ભારતીય ખાંડની મોટી આયાતોથી દુબઈની રિફાઇનરીઓ ભીંસમાં

ભારતીય ખાંડની મોટી આયાતોથી દુબઈની રિફાઇનરીઓ ભીંસમાં
દુબઈ, તા. 22 માર્ચ
ભારતમાંથી વિપુલ પ્રમાણમાં ખાંડ આવવાથી દુબઈની ટોચની ખાંડ રિફાઇનરીએ માગના અભાવે લગભગ બે મહિનાથી ખાંડનું ઉત્પાદન અટકાવી રાખવું પડયું છે.
વિશ્વની ખાંડની મોટામાં મોટી રિફાઇનરી અલ ખલીજે ડિસેમ્બરના મધ્ય બાદ ગુરુવારે ખાંડનું ઉત્પાદન ફરી શરૂ કર્યું હતું એમ તેના મૅનેજિંગ ડિરેક્ટર જમાલ અલ ધુરેરે કહ્યું હતું.
અલ ખલીજ જ્યાં ખાંડ વેચે છે તે વિસ્તારોમાં ભાવ દબાવવા અને સ્પર્ધા વધારવા માટે તેમણે ભારતીય ખાંડમિલોને દોષિત ઠરાવી હતી. આ સિઝનમાં ભારતમાં ખાંડનું પુષ્કળ ઉત્પાદન થવાથી વૈશ્વિક પુરાંત સતત બીજા વર્ષે વધશે.
મિલમાલિકો ખેડૂતોને શેરડીનાં નાણાં ચૂકવવાં માટે મથાગણ કરી રહ્યા છે છતાં ભારતમાં શેરડીની ખેતી એકંદરે નફાકારક રહી છે કેમ કે સરકારી સહાય ઉદ્યોગને માલભરાવાની સમસ્યાને પહોંચી વળવામાં મદદરૂપ થાય છે.
ભારત સરકાર દ્વારા અપાતી સહાયને લીધે હિંદી મહાસાગરના મોટા ભાગના દેશોમાં ખાંડના ભાવને ફટકો પડયો છે, એમ અલ ધુરેરે કહ્યું હતું.
ભારત આ વિસ્તારમાં સક્રિય હોય ત્યારે સ્થાનિક કંપનીઓને ભાવ કઈ રીતે મળી શકે?
ભારતીય ખાંડમિલોએ 50 લાખ ટનના લક્ષ્યાંક સામે ઘણી ઓછી ખાંડની નિકાસ કરી છે, પરંતુ તે પણ અલ ખલીજના વેચાણને અસર પહોંચાડવા માટે પર્યાપ્ત છે એમ અલ ધુરેરે દુબઈ સુગર કોન્ફરન્સ શરૂ થયા અગાઉ જણાવ્યું હતું.
અૉક્ટોબર 2018થી શરૂ થયેલી ખાંડ મોસમના આરંભથી ભારતની દસ લાખ ટન ખાંડની નિકાસથી અમે મુશ્કેલી અનુભવી રહ્યા છીએ એમ ધુરેરે જણાવ્યું હતું. `ભારતીય ખાંડ હજી સુધી આવી નથી. તે પછીથી આવશે અને ત્યારે સૌથી ખરાબ પરિસ્થિતિ પેદા થશે.'
ભારતીય ખાંડના દબાણને લીધે અલ ખલીજને હજી પણ કેટલીક મહત્વની બજારો ગુમાવવી પડશે. એતિહાદ રિફાઇનરીએ ઈરાકમાં કામગીરી શરૂ કરવાથી દુબઈની રિફાઇનરીઓ હવે ઈરાકમાં ખાંડ નિકાસ કરતી નથી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer