
અમારા પ્રતિનિધિ તરફથી
સુરત, તા. 22 માર્ચ
દેશભરમાં શેરડીનું બમ્પર ઉત્પાદન થતાં પાછલાં બે વર્ષથી ખાંડનું ઉત્પાદન વધ્યું છે. નાણાં ભીડ અનુભવી રહેલી દેશભરની સુગર મિલો લઘુતમ ટેકાના ભાવ કરતાં ઓછા ભાવે ખાંડ વેચવાનું શરૂ કરતાં કેન્દ્ર સરકારે સુગર મિલો સામે તપાસનાં આદેશ કર્યા છે. 
સરકારે ખાંડનો એક કિલોનો ભાવ રૂા. 31 નક્કી કર્યો છે. ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્રની કેટલીક સુગર મિલો ટેકાના ભાવ કરતાં સસ્તા દરે ખાંડ વેચતી હોવાનું પ્રકાશમાં આવ્યું છે. બજારમાં ખાંડનો એટલો બધો માલ ઠલવાયો છે, જેથી રાજ્યની અઢાર સુગર મિલોને મોટું આર્થિક નુકસાન થઇ રહ્યું છે.
બહારનાં રાજ્યોની સુગર મિલો રાજ્યમાં સસ્તા દરે ખાંડનું વેચાણ કરતાં આ મામલે નેશનલ સુગર ફેડરેશનને ગુજરાત ખાંડ ઉદ્યોગ સંઘે ફરિયાદ કરી હતી. તાજેતરની નેશનલ ફેડરેશનની બેઠકોમાં પણ આ મુદ્દે ચર્ચા કરી સરકારને પગલાં ભરવાની ભલામણ કરી હોવાનું ચલથાણ સુગર મિલનાં ચૅરમૅન અને ગુજરાત સ્ટેટ સુગર ફેડરેશનનાં વાઈસ ચૅરમૅન કેતનભાઈ પટેલે એક વાતચીતમાં કહ્યું હતું. સસ્તી ખાંડ રાજ્યમાં આવતાં રાજ્યની 14થી વધુ સુગર મિલોને મોટું આર્થિક નુકસાન પહોંચ્યું છે. કેટલી ખાંડ રાજ્યમાં ઠલવાઈ છે તેની આંકડાકીય વિગતો હજુ બહાર આવી નથી. પરંતુ, આ આંકડો મોટો છે. 
ટેકાના ભાવ કરતાં વધુ ભાવ દર્શાવીને ફ્રેઈટ અૉન રિસિપ્ટ(એફઓઆર)નાં બિલમાં ખાંડનાં ભાવ રૂા. 28 કે તેથી ઓછાં અને ટ્રાન્સપોર્ટેશનનો દર જોડીને ઊંચો ભાવ દર્શાવવામાં આવી રહ્યો છે. જ્યારે કેટલીક મિલો તો જીએસટી ઉમેરીને બિલ પર ખાંડની ઊંચી કિંમત દર્શાવીને વેચાણ કરી પોતાના માલનો નિકાલ કરી રહી છે. જે ખરામાં ખાંડની મિલની મૂળ કિંમત રૂા. 31થી નીચે રૂા. 28 કે રૂા. 27ની આસપાસ જ હોય છે. 
કેન્દ્ર સરકારને આ મામલે ફરિયાદ પહોંચતા કેન્દ્રે રાજ્યોનાં ચીફ સેક્રેટરીને પરિપત્ર લખી જે મિલો નીચા દરે ખાંડનું વેચાણ કરી રહી છે તેની વોચ કરી પગલાં લેવા જણાવ્યું છે. એક અંદાજ મુજબ રાજ્યની 14 જેટલી સુગર મિલોને 40 ટકાથી વધુ ખાંડનો જથ્થો વેચાયા વિનાનો પડયો છે. 
નોંધવું કે, સરકારે ગત વર્ષ જૂન માસમાં ખાંડનાં ટેકાના ભાવ રૂા. 29 નક્કી કર્યા હતાં. મિલો અને ખેડૂતોની સ્થિતિમાં સુધારો નહિ જણાતાં ગત ફેબ્રુઆરી માસમાં સરકારે ભાવમાં રૂા. 2નો વધારો કરીને મિનિમમ ટેકાના ભાવ રૂા. 31 બાંધી આપ્યો છે. આ પછી પણ સુગર મિલોની નાણાકીય સ્થિતિમાં સુધારો નહિ જણાતાં મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશની કેટલીક મિલોએ સસ્તામાં ખાંડનું વેચાણ શરૂ કર્યું છે, જેની સામે રાજ્યની ખાંડ મિલોને મોટું નુકસાન થઈ રહ્યું છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer