ખાંડ મિલો 31 માર્ચે શેરડીના ભાવ જાહેર કરશે

ખાંડ મિલો 31 માર્ચે શેરડીના ભાવ જાહેર કરશે
અમારા પ્રતિનિધિ તરફથી
સુરત, તા. 22 માર્ચ
ચાલુ વર્ષે પણ શેરડીનું બમ્પર ઉત્પાદન થતાં ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળવા મુશ્કેલ દેખાય છે. રાજ્યમાં સૌથી વધુ શેરડીનું ઉત્પાદન દક્ષિણ ગુજરાતમાં થાય છે. જ્યાં ખેડૂતોને પ્રતિ ટન રૂા. 3000થી આસપાસ ભાવ મળે તેમ છે. ખાંડ મિલો દ્વારા 31 માર્ચના દિવસે શેરડીનો ભાવ જાહેર થવાનો છે. કિસાનો એનાથી નિરાશ થાય એમ છે.
ગુજરાતમાં 19 ખાંડ ફેક્ટરીઓ છે. એમાંથી 17 દક્ષિણ ગુજરાતમાં છે. 70 હજાર ટન શેરડીનું પિલાણ કરવામાં આવે છે. એક બાજુ ખેત પેદાશનાં વિક્રમજનક ઉત્પાદન માટે સરકાર સતત પ્રયત્નશીલ છે. પરંતુ, કડવી વાસ્તવિકતા એ છે કે જે ખેતપેદાશની છત છે તેની સામે નિકાલની કોઈ વ્યવસ્થા નથી. શેરડીનું બમ્પર ઉત્પાદન થતાં ખાંડનું ઉત્પાદન વધ્યું છે. 
સરકારે ખાંડના પ્રતિકિલો રૂા. 31 ભાવ નક્કી કર્યા છે. આથી ખેડૂતસમાજને આશા છે કે શેરડીનો પ્રતિ ટન રૂા. 3100નો ભાવ મળવો જોઈએ. બેન્કો પાસેથી ઓવરડ્રાફ્ટ લઈને જેમ-તેમ ચાલતી ખાંડ ફેક્ટરીઓની માંદી હાલત જોતાં દક્ષિણ ગુજરાતની એકપણ સુગર ફેક્ટરી રૂા. 3 હજારથી વધુ ભાવ આપી શકે તેમ નથી. ગત વર્ષનો ખાંડનો સ્ટોક અને આ વર્ષના બમ્પર ઉત્પાદને ખાંડનો નિકાલ ક્યાં કરવો તે પ્રશ્ન ઉપસ્થિત થયો છે. 
ખેડૂતસમાજ ગુજરાતના પ્રમુખ જયેશભાઈ પટેલ કહે છે કે, શેરડીના બમ્પર ઉત્પાદનને લઈને લાંબા ગાળાનાં આયોજનો પર કામ કરવાનો સમય પાકી ગયો છે. સરકારે પાકનું વિક્રમી ઉત્પાદન પણ લેવું જોઈએ અને સાથે ખેડૂતોને તેના પોષણક્ષમ ભાવ માટેનું ટૂંકાગાળાનું નહિ પરંતુ લાંબાગાળાનું આયોજન થાય તે પ્રકારે એગ્રીકલ્ચર કમિશનનું નિર્માણ કરવું જોઈએ. સતત બીજા વર્ષે શેરડી પકવતા ખેડૂતોને ઓછા ભાવ મળશે. એટલે ખેડૂતો ત્રીજા વર્ષે બીજા પાક તરફ વળશે તે નક્કી છે. ખેડૂતોને આ પ્રકારે પાકની ફેરબદલ કરવા કરતાં ચોક્કસ ઉકેલ લાવવાની દિશામાં પગલું ભરવાની જરૂર છે. 
નવસારી ખેડૂત સમાજના પ્રમુખ અને સદલાવના ખેડૂત પિનાકિનભાઈ પટેલ કહે છે, સામાન્ય રીતે એક ટન શેરડીમાંથી 105 થી 110 કિલો ખાંડ લઈ શકાય છે. તેમજ ગરમીના સમયગાળા દરમ્યાન પ્રતિ ટન શેરડીના પાકમાંથી 115 થી 120 કિલો ખાંડ લઈ શકાય છે. આજથી બે વર્ષ અગાઉ ખેડૂતોને ગણદેવી સુગર ફેક્ટરીએ 4441નો ભાવ આપ્યો હતો. બીજા હપ્તામાં રૂા. 200નો વધારો કરીને રૂા. 4600 સુધીનો ભાવ આપ્યો હતો.
 જોકે, દેશમાં ખાંડનું ઉત્પાદન વધતાં પરિસ્થિતિ બદલાઈ છે. ગત વર્ષે ગણદેવી સુગરે રૂા. 3105નો ભાવ આપ્યો હતો. હવે જ્યારે સરકારે રૂા. 31નો ભાવ બાંધ્યો છે. સુગર ફેક્ટરીઓના પિલાણ સહિતના ખર્ચા અને બૅન્કોના ઓવરડ્રાફ્ટની વિગતો બાદ કરતાં પણ અમારી અપેક્ષા મુજબ રૂા. 3100ની આસપાસ ભાવ મળવો જોઈએ. પરંતુ, જે પ્રકારે સુગર ફેક્ટરીઓએ બમ્પર પાકનો હવાલો આપી વાતાવરણ ઊભું કર્યું છે તે જોતાં આખરમાં શું ભાવ મળશે તે અંગે અનેક સવાલો ખેડૂતોનાં મનમાં ઊભા થયા છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer