રાજકીય અને આર્થિક પરિબળોને કારણે સોનું 14 મહિનાની ટોચે

અમારા પ્રતિનિધિ તરફથી
રાજકોટ, તા.14 જૂન
મધ્ય પૂર્વમાં રાજકીય ચિંતાઓ ઘેરી બનતા અને ચીન તથા અમેરિકાના આર્થિક ડેટા નબળા આવતા આજે ન્યૂ યોર્ક બુલિયન એક્સચેંજ ખાતે સોનું 14 મહિનાની ટોચે પહોંચીને 1 % વધી 1 ઔન્સના 1355 ડૉલર થઈ ગયું હતું. આ પહેલા આ સત્રમાં જ ગયા વર્ષના એપ્રિલ માસમાં કરતાં વધી અને સોનું 1 ઔન્સ 1358.04 ડૉલર થયું હતું
આ સપ્તાહમાં સોનું 1.1 % વધ્યું છે અને સતત ચાર વખત ભાવ વધ્યા હતા. યુ.એસ. સોનું વાયદો પણ 1.1% વધીને 1 ઔન્સના 1357.9 ડૉલર થઈ ગયો હતો.
બુલિયન ડીલર શર્પ્સ પિક્સલીના સીઈઓ રોસ નોર્મને જણાવ્યું હતું કે લોકોના માનસમાં વણસતા જતા મેક્રોઇકોનોમિક્ની લાગણી ઘર કરી ગઈ છે ખાસ કરીને એ કે અમેરિકા નજીકના ભવિષ્યમાં વ્યાજ દર ઘટાડશે. તેમણે કહ્યું કે ઇન્વેસ્ટરો એવી માન્યતાથી પ્રેરાઈને સોનું ખરીદી રહ્યા છે કે યુ.એસ. ફેડરલને પોતાનો અગાઉનો ચૂસ્ત નીતિનો નિર્ણય ફેરવવો પડશે અને ડૉલર ઉપર દબાણ લાવશે.
દરમિયાન ચીનનો ઔદ્યોગિક ઉત્પાદન વૃદ્ધિનો આંક મે માસમાં છેલ્લાં 17 વર્ષમાં સૌથી નીચો આવ્યો છે જે દર્શાવે છે કે ચીની માલની માગમાં અમેરિકાના વ્યાપાર દબાણ બાદ ઘટાડો આવ્યો છે. વળી અમેરિક્ન લેબર માર્કેટમાં ચીન-અમેરિકા વ્યાપાર જંગની અસર દેખાઈ છે અને ગયા સપ્તાહમાં બેરોજગાર તરીકે અરજી કરનારાઓની સંખ્યામાં અસાધારણ વધારો થયો હતો.
ચાંદી હાજર વધીને આ સપ્તાહના ટોચે 1 ઔન્સના 15.06 ડૉલર થઈ હતી અને પ્લેટિનમ 1%વધીને 815.85 ડૉલર થયું હતું. પેલેડિયમ પણ 1% વધીને 1 ઔન્સના 1548.25 ડૉલર થયું હતું.
સ્થાનિક ચોકસી બજારમાં સોના ચાંદી બન્ને કીમતી ધાતુના ભાવમાં વધારો થયો હતો અને સોનું 99.9 ટચ 10 ગ્રામ રૂા.310 વધી અને રૂા.33750 થયું હતું અને ચાંદી 999 ટચ 1 કિલો રૂા.400 વધી રૂા.37800 થઈ હતી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer