પકડાયેલા અધિકારીઓની અપ્રમાણસર મિલકતની તપાસ શરૂ

અમારા પ્રતિનિધિ તરફથી
સુરત, તા. 14 જૂન
શહેરનાં તક્ષશિલા અગ્નિકાંડમાં જવાબદાર એવા સુરત મહાનગરપાલિકાના કર્મચારીઓ સામે એન્ટિ કરપ્શન બ્યુરોએ અપ્રમાણસર મિલકતની તપાસ શરૂ કરી છે. આ તપાસ દરમિયાન તેમના બૅન્ક એકાઉન્ટ, તેમના નામે નોંધાયેલા દસ્તાવેજો, અન્ય મિલકતો, આવક સામે ખર્ચની વિગતો વગેરે એવી તમામ બાબતોની તપાસ શરૂ કરાઈ છે. 
એસીબીના સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગતો અનુસાર તક્ષશિલા આર્કેડમાં આગની ઘટનામાં પોલીસે જે પાલિકા-ડીજીવીસીએલના કર્મચારીઓની ધરપકડ કરવામાં આવી છે. તેની અપ્રમાણસર મિલકત સંબંધી તપાસ શરૂ કરવામાં આવી છે, જેમાં સુરત મહાનગરપાલિકાના જયેશ સોલંકી, પી.ડી. મુન્શી,વી.કે. પરમાર, ફાયર વિભાગના કિર્તી મોઢ, એસ.કે . આચાર્ય અને ડીજીવીસીએલના દીપક નાયક સામે કાર્યવાહી કરવામાં આવશે. આ તમામના બૅન્ક એકાઉન્ટ-લોકર, તેમના નામે નોંધાયેલી મિલકતો, તેમના વાહનો વગેરે એ તમામ બાબતોની તપાસ કરવામાં આવશે કે જેમાં તેમણે ક્યાં ખર્ચ કર્યો છે તેની વિગતો પણ મેળવવામાં આવશે.
પકડાયેલાં અધિકારીઓ જ્યારથી નોકરી પર લાગ્યા છે ત્યારથી ખાતાકીય તપાસ શરૂ કરાશે.  તપાસ દરમિયાન જો અપ્રમાણસર મિલકત જણાઇ આવશે તો ભષ્ટ્રાચારની કલમોના આધારે એસીબીમાં પણ તેમની સામે અલગથી ગુનો નોંધી કાર્યવાહી કરાશે. જે આરોપીઓ સામે તપાસ શરૂ કરવામાં આવી છે. તેમાંથી બે આરોપી કલાસ -1 અૉફિસર છે. નિયમ મુજબ, તેમની સામે તપાસ કરવાની હોય તો પાલિકા કમિશનરની મંજૂરી લેવાની હોય છે. એટલી એસીબીએ પાલિકા કમિશનરને પત્ર લખીને આ બાબતે મંજૂરી માગી છે, જે મળતાની સાથે જ આ બન્ને અૉફિસરોની પણ તપાસ શરૂ કરી દેવામાં આવશે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer