દક્ષિણ ગુજરાત ચેમ્બરે પોર્ટ પરથી જ માલની સીધી ડિલિવરીની શક્યતા તપાસી

દક્ષિણ ગુજરાત ચેમ્બરે પોર્ટ પરથી જ માલની સીધી ડિલિવરીની શક્યતા તપાસી
સુરત, તા. 14 જૂન
દક્ષિણ ગુજરાત ચેમ્બર અૉફ કૉમર્સ અને અદાણી હજીરા પોર્ટ લિમિટેડનાં સંયુક્ત ઉપક્રમે પોર્ટ ઉપરથી માલની સીધી જ ડિલિવરી વિષય પર એક સેમિનાર યોજાયો હતો. અદાણી હરાજી પોર્ટ લિમિટેડનાં સીઓઓ હુસેન હદાદે કહ્યું હતું કે, હજીરા પોર્ટની પીડીપીની સુવિધાથી માલની આયાત અને નિકાસમાં ઝડપી કાર્યવાહી થવાથી વોરફેઝ, ડેમરેજ અને માલને જેટી પર રોકી રાખવાના ખર્ચામાંથી સંપૂર્ણ મુક્તિ મળી શકે છે. 
અદાણી હજીરા પોર્ટ લિમિટેડનાં સીઈઓ પ્રણવ ચૌધરીએ હજીરા પોર્ટ પરથી આપવામાં આવતી ડીપીડી સુવિધાઓનું વિગતવાર વિવરણ આપ્યું હતું તેમ જ વેપાર-ઉદ્યોગનાં પ્રતિનિધિઓને સુવિધાઓનું લાભ લેવા આમંત્રણ આપ્યું હતું. 
કસ્ટમનાં ડેપ્યુટી કમિશનર ડૉ. પ્રશાંત વારવાંટકરે સરકાર તરફથી હજીરા પોર્ટની સુવિધાઓની માહિતી આપી તેમ જ ટૂંક સમયમાં જ આ સુવિધાઓનાં કારણે પોર્ટે વેપારનાં મહત્ત્વનાં લક્ષ્યાંકો હાંસલ કર્યા છે. તેમણે ઉમેર્યુ હતું કે, વેપાર-ઉદ્યોગ સાહસિકોઓએ માત્ર ચાર જ ફોર્મ ભરવાના હોવાથી તેમાં થોડી કાળજી રાખે. અરજદારોને પોતાનો માલ ઝડપથી મેળવવામાં સરકાર તરફથી ક્લિયરન્સ મળી રહશે.
દક્ષિણ ગુજરાત ચેમ્બરનાં પ્રમુખ કેતન દેસાઈએ કહ્યું હતું કે, ડાયરેક્ટ પોર્ટ ડિલિવરીથી આયાત અને નિકાસને ખૂબ જ વેગ મળશે અને આ સુવિધાથી પોર્ટથી જુદી-જુદી જગ્યાએ માલની હેરફેર ખૂબ ઝડપી બનશે. પોર્ટ પરથી આયાત કરેલી માલની વ્યવસ્થિત રીતે જે તે વેપારી સંસ્થાઓમાં પહોંચાડવામાં પડતી મુશ્કેલીઓને દૂર કરવામાં કસ્ટમ વિભાગ સુવિધાઓ ઊભી કરે. કસ્ટમ વિભાગ કાયદાકીય આંટીઘૂંટીઓ દૂર કરી ડાયરેક્ટ પોર્ટ ડિલિવરી માલને હેરફેર માટે સવલત ઊભી કરે. આ સવલત જો હજીરામાં ઊભી કરવામાં આવે તો ટૂંક સમયમાં જ નાવાસાકા પોર્ટ પરથી જે આયાત થાય છે તેના બદલે હજીરા પોર્ટ પર લોકો માલ મંગાવતા થઈ જશે. લોકોનો સમય અને નાણાની મોટી બચત થશે. તેમણે ઉમેર્યું હતું કે, અનેક લોકો હવે મુંબઈનાં બદલે સુરતથી શારજાહાં જવાનું પસંદ કરે છે. આવું જ કંઈક નાવાસાકાથી હજીરા પોર્ટ પર બની શકે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer