15 માર્ચ સુધીમાં ખાંડનું ઉત્પાદન 6 ટકા વધ્યું

ચેન્નાઈ, તા. 22 માર્ચ
વર્તમાન મોસમમાં 15 માર્ચ સુધીમાં ખાંડનું ઉત્પાદન વાર્ષિક છ ટકા વધીને 273.4 લાખ ટન થયું છે. ગયે વર્ષે આ સમયે તે 258.2 લાખ ટન હતું.
ઇન્ડિયન સુગર મિલ્સ ઍસોસિયેશને અગાઉ ખાંડનું ઉત્પાદન ગયા વર્ષના 325 લાખ ટનથી ઘટીને 307 લાખ ટન થવાનો અંદાજ વ્યક્ત કર્યો હતો.
2018-'19ની ખાંડ મોસમ (અૉક્ટોબર-સપ્ટેમ્બર)માં 527 મિલોએ પીલાણ હાથ ધર્યું હતું. 15 માર્ચે તેમાં 154 મિલોએ પીલાણ બંધ કર્યું છે. જ્યારે 373 મિલોમાં હજી પીલાણ ચાલુ છે. ગયે વર્ષે આ સમયે 399 મિલો કાર્યરત હતા. મહારાષ્ટ્ર અને કર્ણાટકની મિલો ઝડપભેર બંધ થઈ રહી છે. અને તેમની પીલાણ મોસમ પૂરી થવામાં છે એમ ઇસ્માએ કહ્યું હતું.
મહારાષ્ટ્રમાં 15 માર્ચ સુધીમાં ખાંડનું ઉત્પાદન 100 લાખ ટન થયું છે જે ગયે વર્ષે 93.84 લાખ ટન હતું. આ મોસમમાં અત્યાર સુધીમાં 85 મિલોએ પીલાણ બંધ કર્યું છે, જ્યારે 110 મિલો હજી કાર્યરત છે. ગયે વર્ષે આ સમયે 38 મિલોએ પીલાણ બંધ કર્યું હતું, જ્યારે 149 મિલો કાર્યરત હતી.
કર્ણાટકમાં 67 ખાંડ મિલોએ 42.45 લાખ ટન ખાંડનું ઉત્પાદન કર્યું છે. 15 માર્ચે 56 મિલો પીલાણ બંધ કરી ચૂકી હતી, જ્યારે 11 મિલો કાર્યરત હતી. ગયે વર્ષે આ સમયે 65 મિલોએ 35.10 લાખ ટન ખાંડનું ઉત્પાદન કર્યું હતું. એ 65 પૈકી 17 મિલો 15 માર્ચે કાર્યરત હતી જ્યારે 48 મિલો પીલાણ બંધ કરી ચૂકી હતી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer