ક્રિપ્ટો કરન્સીનાં નિયમનો હળવાં કરવા સુપ્રીમ કોર્ટની સૂચના

ક્રિપ્ટો કરન્સીનાં નિયમનો હળવાં કરવા સુપ્રીમ કોર્ટની સૂચના
ઇબ્રાહિમ પટેલ 
મુંબઈ, તા. 22 માર્ચ
સુપ્રીમ કોર્ટે દેશમાં ક્રિપ્ટો કરન્સી ઉપરના નિયમનો હળવા કરવા જણાવ્યું છે, તેના અનુસંધાનમાં સરકાર એક મુસદ્દો ઘડી રહી છે. તો સકારાત્મક ક્રિપ્ટો કરન્સી નિયમનો ભારતમાં પ્રસ્થાપિત કરવાનો અવાજ બુલંદ કરવાના આશય સાથે દેશના ચાર શહેર હૈદરાબાદ, દિલ્હી, મુંબઈ અને બેંગલુરુમાં ક્રિપ્ટો કરન્સીમાં ટ્રેડ કરતા રોકાણકારોએ રોડશોનું આયોજન કર્યું હતું. આ મિટિંગનો હેતુ, શું ભારતમાં ક્રિપ્ટો રેગ્યુલેશનની આવશ્યકતા છે? હતો. બ્લોક્ ચેઇન્ડ ઇન્ડિયાના નેજા હેઠળ 16 માર્ચે હૈદરાબાદમાં, ત્યાર પછી ગત સપ્તાહે દિલ્હી અને મુંબઈમાં અને હવે 30 માર્ચે બેંગલુરુમાં આ શ્રેણીની ચોથી મિટિંગનું આયોજન થશે. ગત સપ્તાહની મુંબઈ મિટિંગમાં 80 જેટલા ક્રિપ્ટો કરન્સી એક્સચેન્જ સ્થાપકો અને ક્રિપ્ટો આધારિત વ્યવસાય કરતી કંપનીઓ અને લગભગ 100 જેટલા રોકાણકારો, વકીલો, માર્કેટર્સ, રિસર્ચરોએ હાજરી આપી હતી. 
મુંબઈ ઇવેન્ટમાં વાઝીરેક્સ ક્રિપ્ટો કરન્સી એક્સચેન્જના સીઈઓ નિશ્ચલ શેટ્ટીએ આ ઇવેન્ટને સંબોધી હતી. તેમણે 31 અૉક્ટોબરથી ક્રિપ્ટો કરન્સી રેગ્યુલેશનની સકારાત્મક બાજુઓ રજુ કરતી એક ટ્વીટર હેન્ડલ શરૂ કરી હતી. આ પ્રચાર પ્રસારને આજે 141 દિવસ પૂરા થઈ ગયા છે. બ્લોક્ ચેઇન્ડ ઇન્ડિયાના સહ-સ્થાપક અક્ષય અગ્રવાલે કહ્યું હતું કે ક્રિપ્ટો વિશ્વમાં કામ કરતા નવા અને અનુભવી બન્ને પ્રકારના ભારતીય નાગરિકોને અમે મદદ કરવા ઈચ્છીએ છીએ. તેમણે કહ્યું હતું કે, ભારતમાં સત્તાવાર ક્રિપ્ટો રેગ્યુલેશન બાબતે જનમત પેદા કરી શકે તેવા જાણકાર વ્યક્તિઓને બેંગલુરુ સંમેલનમાં પોતાનો અવાજ બુલંદ કરવાનું આહવાન કરીએ છીએ. 
અગ્રવાલે કહ્યું હતું કે જેઓ આ સંમેલનમાં વ્યક્તિગત રીતે હાજર ના રહી શકે તેઓ પોતાના અભિપ્રાય અમને ઇમેઇલથી મોકલી શકે છે, જેથી સરકારને અમારો અહેવાલ રજુ કરતી વખતે અમે તેમના સૂચનોનો સમાવેશ કરી શકીએ. અમે આ સંદર્ભે રિઝર્વ બૅન્ક સાથે સહયોગ કરવાને બદલે સરકારમાના એવા પ્રધાનોને આ અહેવાલ સોંપવા માગીએ છીએ જેઓ આ બાબતના નિર્ણયમાં સહયોગ કરી શકે. અમે ખૂબ જ સાવચેતી પૂર્વક કેટલાંક પ્રધાનોની પસંદગી કરીને ક્રિપ્ટો કેમ્પેઈન શરૂ કર્યું હતું, જેથી તેઓ અમારી ભાવનાને સમજી શકે અને અમારી કામગીરીનું અૉડિટિંગ પણ કરી શકે.
ભારત સરકાર પણ હાલમાં ક્રિપ્ટો કરન્સીનાં નિયમન માટેનો મુસદો તૈયાર કરવામાં વ્યસ્ત છે. 25 ફેબ્રુઆરીએ સુપ્રીમ કોર્ટે સરકારને આદેશ આપી દીધો છે કે તે ક્રિપ્ટો નિયમનના મુસદા સાથે 4 સપ્તાહમાં રજૂ કરે. ત્યાર પછી ભારતીય બૅન્કો સામે રિઝર્વ બૅન્કે મુકેલા પ્રતિબંધો હટાવી લેવા કે નહિ, તેની સુનાવણીનો આરંભ કરશે. તેમણે કહ્યું કે આ મિટિંગો (રોડ-શો) બાબતે તમે શું વિચારો છો? ભારત સરકાર સામે અમે તમારો અવાજ કઈ રીતે બુલંદ કર્યો છે? તે મુદ્દે હું તમને જાણ કરવા માગુ છું. ભારત સરકારે સુપ્રીમ કોર્ટને જણાવ્યું છે કે અમે ક્રિપ્ટો નિયમનો હળવા કરવાનો મુસદા ડ્રાફ્ટ તૈયાર કરવા માટે એક સમિતિની રચના કરી દીધી છે. સરકાર આ મુસદો કોર્ટમાં રજુ કરશે, ત્યાર બાદ સુનાવણી શરૂ કરવા કોર્ટ પ્રતિબદ્ધ છે.
ઈન્ટરનેટ એન્ડ મોબાઈલ ઍસોસિયેશન અૉફ ઇન્ડિયાનું સુપ્રીમ કોર્ટમાં પ્રતિનિધિત્વ કરતા નીશિથ દેસાઈ ઍસોસિયેટસનાં વકીલ પ્રદીપ રેડ્ડીએ કહ્યું કે સુપ્રીમ કોર્ટ ટૂંકમાં આરબીઆઈ દ્વારા ક્રિપ્ટો બૅન્કિંગ પ્રતિબંધ સંદર્ભનો ક્રિપ્ટો કેસ રિઝર્વ બૅન્ક વિરુદ્ધ સાંભળવા તૈયાર છે.  સરકારે ક્રિપ્ટો ટ્રેડીંગ કાયદામાં ઢીલ મુકવાની, સરકારના વકીલે કોર્ટમાં તૈયારી બતાવી કે તુરંત આ મેટર સુપ્રીમ કોર્ટના પટલ પર સુનાવણી માટે આવી હતી. સરકારના વકીલને સાંભળ્યા પછી, સુપ્રીમ કોર્ટનો પ્રથમ પ્રત્યાઘાત સરકારને ચાર સપ્તાહનો સમય આપવાનો હતો. એટલું જ નહિ કોર્ટે સરકારી વકીલને પણ કહી દીધું હતું કે તમને સમય મર્યાદા વધારવાની આ છેલ્લી તક આપવામાં આવે છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer