તેલિયા રાજાઓમાં પડી તકરાર બેઠકની તારીખ વિશે મડાગાંઠ

તેલિયા રાજાઓમાં પડી તકરાર બેઠકની તારીખ વિશે મડાગાંઠ
વિયેના, તા. 14 જૂન
ઓપેકની વિયેના ખાતેની બેઠકને બે સપ્તાહ કરતાં પણ ઓછો સમય બાકી છે તે છતાં ઓપેકના સભ્યો અને સાથી દેશો હજી તેની તારીખ નક્કી કરી શકયા નથી. ઈરાન અને સાઉદી અરેબિયા વચ્ચેની શત્રુતા આ કોર્ટલને કેટલી હદ સુધી પાંગળું બનાવી શકે છે તેનું આ એક ઉદાહરણ છે.
ઓપેકની બેઠકમાં તેલના હાલના ઉત્પાદન કાપને 30 જૂન બાદ લંબાવવા વિશે નિર્ણય લેવાનો છે. જાગતિક અર્થતંત્રની કથળતી જતી હાલત અને ચીન-અમેરિકા વચ્ચેના વેપાર યુદ્ધને પગલે તેલના ભાવ માર ખાઈ રહ્યાં છે.
આમ છતાં રશિયાએ પ્રસ્તુત બેઠક જુલાઈના પ્રારંભ સુધી મોકુફ રાખવાનું સૂચન કર્યુ. ત્યારથી તેલ ઉત્પાદક દેશો તારીખ નક્કી કરવાની મથામણ કરી રહ્યાં છે. હવે રશિયાના સૂચનનો શરૂઆતમાં વિરોધ કરનારા ઘણા દેશો તેને સ્વીકારવા લાગ્યા છે, ત્યારે માત્ર એક જ દેશ તેનો મક્કમતાથી વિરોધ કરી રહ્યો છે. : ઈરાન
ઈરાનની તેલની નિકાસને અમેરિકાના પ્રતિબંધોથી સખત ફટકો પડયો છે અને તેની બજારો તેના કટ્ટર હરીફ સાઉદી અરેબિયા અને અન્ય ઓપેક રાષ્ટ્રો કબજે કરી રહ્યાં છે. તેથી ઈરાન છંછેડાયેલું છે. સાઉદી અરેબિયાએ પોતાનું ઉત્પાદન વધારીને પોતાના ધાર્મિક અને રાજકીય હરીફ ઈરાનને ભીડાવવામાં અમેરિકન પ્રમુખ ટ્રમ્પને ટેકો આપ્યો છે.
બંને દેશોની ચડસાચડસીને કારણે અખાતી વિસ્તારમાં તંગદિલી વધી રહી છે. ઈરાની અખાતમાં  સાઉદી તેલવાહક જહાજો અને પાઈપલાઈનો પર હુમલા થયા છે જેને માટે એણે ઈરાનને જવાબદાર ઠરાવ્યું છે.
રાજકીય ઘર્ષણ છતાં ઓપેકના દેશો તેલપુરવઠા નીતિમાં એકતા જાળવી શકયા છે. સાઉદી અરેબિયાએ ઉત્પાદન વધાર્યુ  હોવા છતાં તે ગયે વર્ષે નક્કી થયેલા ઉત્પાદન ક્વોટાને વળગી રહેલું છે અને ઉત્પાદનકાપ લંબાવવાની તરફેણમાં છે.
તેલ ઉત્પાદક દેશોની બેઠકમાં ઉત્પાદનકાપ લંબાવવાના મુદ્દે સહમતી સાધવાનું મુશ્કેલ નહીં હોય તેમ મનાય છે. અમેરિકામાં તેલનો અનામત જથ્થો ઉંચી સપાટીએ હોવાથી ઓછામાં ઓછું ડિસેમ્બર સુધી તો ઉત્પાદનકાપ લંબાવ્યા વગર છૂટકો નથી એમ યુએઈના તેલ પ્રધાન સુહેલ મઝહુઈએ મોન્ટ્રીયલ ખાતે તાજેતરમાં જણાવ્યું હતું. 
તારીખો વિશેના વિવાદ વાસ્તવમાં પોતાનું પ્રભુત્વ જમાવવાનો છે. રશિયાએ સ્થાનિક કારણોસર બેઠકને મુલતવી રાખીને પોતાનું મહત્વ દર્શાવવાનો પ્રયાસ કર્યો છે, જયારે ઈરાન મૂળ તારીખો 25 અને 26 જૂનને વળગી રહેવાના મતનું છે. સાઉદી અરેબિયાએ રશિયાને ટેકો આપ્યો છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer