ફૂડ પ્રોડકટ્સની નિકાસ વધારવા ભારત `જીટુજી ટ્રેડ''નો વિકલ્પ અપનાવે તેવી શક્યતા

ફૂડ પ્રોડકટ્સની નિકાસ વધારવા ભારત `જીટુજી ટ્રેડ''નો વિકલ્પ અપનાવે તેવી શક્યતા
નવી દિલ્હી, તા. 22  માર્ચ
ભારત અન્ય દેશો સાથેના સારા સંબંધનો ઉપયોગ કરીને ગર્વમેન્ટ-ટુ-ગર્વમેન્ટ (જીટુજી) ટ્રેડિંગ પ્રણાલીનો ઉપયોગ ફૂડ પ્રોડકટ્સમાં કરીને નિકાસમાં વધારો કરવાની યોજના ધરાવે છે. 
વાણિજ્ય મંત્રાલય બાસમતી સિવાયના ચોખાને ફિલિપાઈન્સ અને ઈન્ડોનેશિયામાં નિકાસ કરવા, જ્યારે ખાંડને ઈજિપ્તમાં નિકાસ કરવા માટે આ પ્રણાલીનો ઉપયોગ કરવાનું વિચારી રહી છે. વાણિજ્ય વિભાગે ગયા અઠવાડિયે ઈજિપ્તને ખાંડના ટેન્ડરમાં ભાગ લેવા માટેનો પ્રસ્તાવ મોકલ્યો છે. એક અધિકારીએ કહ્યું કે, અમે એકંદર નિકાસ અને જીટુજી ટ્રેડમાં વધારો કરવા માગીએ છીએ. દશક પહેલા આ રીતનો વેપાર સામાન્ય હતો. હવે ઘણા દેશો અનાજની પ્રાપ્તિ માટે આવા પ્રકારના ટેન્ડર બહાર પાડી રહ્યા છે. તેથી અમે પણ આવા પ્રકારની વ્યવસ્થાનો ભાગ બનવા માગીએ છીએ. 
વિદેશ વેપાર નીતિ 2015-20નું લક્ષ્ય 900 અબજ ડૉલર મર્ચેન્ડાઈઝ અને સર્વિસીસની નિકાસનું છે. પરંતુ જેમ્સ અને જ્વેલરી, કૃષિ, એન્જિનિયરિંગમાં પરંપરાગત નિકાસ, ગુડ્સ ઍન્ડ સર્વિસીસ ટૅક્સ (જીએસટી) અંતર્ગત લિક્વિડિટીની અછત સહિત વૈશ્વિક પરિબળોને લીધે આ લક્ષ્ય પૂરું કરવું મુશ્કેલ બન્યું છે. ફેબ્રુઆરી સુધીમાં ભારતમાં આ વર્ષે નિકાસ 2.44 ટકા વધીને 26.7 અબજ ડૉલર થઈ છે, જ્યારે 2018-19 સંપૂર્ણ વર્ષ માટેનો અંદાજ 330 અબજ ડૉલરનો છે. 
અન્ય એક અધિકારીએ કહ્યું કે, અગ્નિ એશિયાના દેશોમાં ભારતીય બિન-બાસમતી ચોખાની નિકાસ સરકાર હસ્તક કંપનીઓ દ્વારા વધારવા માટે પ્રયત્નો કરી રહ્યા છીએ. હાલમાં ફિલિપાઈન્સ અને ઈન્ડોનેશિયા જીટુજી માધ્યમ દ્વારા થાઈલેન્ડ અને વિયેટનામ પાસેથી ચોખા મગાવે છે. મોટા ભાગના ચોખાની નિકાસ ખાનગી કંપનીઓ દ્વારા થતી હોવાથી સરકારી ટેન્ડરમાં પ્રમાણ ઓછું હોય છે. 
ઈરાકે ભારત પાસેથી ઘઉં અને ચોખાની પ્રાપ્તિ કરવા માટે રસ દર્શાવ્યો છે. સરકારની પ્રાપ્તિ યોજના હેઠળ ઘઉંનો લોટ, ચોખા, ખાંડ, દૂધનો પાવડર અને ખાદ્ય તેલનો સમાવેશ થાય છે. 
ઈરાકને વાર્ષિક 40 લાખ ટન ઘઉંની જરૂર પડે છે, જેમાંથી 10 લાખ ટનની આયાત કરવામાં આવે છે. આ 10 લાખ ટનમાંથી એક ચતૃતાંશ આયાત ગયા વર્ષે ઈરાકે વિયેટનામમાંથી કરી હતી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer