કલ્પસર યોજના ઇતિહાસ તો નહીં બની જશે?

હૃષિકેશ વ્યાસ 
અમદાવાદ, તા.22 માર્ચ
ગુજરાત માટે નર્મદા યોજના બાદ સૌથી મોટી ગણાતી કલ્પસર યોજના માટે છેલ્લાં દશકા કરતા વધારે સમયથી આયોજન ઘડાઇ રહ્યું છે અને શક્યતાદર્શી અહેવાલ તૈયાર થઇ રહ્યા છે. ખાસ તો ખંભાતના અખાતમાં આ બંધ બનાવવાનો હોઇ સમુદ્રશાત્ર અને પર્યાવરણીય અભ્યાસો ઉપરાંત બંધના સંલગ્ન પાસાંઓ અને તેનાથી થનારી અસરો સહિતના અભ્યાસો થઇ રહ્યા છે. અત્યાર સુધીમાં કુલ 24 અભ્યાસ પૂર્ણ થયા છે અને હજી 9 અભ્યાસ પ્રોસેસમાં છે. સમગ્ર પ્રોજેક્ટ હજુ અભ્યાસમાંથી બહાર આવ્યો નથી ત્યારે હવે ખરેખર યોજના ઇતિહાસ તો નહીં બની જાયને તેવો ભય લાગવા માંડયો છે.
ગુજરાત વિધાનસભામાં નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે જણાવ્યું હતું કે,   31 ડિસેમ્બર, 2018 સુધીમાં કુલ મળી 161 કરોડ જેટલો ખર્ચ કરાયો હોવા છતાં આ પ્રોજેક્ટ શરૂ થઇને ક્યારે પૂર્ણ થશે તે સરકાર કહી શકી નથી. જોકે, નિર્માણ કાર્ય બને એટલું વહેલુ પૂર્ણ થશે તેમ પણ તેમણે વિધાનસભામાં જણાવ્યું હતું. 
ખંભાતના અખાતમાં આકાર લેનારી કલ્પસર યોજના અન્વયે 29 કિલોમીટર લાંબો બંધ બાંધી સમુદ્રમાં વિશ્વનું સૌથી મોટું મીઠા પાણીનું જળાશય ઊભું કરવાનું આયોજન છે. આ જળાશયમાં 10 હજાર મિલિયન ઘનમીટરથી પણ વધારે ભૂતળ જળરાશિનો સંગ્રહ થનાર છે. જે રાજ્યમાં સરેરાશ વાર્ષિક વરસાદી પાણીની આવકના 25 ટકા જથ્થાનો સંગ્રહ થશે.  
કરોડોનો ખર્ચ છતાં કલ્પસર હજુ કલ્પાનીત તારીખોમાં અટવાયેલી છે. અહેવાલોમાં જ 15 વર્ષ વીતી ગયા છે.  2004માં તત્કાલિન મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીને કારણે કલ્પસર પ્રોજેક્ટ માટે સક્રિય થયા બાદ કલ્પસર યોજના ફરી  સમાચારોમાં આવી  જે અગાઉ વર્ષો સુધી ઘોઘાથી દહેજ સુધીની દર્શાવાઇ હતી, પણ અંતે તેનું ફિડલુ વાળી તેને નવા રંગરૂપ સાથે ભાલથી ખંભાત સુધીની  રજૂ કરવામાં આવી  અને 2014 થી 2019 સુધી હજુ પણ આ નવી કલ્પસર યોજનાના શક્યતાદર્શી અહેવાલ જ પૂર્ણ થયા નથી!

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer