ચોમાસાની રાહ દક્ષિણ ગુજરાતની જીવાદોરી

ઉકાઈની સપાટી રૂલ લેવલથી 45 ફૂટ નીચે
વરસાદ સમયસર નહિ થયો તો  સુરતવાસીઓને પાંચ ટકા પાણી કાપ
અમારા પ્રતિનિધિ તરફથી
સુરત, તા. 14 જૂન
દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમની સપાટી રૂલ લેવલથી 45 ફૂટ જેટલી નીચે છે. 15મી સુધીમાં ઉપરવાસમાં વરસાદ પડવાનો શરૂ નહિ થાય તો સુરત મનપાએ પાંચ ટકા પાણી કાપની તૈયારીઓ કરી છે. જૂન મહિનો બેસી ગયો અને 14 દિવસ વિતી ગયા છતાં દક્ષિણ ગુજરાતમાં નૈઋત્યનું ચોમાસું બેઠું નથી. જગતનાં તાત ખેડૂતોમાં સિંચાઈનાં પાણીને લઈને ચિંતાનાં વાદળો ઘેરાવા લાગ્યા છે.
ઉકાઈ ડેમની સપાટી પાછલાં એક દાયકામાં પ્રથમ વખત આ પ્રકારે નીચી જોવા મળી છે. ઉકાઈ ડેમનું આજનું લેવલ 276.81 ફૂટની સપાટીએ સ્થિર છે જ્યારે રૂલ લેવલ સપાટી 321 ફૂટ અને ડેન્જર સપાટી 345 ફૂટ છે. ઘણાં વર્ષો બાદ ઉકાઈ ડેમની સપાટી સામાન્ય સંજોગો કરતાં વધુ નીચે પહોંચી છે. કેરળમાં ચોમાસું બેસી ગયાનાં સપ્તાહનો સમય વિતી ગયો હોવા છતાં હજુ દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની આગમનની કાગડોળે રાહ જોવાઈ રહી છે. 
જીવાદોરી સમાન ઉકાઈ ડેમમાં પાણીની સપાટી ઘટતાં જગતનાં તાત ખેડૂતોમાં પણ ચિંતાના વાદળો છવાયા છે. ચોમાસા પાકનાં આગોતરા આયોજનને લઈને ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે. બીજી બાજુ ડેમમાં જો પાણીની આવક શરૂ ન થાય તો સુરત મહાનગરપાલિકાએ પણ શહેરવાસીઓને પાણી કાપ માટે તૈયાર રહેવા જણાવ્યું છે. કહેવાય છે કે દક્ષિણ ગુજરાતનાં લોકો પાણીને લઈને નસીબદાર છે. પરંતુ, જે પ્રકારે વરસાદની પેટર્ન બદલાઈ છે તે જોતાં પાછલાં ત્રણ વર્ષમાં અહિંના લોકોને પણ પાણીની અછત અનુભવી પડી રહી છે. સુરત મનપા ઘણાં વર્ષો બાદ પહેલી વખત પાણી કાપની તૈયારીઓ કરી રહ્યું છે. ત્યારે જોવાનું રહેશે કે મેઘરાજા લોકો પર ક્યારે મહેરબાન થાય છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer