ગુજરાત ઉપર ``વાયુ'''' વાવાઝોડાનો ખતરો ટળ્યો

ગુજરાત ઉપર ``વાયુ'''' વાવાઝોડાનો ખતરો ટળ્યો
વાવાઝોડું અરબી સમુદ્રમાં પશ્ચિમ ભાગ તરફ આગળ વધ્યું
સ્થળાંતર કરાયેલા 2.75 લાખ લોકોને પરત મોકલાશે, આશ્રય લેનારાઓને ત્રણ દિવસની કેશડોલ્સ ચૂકવાશે, શાળા-કૉલેજો આજથી રાબેતા મુજબ શરૂ : મુખ્ય પ્રધાન 
અમારા પ્રતિનિધિ તરફથી
અમદાવાદ, તા. 14 જૂન
ગુજરાત ઉપરનો સંભિવત વાયુ વાવાઝોડાનો ખતરો સંપૂર્ણપણે ટળી ગયો છે. વાયુ વાવાઝોડું અરબી સમુદ્રમાં પશ્ચિમ તરફ આગળ વધી ગયું છે, એમ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું હતું. 
આજે ગાંધીનગરમાં સ્ટેટ ઇમરજન્સી અૉપરેશન સેન્ટર ખાતે મુખ્ય પ્રધાન વિજય રૂપાણીની અધ્યક્ષતામાં અને નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલની ઉપસ્થિતિમાં યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં સંભિવત વાયુ વાવાઝોડાની આફતની છેલ્લામાં છેલ્લી સ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા કરવામાં આવી હતી. આ બેઠકમાં મુખ્યસચિવ ડૉ.જે.એન. સિંહ, મુખ્ય પ્રધાનના અગ્ર સચિવ કે. કૈલાસનાથન અને વરિષ્ઠ સચિવો ઉપસ્થિત રહ્યા હતા. બેઠક બાદ મીડિયા સાથે વાતચીત કરતા મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ જમાવ્યું હતું કે, ગુજરાત વાયુ વાવાઝાડોની આફતમાંથી મુક્ત થયું છે. આ વાવાઝોડું સંપૂર્ણરીતે અરબી સમુદ્રમાં પશ્ચિમ તરફ આગળ વધ્યું છે અને ગુજરાત ઉપરનો વાવાઝોડાનો ખતરો ટળી ગયો છે. આ સ્થિતિને મધ્ય નજર રાખીને જિલ્લાતંત્રોને સૂચનાઓ આપી છે કે જિલ્લાના આપદા પ્રબંધન હવે સામાન્ય કરી દેવામાં આવે. 
મુખ્ય પ્રધાન રૂપાણીએ વાવાઝોડાથી અસર પામેલા જે 10 જિલ્લાના 2.75 લાખ જેટલા લોકોનું સલામત સ્થળે આશ્રયસ્થાનોમાં સ્થળાંતર કરાવવામાં આવ્યું છે તેમને હવે પરત મોકલવાની કાર્યવાહી હાથ ધરવાની સૂચનાઓ પણ આપી દેવામાં આવી હોવાનું જણાવ્યુ ંહતું. રૂપાણીએ જાહેર કર્યું કે,આશ્રયસ્થાનોમાં જે લોકે આશ્રય લીધો હતો તેમાંથી પુખ્ત વયની વ્યક્તિને રૂા.60 પ્રતિદિન અને સગીર વયની વ્યક્તિને રૂા.45 પ્રતિદિન પ્રમાણે રાજ્યસરકાર ત્રણ દિવસની કેશડોલ્સ ચૂકવશે. 
તમણે કહ્યું કે, અસરગ્રસ્ત 10 જિલ્લાઓમાં જિલ્લાતંત્રના માર્ગદર્શન માટે પ્રધાનો અને પ્રભારી સચિવોને મોકલવામાં આવ્યા હતા તેઓ પણ આજરોજ પરત આવી જશે. આ વિસ્તારોમાં શાળા-કૉલેજો આવતીકાલથી રાબેતા મુજબ પુન: શરૂ થઇ જશે. એટલું જ નહીં સૌરાષ્ટ્ર-કચ્છના પોર્ટસ (બંદર) પર પણ આવતીકાલથી યાતાયાત-ગતિવિધિઓ ફરી શરૂ કરી દેવાશે. જે વિસ્તારોમાં ધોરીમાર્ગો પર વૃક્ષો પડી જવાના કે અન્ય આડશો આવી જવાના કિસ્સાઓમાં પણ તે દૂર કરી માર્ગો ક્લીયર કરી દેવાયા છે. માર્ગ વાહનવ્યવહાર એસ.ટી.નિગમની બસ સેવાઓનું સંચાલન પણ આજ સાંજથી નિયમિત કરી દેવામાં આવશે.
વધુમાં તેમણે જણાવ્યું કે, આ સંભવિત વાવાઝોડાની અસરોને પગલે રાજ્યના 2000 ગામોમાં વીજપુરવઠો  ખોરવાયો હતો, જે હવે પૂર્વવત કરાતા માત્ર 144 ગામોમાં વીજપુરવઠો રાબેતા મુજબ થવાનો બાકી છે. તે પણ એકાદ દિવસમાં થઇ જશે. 
સંભવિત વાવાઝોડાની અસરો દરમિયાન 199 જેટલી સગર્ભા બહેનોને આરોગ્ય વિભાગે સફળતાપૂર્વક પ્રસૂતિ પણ કરાવી છે. રાજ્યસરકારે આ સંભવિત વાવાઝોડાના મુકાબલા માટે માસ્ટર પ્લાન બનાવીને સ્ટેટેજીપૂર્વક કામગીરી કરી છે અને પૂરી સજ્જતાથી લડવાના તંત્રના માઇક્રો લેવલ પ્લાનિંગનું ડોક્યુમેન્ટેશન કરવાની સૂચનાઓ પણ આપી છે. જેથી ભવિષ્યમાં જો કોઇ મોટી કુદરતી આફત-ત્રાસદી આવી પડે તો તેને પહોંચી વળવા તંત્ર પાસે માર્ગદર્શક રેફરન્સ બને તેવો આશય છે.
 મુખ્ય પ્રધાન રૂપાણીએ ભારત સરકાર, કેન્દ્રીય હવામાન વિભાગ, એનડીઆરએફ, આર્મી, નેવી, ઍરફોર્સ જેવી કેન્દ્રીય એજન્સીઓ તેમ જ રાજ્યના નાગરિકો, મીડિયા જગતનો તેમણે આપેલા સહકાર માટે આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું કે, અન્ય રાજ્યોમાંથી આવેલી એનડીઆરએફની ટીમ આવતીકાલથી મૂવ થશે, જ્યારે ગુજરાતની ટીમ અહીં જ રોકાશે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer