ચીનના આદેશને પગલે રબર બજારમાં બુલ માર્કેટ

થાઈલૅન્ડની હાજર આરએસએસ-3 રબર સપ્ટેમ્બર 2017 પછીની નવી ઊંચાઈએ  
ભારતમાં સૌથી વધુ 29 ટકા વૃદ્ધિ સાથે વિયેટનામની નિકાસમાં ઉછાળો 
ઇબ્રાહિમ પટેલ  
મુંબઈ, તા. 14 જૂન
રાજ્ય સરકારો દ્વારા કાર ખરીદવા માટેના નવા અંકુશો લાગુ પાડવાથી દુર રહેવાનાં ગુરુવારે ચીને આદેશ આપ્યાના અહેવાલ પર, વિદેશી ફંડોએ રબર વાયદામાં તેજીના ઓળીયામાં જબ્બર વધારો કર્યો હતો. પરિણામે બુલ માર્કેટ સ્થિતિ નિર્માણ થઈ હતી. વિશ્વના સૌથી મોટા રબર વપરાશકાર ચીનના અર્થતંત્રમાં ગતિશીલતા લાવવા કાર વેચાણના નવા નિયંત્રણો હટાવવામાં આવ્યા હતા. ટોક્યો કૉમોડીટી એક્સચેન્જ નવેમ્બર વાયદો, ગુરુવારે ઉછળીને કિલો દીઠ 202 યેન (1.87 ડૉલર) 7 માર્ચ પછીની નવી ઊંચાઈ પહોંચ્યો હતો, 3.2 ટકાનો આ એક દિવસીય ઉછાળો પણ 15 મે પછી પહેલો હતો. શાંઘાઈ સપ્ટેમ્બર વાયદો ટન દીઠ 210 યુઆન વધી 12,235 યુઆન (1,770 ડૉલર) રહ્યો હતો. 
આ ઉછાળા માટે થાઈલૅન્ડની હાજર બજાર પણ જવાબદાર હતી, છેલ્લા એક મહિનાથી સુકું હવામાન અને સ્થાનિક વપરાશ વધારવા સરકારી પ્રયાસોને લીધે સ્મોક રબર શીટ-3 (આરએસએસ-3)નાં ભાવ સપ્ટેમ્બર 2017 પછીની નવી ઊંચાઈએ એફઓબી 1.96 ડૉલર બોલાયા હતા. ઇન્ડિયન કૉમોડિટી એક્સચેન્જ પર જૂન વાયદો 8 મહિનાની ઊંચાઈએ ક્વિન્ટલ દીઠ રૂા. 14,999 અને આરએસએસ-4 હાજર ભાવ રૂા. 4.50ના ઉછાળે રૂા. 144.50 મુકાયો હતો. ઍસોસિયેશન અૉફ રબર પ્રોડ્યાસિંગ કન્ટ્રીઝ કહે છે કે 2018મા જાગતિક રબર વપરાશ 5.2 ટકા વધીને 145.7 લાખ ટન સામે ઉત્પાદન માત્ર 4.6 ટકા વધીને 140 લાખ ટન થયું હતું.  
મિનિસ્ટ્રી અૉફ એગ્રીકલ્ચર એન રૂરલ ડેવલપમેન્ટ અનુસાર 2018ના અંતે વિયેટનામમાં રબર બગીચા જમીન, 2017ની તુલનાએ 0.4 ટકા ઘટીને 967,400 હેક્ટર નોંધાઈ હતી. આ વર્ષના પ્રથમ પાંચ મહિનામાં 4.95 લાખ ટન રબર નિકાસ કરીને 6730 લાખ ડૉલર વિદેશી હૂંડિયામણ પ્રાપ્ત કર્યું હતું. ભારત, ચીન અને સાઉથ કોરિયા સૌથી મોટા આયાતકાર દેશ હતા. પ્રથમ ચાર મહિનામાં ભારત ખાતે સૌથી વધુ 29 ટકા નિકાસ વૃદ્ધિને પગલે વિયેટનામની નિકાસમાં ઉછાળો આવ્યો હતો. વિયેટનામે તેના ઉત્પાદકોને એડ્વાઈઝરી જારી કરીને કહ્યું હતું કે તેઓ તેમના ઉત્પાદનોનું વૈવિધ્યકરણ કરી, ચીન પરની નિકાસ નિર્ભરતા ઘટાડીને અન્ય દેશોનાં બજારો પર ધ્યાન કેન્દ્રિત કરે. ભારતીય ટાયર ઉધોગને સ્થાનિક રબર પુરતા પ્રમાણમાં ન મળતું હોઈ આ બજાર પર વધુ ધ્યાન આપે. 
ઇન્ડિયન રબર બોર્ડના પ્રાથમિક અનુમાનો મુજબ 2018-19ના નાણાકીય વર્ષમાં દેશમાં રબર વપરાશ, ગતવર્ષના 11.12 લાખ ટનથી 9 ટકા વધીને 12.12 લાખ ટન થયું હતું. સામે ઉત્પાદન 6.94 લાખ ટનથી 6.6 ટકા ઘટીને 6.48 લાખ ટન થયું હતું. રબર ઉત્પાદન વધારવાની પ્રોત્સાહક યોજનાઓને કારણે રબર દોહન વિસ્તારમાં પ્રમાણસર વધારો થયો છે. રબર બોર્ડ માને છે કે વર્તમાન વર્ષમાં ઉત્પાદન 7.5 લાખ ટનને આંબી જશે. 2018-19માં રબરની આયાત 24 ટકા વધી હતી, આનું મૂળ કારણ સ્થાનિક રબર શીટ અને આંતરરાષ્ટ્રીય બ્લોક રબરનાં ભાવમાં મોટો તફાવત અને સ્થાનિક બજારમાં અછત ગણાવાય છે. ગતવર્ષની રબર આયાત 582,381 ટન સામે 2019-20માં પાંચ લાખ ટનનો અંદાજ મુકવામાં આવ્યો છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer