કોકિલાબહેને સમજાવ્યા હતા મોટા ભાઈની ફરજ બજાવવા મુકેશ અંબાણીને

કોકિલાબહેને સમજાવ્યા હતા મોટા ભાઈની ફરજ બજાવવા મુકેશ અંબાણીને
બહારની મધ્યસ્થી વિના અનિલ અંબાણીને છેલ્લી ઘડીએ મળી હતી મદદ
મુંબઈ, તા. 22 માર્ચ
સ્વિડિશ ટેલિકોમ કંપનીને રૂા. 453 કરોડ ચૂકવવાની મુદત પૂરી થાય તે પહેલાં મોટા ભાઈ મુકેશ અંબાણીએ તે નાણાં ચૂકવવા માટે અનિલ અંબાણીને ગણી આપ્યા તે ઘટનાને એક સપ્તાહ થયું છે. આ એક સપ્તાહ પછી પણ ચર્ચા ચાલુ જ છે કે એવું તે શું થયું કે છેલ્લી ઘડીએ મુકેશે મોટા ભાઈની ફરજ બજાવી નાના ભાઈને જેલમાં જતા બચાવી લીધો. સર્વોચ્ચ અદાલતે અનિલ અંબાણી અને તેની આરકોમને આ નાણાં ચૂકવવા માટે ચાર સપ્તાહનો સમય આપ્યો હતો.
જાણકારોના કહેવા પ્રમાણે માતા કોકિલાબહેને મોટા ભાઈ મુકેશને આ નાણાં તાત્કાલિક આપવા માટે સમજાવ્યા અને પુત્રએ માતાની ઈચ્છાને આજ્ઞા સમજી શિરોમાન્ય કરી હતી.
આ સૂત્રોએ કહ્યું કે એક તરફ મુકેશભાઈના મોટા પુત્ર આકાશના લગ્નની તૈયારી ચાલતી હતી, જેના કારણે તેઓ ચાલુ કામકાજ ઉપરાંત આ કાર્યમાં વ્યસ્ત હતા ત્યારે કોકિલાબહેનની આજ્ઞા અનુસાર આ નાણાંની ચુકવણી માટેની ફૉર્મ્યુલા તૈયાર કરવા માટેની મિટિંગોના દોર શરૂ થયા. અદાલતે આપેલી સમયમર્યાદા ઝડપથી પૂરી થતી હોવાથી 23મી માર્ચ પહેલાં ચુકવણીની ફૉર્મ્યુલા તૈયાર થવી જરૂરી હતી.
અગાઉ 2004માં બન્ને ભાઈઓ વચ્ચે રિલાયન્સ ગ્રુપના ધંધાની વહેંચણી બાબત વિવાદ થયો ત્યારે આઈસીઆઈસીઆઈ બૅન્કના તત્કાલીન વડા કે. વી. કામથે સમાધાન કરાવ્યું હતું.
આરકોમ આવતા સપ્તાહે નેશનલ કંપની લૉ એપલેટ ટ્રિબ્યુનલ સમક્ષ જઈને તેના કેસના દરજ્જા વિશે ફેરવિચારણા માટેની અરજી કરે તેવી શક્યતા છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer