હોલસેલ ફુગાવો મેમાં બે વર્ષની નીચલી સપાટીએ

પીટીઆઈ, નવી દિલ્હી, તા. 14 જૂન
હોલસેલ ભાવ આધારિત ફુગાવો મે મહિનામાં છેલ્લા બાવીસ મહિનાની નીચલી સપાટીએ 2.45 ટકા નોંધાયો હતો, જેનું મુખ્ય કારણ અનાજ, ઈંઘણ અને ઊર્જાના ભાવમાં ઘટાડો હોવાનું અધિકૃત આંકડા દર્શાવે છે. હોલસેલ પ્રાઈસ ઈન્ડેક્સ (ડબ્લ્યૂપીઆઈ) આધારિત ફુગાવો એપ્રિલમાં 3.07 ટકા અને મે 2018માં 4.78 ટકા હતો. 
અનાજમાં ફુગાવો મે મહિનામાં 6.99 ટકા હતો, જે એપ્રિલમાં 7.37 ટકા હતો. જોકે, કાંદાના ભાવ વધતા તેનો ફુગાવો 15.89 ટકા થયો છે, જે એપ્રિલમાં -3.43 ટકા હતો. શાકભાજીમાં ફુગાવો મે મહિનામાં હળવો થઈને 33.15 ટકા હતો, જે એપ્રિલમાં 40.65 ટકા હતો. બટાટામાં ફુગાવો -23.36 ટકા હતો, જે એપ્રિલમાં -17.15 ટકા હતો. 
મે મહિનાનો હોલસેલ ફુગાવો જુલાઈ 2017 પછી સૌથી ઓછો છે. જુલાઈ 2017માં હોલસેલ ફુગાવો 1.88 ટકા હતો. ઈંધણ અને ઊર્જા કેટેગરીમાં ફુગાવો એપ્રિલના 3.84 ટકાથી ઘટીને 0.98 ટકા થયો હતો. ઉત્પાદન આઈટમોમાં પણ ફુગાવો 1.72 ટકાથી ઘટીને મે મહિનામાં 1.28 ટકા થયો હતો. માર્ચ મહિના માટેનો હોલસેલ ફુગાવાનો અંદાજ અગાઉના 3.18 ટકાથી ઘટાડીને 3.10 ટકા કર્યો છે. આ અઠવાડિયાની શરૂઆતમાં રિટેલ ફુગાવાના આંકડા જાહેર થયા હતા. મે મહિનામાં શાકભાજી અને પ્રોટિનના પદાર્થોનો ભાવ વધતા રિટેલ ફુગાવો સાત મહિનાની ઉપલી સપાટી 3.05 ટકા હતો. 
રિઝર્વ બૅન્ક અૉફ ઇન્ડિયા (આરબીઆઈ)એ 6 જૂનના રોજ ધિરાણના વ્યાજ દર 9 વર્ષની નીચલી સપાટીએ 5.75 ટકા કર્યા હતા. 2019-20ના પહેલા છમાસિકમાં ફુગાવાનો અંદાજ 3-3.1 ટકાનો છે. ચોમાસાની અનિશ્ચિતતા, શાકભાજી, ક્રૂડતેલના ભાવમાં વધારો, નાણાકીય બજારમાં અસ્થિરતા અને રાજકોષીય ચિત્રને જોતા ફુગાવાનું જોખમ છે, તેથી આરબીઆઈએ ટૂંકા ગાળા માટે અનાજમાં ફુગાવો વધશે એવો અંદાજ બાંધ્યો છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer