સોનાની તેજીમાં ઇંધણ કોણ પૂરી રહ્યું છે?

સોનાની તેજીમાં ઇંધણ કોણ પૂરી રહ્યું છે?
ઇબ્રાહિમ પટેલ  
મુંબઈ, તા. 14 જૂન
આખી દુનિયા વ્યાજદર ઘટાડવા અથવા નીચા રાખવાના મૂડમાં છે, એવો આશાવાદ દૃઢ થતાં ગત સપ્તાહે કિંમતી ધાતુ ફરી તેજીના પાટે ચઢી ગઈ હતી. પરિણામે ગત સપ્તાહે એપ્રિલ 2018 પછી સોનામાં સૌથી મોટો સાપ્તાહિક ઉછાળો નોંધાયો હતો. યુએસ ફેડ રિઝર્વ ચેરમેન જેરેમી પોવેલે કરેલા નિવેદને યુરોપની સેન્ટ્રલ બૅંકને નાણાનીતિ ઢીલી કરવાનો પાનો ચઢ્યો હતો. આટલું અધૂરું હોય તેમ ભારત અને ઓસ્ટ્રેલિયા સહિત કેટલીક અન્ય મધ્યસ્થ બૅન્કને પણ એમ જ કરવાના મજબૂત સંકેતો ઉપલબ્ધ થયા હતા.
રોકાણકારની બચતને પૂરતું વળતર ન મળે તો સોનામાં આશરો લેવાની દોડ શરૂ થાય તેથી ભાવ સતત આઠમા સત્રમાં એક વર્ષની ઊંચાઈ પ્રતિ ઔંસ (31.1035 ગ્રામ) 1356 ડોલરની નજીક, શુક્રવારે 1344.90 બંધ થવા અગાઉ બોલાયા હતા. મે મહિનામાં અમેરિકામાં 1.75 લાખ નોકરીઓ ઉમેરાવાના આશાવાદ સામે માત્ર 75,000 નોકરીઓનો ઉમેરો થયો હતો. શ્રમ મંત્રાલય કહે છે કે 2008ની મંદી પછી આ પહેલો એવો મહિનો છે જેમાં સૌથી ઓછી રોજગાર વૃદ્ધિ થઇ હોય. આટલું અધૂરું હોય તેમ બેરોજગારીના દર, અડધી સદીના તળિયે 3.6 ટકાએ પહોંચી ગયો હતો. 
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સોનાના ચાહક છે અને તેમની નીતિ સોનાતરફી રહી છે. કેટલાંક લોકો એવું માને છે કે તેઓ સોનાના દુશ્મન છે. ના, સાવ એવું નથી. તેઓ કન્સ્ટ્રકશન લાઈનમાં આવતા પહેલાં સોનામાં મોટાપાયે રોકાણકાર હતા. તાજેતરનો ઈતિહાસ તપાસીએ તો અમેરિકાના પ્રમુખપદે રહ્યે તેમણે ફેડરલ રિઝર્વના અધ્યક્ષપદે  સોનાની તરફેણ કરતા લોકોને જ નિયુક્ત કર્યા છે. સોના માટે આ એક હકારાત્મક ઘટના છે અને સેન્ટ્રલ બૅંકો દ્વારા સોનાનું હવે પુન:મુદ્રીકરણ (રી-મોનેટાઈઝેશન) થવા જઈ રહ્યું છે. 
સોનાની તેજીમાં કોણ ઊંબાડિયાં કરી રહ્યું છે? સેન્ટ્રલ બૅંકો તેમના ખજાનામાં કેટલું સોનું ઉમેરી રહી છે? ચીન પણ તેના ખજાનામાંથી અમેરિકન ડોલરની બાદબાકી કરવા સોનાનો કઈ રીતે ઉપયોગ કરે છે? અને અમેરિકન ફેડ પણ કઈ રીતે કિંમતી ધાતુ ક્ષેત્રને હાથ કરવા પોતાનો વ્યૂહ બદલી રહી છે? આ બધા પ્રશ્નો તમને સોનાની તેજીનું ઊંડાણ પામવાની તક પૂરી પાડે છે. સોના આધારિત ક્રિપ્ટોકરન્સી એ વળી નવી નાણાકીય ક્રાંતિ હશે. સોના આધારિત ક્રિપ્ટોકરન્સી સોનાની તેજીમાં નવું ઉંજણ પૂરશે. ડઝનબદ્ધ સોના આધારિત ક્રિપ્ટોકરન્સી એક્સચેન્જો આપણી આસપાસ આવીને ઊભા થઇ ગયા છે.  
આથી જ બુલિયન એનાલિસ્ટો કહે છે કે આ વખતની સોનાની તેજી, અગાઉ ક્યારે ન જોવાઈ હોય તેવી હશે. 29 મે પછી સોનાના ભાવ 4 ટકા કરતા વધુ ઊછળ્યા હતા. વ્યાજદર ઘટાડાનો આશાવાદ, ચીન-અમેરિકા વચ્ચે વકરતો જતો વેપાર વિવાદ, મેક્સિકો પર અણધાર્યા અમેરિકન કરવેરાએ પણ મૂડીરોકાણના સલામત સ્વર્ગસમા સોનાની તેજીને વધુ એક ધક્કો માર્યો છે. આઈએમએફે ચેતવણી આપી છે કે ચીન-અમેરિકા વેપાર સંઘર્ષમાં સમાધાનની વાટાઘાટો સાવ નબળી પડી ગઈ છે. આગામી વર્ષે ચીનનો વિકાસદર ધીમો પડી 6 ટકા સુધી નીચે જશે, જે રોકાણકારના મનોબળને વધુ નબળું પાડવાની ભૂમિકા રચશે, તમને સોનામાં શરણ લેવાની ફરજ પાડશે અને ભાવને ઊંચે જવામાં મદદ કરશે. 
ભારતમાં સોનાના ભાવ પાંચ જ ટ્રેડિંગ સત્રમાં રૂા. 1000 પ્રતિ 10 ગ્રામ ઉછળીને શનિવારે મુંબઈમાં રૂા. 33,250 મુકાયા હતા. ગ્રાહકો પણ આવા ઉછાળાથી હતપ્રભ થયા હતા. બુલિયન ડીલરો અને જવેલરો ગ્રાહકોને આકર્ષવા ગત સપ્તાહે સત્તાવાર ભાવ સામે ઔંસ દીઠ 50થી 60 સેન્ટનું ડિસ્કાઉન્ટ ઓફર કરતા હતા. જે તે અગાઉના સપ્તાહમાં 50 સેન્ટ પ્રીમિયમ હતું. સ્થાનિક ભાવમાં 10 ટકા આયાત જકાત અને 3 ટકા જીએસટીનો સમાવેશ થાય છે. ચીનમાં સોનાના પ્રીમિયમ 14થી 18 ડોલર હતા તે ગત સપ્તાહે ઘટીને 7થી 10 ડોલર રહ્યા હતા. ભાવ એકાએક વધી જવાથી રોકાણકારો નફો બાંધવા સોનું વેચવા આવતાં બજારમાં જૂના સોનાનો પુરવઠો વધી ગયો છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer