સ્ટીલ ચીજોની આયાત ઘટાડવાનાં પગલાં વિચારણા હેઠળ

સ્ટીલ ચીજોની આયાત ઘટાડવાનાં પગલાં વિચારણા હેઠળ
નવી દિલ્હી, તા. 14 જૂન
સ્ટીલની ચીજોની `િબનજરૂરી' આયાત ઘટાડવા અને નિકાસ વધારવા માટે જકાત તેમ જ બિનજકાતી પગલાં સરકારની વિચારણા હેઠળ છે. સ્ટીલ ઉદ્યોગમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતાનો વધુ ઉપયોગ થાય તે જોવા સરકાર આતુર છે.
ઉદ્યોગ અને વાણિજય મંત્રી પિયુષ ગોયલ અને પોલાદ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને આ સપ્તાહે સ્ટીલ કંપનીઓ સાથે ઉદ્યોગને સતાવી રહેલી સમસ્યાઓ અને આયાત નિકાસના પ્રવાહો વિશે ચર્ચા કરી હતી.
બંને પ્રધાનોએ ઉદ્યોગને ખાત્રી આપી હતી ઈજનેરી માલસામાનની નિકાસ આવતાં પાંચ વર્ષમાં બમણી થાય અને 2030 સુધીમાં 200 અબજ ડૉલરને આંબી જાય તે માટે તેમનાં મંત્રાલયો તમામ પ્રયાસ કરશે. આને કારણે દેશની નિકાસ વધારવા ઉપરાંત ખાસ કરીને લઘુ ઉદ્યોગોમાં રોજગારી પેદા કરવામાં પણ સહાય મળશે. ભારત સ્ટીલનો બીજા ક્રમનો સૌથી મોટો ઉત્પાદક દેશ હોવા છતા તે સ્ટીલનો ચોખ્ખો આયાતકાર દેશ પણ છે.
`સ્ટીલ ઉદ્યોગના તેમ જ ઈજનેરી સામનની નિકાસ ઉત્તેજક સંસ્થાઓના પ્રતિનિધીઓએ વાણિજ્ય અને સ્ટીલ પ્રધાન સાથે સ્ટીલ ઉદ્યોગમાં ઉત્પાદન ક્ષમતાના અપૂરતા વપરાશ તથા અન્ય દેશો દ્વારા ભારતની નિકાસ વિરુદ્ધ લેવાતાં સંરક્ષણાત્મક પગલાં વિશે વિગતવાર ચર્ચા કરી હતી' એમ એક સત્તાવાર યાદીમાં જણાવવામાં આવ્યું હતું.
ગોયલ અને પ્રધાને બિનજરૂરી આયાત ઘટાડવા અને નિકાસને વેગ આપવા માટે જકાત તેમ જ અન્ય પગલાંની ચર્ચા કરી હતી. અતિ નાના-નાના અને મધ્યમ ઉદ્યોગોના પ્રતિનિધિઓએ સસ્તે ભાવે કાચો માલ પૂરો પાડવાની સ્ટીલ કંપનીઓને વિનંતી કરી હતી જેથી આ ઉદ્યોગો આંતરરાષ્ટ્રીય બજારમાં હરીફાઈ કરી શકે, એમ યાદીમાં જણાવાયું હતું.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer