જંત્રીના દર બજારભાવ પ્રમાણે આકારવા ગુજરાત સરકારનો નિર્ણય

અમારા પ્રતિનિધિ તરફથી
અમદાવાદ, તા. 14 જૂન
સતત વિકસતા જતા ગુજરાતમાં મિલકતો અને જમીનના ભાવો સતત વધતા જાય છે પરંતુ આ જમીન અને મિલકતોના વેચાણ પર સરકારે સ્ટેમ્પ ડયૂટી નક્કી કરવા નિયત કરેલી જંત્રીના દરમાં વર્ષો સુધી ફેરફાર કરાતા ન હોય સરકારી તિજોરીમાં ખાસ આવક નથી નથી. જેથી ગુજરાત સરકારે મિલકતના વેચાણ પર સ્ટેમ્પ ડયૂટી રકમ વસુલવા વિસ્તાર વાઇઝ જંત્રીના દર દર વર્ષે બજારભાવ પ્રમાણે આકારવાનું નક્કી કર્યુ છે. મહારાષ્ટ્ર સરકારના જંત્રીના માટેના મોડલમાંથી પ્રેરણા લઇને ગુજરાત સરકારે આ નિર્ણય લીધો છે. મહારાષ્ટ્રમાં અૉનલાઇન ઇ-સ્ટેમ્પ ડયૂટી જંત્રી છે, જે મિલકતની સાચી બજાર કિંમત ગણવામાં મદદ કરે છે.
ગુજરાત વિધાનસભાની જાહેર હિસાબ સમિતિએ 2016માં રાજ્યસરકારને એવું સૂચન કર્યું હતું કે, મિલકતની સ્ટેમ્પ ડયુટીની ફી નક્કી કરતી જંત્રીના દર દરેક વર્ષે બદલવા જોઇએ. મહારાષ્ટ્રનું ઉદાહરણ આપતા કમિટીએ એવી અૉથોરિટીની રચના કરવાનું સૂચન આપ્યું હતું જેમાં ખૂબ જ ઊંચા કે નીચા જંત્રીના દર સામે અપીલ કરી શકાય. આ અંગે મહેસૂલ વિભાગના એક અધિકારીએ જણાવ્યું હતું કે, અમને આશા છે કે જુલાઇના ચોમાસું સત્ર પૂરું થાય પછી અમે આ માટે મજબૂત ફોર્મ્યુલા લઇને આવીશું. અમારો પ્રયત્ન જંત્રી અને બજાર દર વચ્ચેનો ગાળો ઘટાડવાનો રહેશે. આ નવા નિયમ બાદ જંત્રીદર વાસ્તવિક બજાર ભાવની નજીક રહેશે, તેમ પણ અધિકારીએ ઉમેર્યું હતું. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer