આજથી મહાત્મા મંદિર ગાંધીનગરમાં ટેક્સ્ટાઇલ વિશે ત્રણ દિવસીય ફેબેક્સા એક્ઝિબિશન

આજથી મહાત્મા મંદિર ગાંધીનગરમાં ટેક્સ્ટાઇલ વિશે ત્રણ દિવસીય ફેબેક્સા એક્ઝિબિશન
60થી વધુ ટેક્સ્ટાઇલ કંપનીઓ ભાગ લઇ રહી છે
અમારા પ્રતિનિધિ તરફથી
અમદાવાદ, તા. 14 જૂન
કાપડ ઉદ્યોગ જગતમાં એક સમયે માન્ચેસ્ટરના હુલામણા નામથી ઓળખાતું અમદાવાદ તેની માન્ચેસ્ટરની ઓળખ પુન: મેળવી રહ્યું છે. 13 માસના ટૂંકા ગાળામાં ટેક્સ્ટાઇલ ઇન્ડસ્ટ્રીઝને લગતું ફેબેક્સા નામનું ત્રિદિવસીય એક્ઝિબિશન આવતીકાલે તા. 15 જૂનના રોજ મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે યોજાનાર છે. આ અગાઉ ફાર્મ ટુ ફેશન-1 અને 2 ની ભવ્ય સફળતાથી પ્રેરાઇને મસ્કતી કાપડ માર્કેટ મહાજને ફેબેક્સાનું આયોજન કર્યું છે, એમ મહાજનના પ્રમુખ ગૌરાંગભાઇ ભગત અને માનદ મંત્રી નરેશભાઇ શર્માએ `જન્મભૂમિ' પત્રો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું. 
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, ફેબેક્સામાં 60 થી વધુ ટેક્સ્ટાઇલ ઇન્ડસ્ટ્રીઝની અગ્રગણ્ય કંપનીઓએ ભાગ લઇ રહી છે. મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે યોજાનાર આ એક્ઝિબિશનનું ઉદ્દઘાટન અમદાવાદ ડિસ્ટ્રીક્ટ કો.ઓપરેટટીવ બૅન્ક અને ગુજરાત સ્ટેટ કો ઓપરેટીવ બૅન્કની ચૅરમૅન અજયભાઇ પટેલ કરશે. આ સમારંભમાં મુખ્ય અતિથિવિશેષ તરીકે ગુજરાત ચેમ્બર અૉફ કૉમર્સ ઍન્ડ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ ડૉ.જૈમીન વસા અને ઇલેક્ટેડ પ્રમુખ દુર્ગેશભાઈ બૂચ તેમ જ પૂર્વ પ્રમુખ નીતિનભાઇ ઠક્કર, અમદાવાદ ટેક્સ્ટાઇલ પ્રોસેસ ઍસોસિયેશનના કન્વીનર ભાવેશભાઇ લાખાણી  સહિત અમદાવાદ પૂર્વના સાસંદ હસમુખભાઇ પટેલ ઉપસ્થિત રહેશે. 
આ એક્ઝિબિશનમાં ડેનિમ, કોટન, શુટિંગ શર્ટિંગ, ડ્રેસ મટિરિયલ્સ, લાયક્રા, પ્રિન્ટ, હોઝીયરીની અનેક અવનવી વેરાઇટીઓ જોવા મળશે. તેમ જ આ વ્યવસાય સાથે સંકળાયેલા એક્સપોર્ટ- બાઇંગ હાઉસ, બ્રાન્ડ ગારમેન્ટર અને હોલસેલ વોપારી બંધુઓ એક પ્લેટફોર્મ ઉપર એકત્રિત થશે. મહત્ત્વનું છે કે, કોલકત્તા, દિલ્હી, ઇન્દોર, હૈદરાબાદ, મુંબઈ જેવા શહેરોના મોટા ઉદ્યોગપતિઓને આ એક્ઝિબિશનમાં આવવા-જવા અને રહેવા સાથેની આમંત્રણ પત્રિકાઓ મોકલવામાં આવી છે અને આ ત્રણ દિવસ દરમિયાન અંદાજે 2500 કરોડથી વધુનો બિઝનેસ થાય તેવી સંભાવના છે. આ પ્રસંગે એક એક્ઝિબિશન બુકનું પણ વિમોચન કરવામાં આવશે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer