સંજોગો - અને સૂત્રો ભાજપના સમર્થનમાં

લોકસભાની ચૂંટણી માટે 184 ઉમેદવારોની યાદી જાહેર કરીને ભાજપે હરણફાળ ભરી છે. કૉંગ્રેસ અને અન્ય વિપક્ષોની છાવણીમાં હવે `મહાગઠબંધન'ની ચર્ચા તો શું શબ્દ પણ સંભળાતો નથી જ્યારે ભાજપે આસામ, બિહાર, પંજાબ અને મહારાષ્ટ્રમાં મુખ્ય ભાગીદાર પક્ષો સાથે સમજૂતી કરી લીધી છે અને ઉત્તર પ્રદેશ તથા અન્ય રાજ્યોમાં નાના પક્ષોને પણ સમાવી લીધા છે. ત્રીજું વિપક્ષી સભ્યો - વિશેષ કરીને મહારાષ્ટ્રમાં કૉંગ્રેસ અને રાષ્ટ્રવાદી કૉંગ્રેસમાંથી યુવા નેતાઓ ભાજપમાં જોડાઈ રહ્યા છે. સિનિયર નેતાઓના પુત્રો જ્યારે ભાજપમાં જોડાઈ રહ્યા છે તે નોંધપાત્ર છે. આ બંને પક્ષોના ટોચના નેતાઓને ખાતરી થઈ હોવી જોઈએ કે વિજયની આશા નથી - તેથી જ `એડવાન્સ પાર્ટી' તરીકે પરિવારના સભ્યો ભાજપમાં જોડાઈ રહ્યા છે. આ `પક્ષપલટા' પરિણામ પહેલાં થઈ રહ્યા છે અર્થાત સત્તા અથવા નાણાં માટે નહીં, પણ એમનાં ભવિષ્ય ભાજપમાં છે એવી આશા હોવી જોઈએ. આમાં ભાજપને વધુ લાભ છે. કૉંગ્રેસ અને રાષ્ટ્રવાદી કૉંગ્રેસ `ઘર' સંભાળી શકતા નથી તે દેશ શું સંભાળે? શરદ પવાર મહારાષ્ટ્રમાં `પ્રભાવી' રહ્યા નથી - અને દિલ્હીમાં કૉંગ્રેસ અને `આપ' વચ્ચે સમાધાન કરવાના પ્રયાસ કરે છે!
પક્ષપલટો કરીને કૉંગ્રેસી સભ્યો ભાજપમાં આવે છે તે કૉંગ્રેસી નેતાઓ ઉપર જ પ્રહાર છે.
ભાજપના ઉમેદવારોની પહેલી યાદીમાં સ્પષ્ટ સંદેશ છે : વયોવૃદ્ધ નેતાઓ નિવૃત્ત થાય છે અને બીજી પેઢી માટે માર્ગ મોકળો કરે છે. લાલકૃષ્ણ અડવાણી અને ડૉ. મુરલી મનોહર જોષી બંને આદરને પાત્ર છે, પક્ષના વિકાસ માટે એમનું અમૂલ્ય યોગદાન છે પણ હવે બીજી-પેઢી આગળ આવવી જોઈએ, અન્ય વયોવૃદ્ધ નેતાઓમાં શાંતાકુમાર, કલરાજ મિશ્ર વગેરેનો સમાવેશ થાય છે.
નરેન્દ્ર મોદી વારાણસીથી જ ચૂંટણી લડશે તે નિશ્ચિત હતું. વારાણસીની કાયાપલટનું વચન એમણે પાળ્યું છે અને મતવિસ્તાર બદલવાની કોઈ જરૂર ન હતી. સવાલ જ ન હતો. જ્યારે રાહુલ ગાંધી અમેઠી ઉપરાંત કર્ણાટકમાંથી પણ ઊભા રહે એવી જાહેર માગણી પણ શરૂ થઈ છે. મહારાષ્ટ્રમાં નાંદેડની સલામત બેઠક પણ એમના માટે છે. જોકે રાહુલ ગાંધી બે ચૂંટણી વિસ્તારોમાં ઊભા રહે તો તેની અસર અવળી પડી શકે છે - કે અમેઠી ઉપર એમને ભરોસો નથી અથવા એમના ઉપર હવે અમેઠીને વિશ્વાસ રહ્યો નથી!
અખિલેશ અને માયાવતીએ કૉંગ્રેસની બંને બેઠકો - રાયબરેલી અને અમેઠી ઉપર કોઈ ઉમેદવાર નહીં રાખવાની ખાતરી આપી હતી જાણે કૉંગ્રેસને આ બેઠકો દાનમાં- ભેટ આપતા હોય. આ પછી કૉંગ્રેસે અખિલેશ-માયાવતીની બેઠકો `છોડી' દેવાની જાહેરાત કરી પણ માયાવતીએ સાફ ઇનકાર કર્યો અને લોકસભાની ચૂંટણી નહીં લડવાનો ઇરાદો જાહેર કર્યો છે. હકીકતમાં આ બંને નેતાઓને કૉંગ્રેસનો ભરોસો જ નથી અને તેથી કોઈ સમજૂતી કરીને કૉંગ્રેસને જ લાભ આપવા તૈયાર નથી. બંગાળમાં મમતાએ કૉંગ્રેસનો હાથ પકડવાનો સાફ ઇનકાર કર્યો છે છતાં હવે કૉંગ્રેસે માર્કસવાદીઓ સાથે સમજૂતી નહીં કરી હોવાથી આવનારા દિવસોમાં ઊલટા-સૂલટી થઈ શકે છે! બિહારમાં લાલુપ્રસાદ કૉંગ્રેસનો `હાથ' ઉપર રહે તેમ ઇચ્છતા નથી. એકંદરે તામિલનાડુમાં કૉંગ્રેસને થોડી બેઠકો મળી શકે અને કર્ણાટકમાં આશા છે પણ આન્ધ્રમાં ચન્દ્રાબાબુ નાઇડુ તૈયાર નથી.
આ તમામ વિપક્ષો-કૉંગ્રેસના રાહુલ ગાંધી વડા પ્રધાન બની જાય એમ ઇચ્છતા જ નથી.
ભાજપને સંબંધ છે ત્યાં સુધી મહારાષ્ટ્ર ઉપર ઘણો મદાર રાખવામાં આવે છે - બંને કૉંગ્રેસ નબળી પડી છે. શરદ પવાર `મનસે'ના રાજ ઠાકરેને એક-બે બેઠકો ફાળવી શકયા નહીં અને એમની પોતાની બેઠક પર સ્થાનિક નેતાઓના કારણે સલામત નહીં હોવાથી ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી છે!
ગુજરાતમાં ભાજપ સાવધાન છે. વર્ષ 2017માં વિધાનસભાની ચૂંટણી દરમિયાન રાહુલ ગાંધીને હાર્દિક પટેલ અને જિજ્ઞેશ મેવાણી - અલ્પેશ ઠાકોરની સેવાનો લાભ મળ્યો. રાહુલ ગાંધી જનોઈધારી બ્રાહ્મણ બન્યા અને નરેન્દ્ર મોદી માટે ગંભીર પડકાર હતો પણ ભાજપે સત્તા જાળવી રાખી. હવે લોકસભાની ચૂંટણીમાં ભાજપ બેદરકાર રહેવા માગે નહીં તે સ્વાભાવિક છે. આમાં પણ ગાંધીનગર જેવી પ્રતિષ્ઠાની બેઠક, હાથમાંથી બીજા પક્ષના `હાથ'માં જાય નહીં તે જોવાનું છે. અમિત શાહ ગાંધીનગરમાં હોય તો લાભ સમસ્ત ગુજરાતને થશે એવી ગણતરી છે.
શરૂઆતમાં આક્રમક રહેલા રાહુલ ગાંધી હવે નબળા પડયા છે. પુલવામાના જવાબી હુમલા અંગે શંકા વ્યક્ત કર્યા પછી અને ચૌકીદાર ચોર હૈ - એમ કહ્યા પછી મોદીએ અસરકારક જવાબ આપ્યો છે અને આખા દેશમાં ચોકીદારનો અવાજ જગાવ્યો છે. પાંચ વર્ષ પહેલાં `ચા વાલા'એ ચૂંટણી જીતી હતી, હવે તો ચોકીદારનો અવતાર છે. આ સાથે જ લંડનથી નીરવ મોદીની ધરપકડના અહેવાલ આવ્યા છે ત્યારે આ ભાગેડૂ ભારતને સોંપવામાં આવશે એવી આશા વધી છે.
સંજોગો અને સૂત્રો નરેન્દ્ર મોદીને આક્રમક તથા લોકપ્રિય બનાવી રહ્યા છે.
દરમિયાન - જનધન ખાતાંઓની સંખ્યા અને બેલેન્સમાં ધરખમ વધારો થયો છે. જનધન ખાતાં 32 કરોડથી વધીને 35 કરોડ થયા છે અને કુલ બેલેન્સ અૉગસ્ટ, 2018માં રૂા. 81,224 કરોડ હતી તે વધીને 94,617 કરોડ થઈ છે. આ નોંધપાત્ર વધારો કેવી રીતે થયો? તેની તપાસ થઈ રહી છે.   

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer