મહારાષ્ટ્રમાં ખાંડનું ઉત્પાદન ઘટવાની શક્યતા

મહારાષ્ટ્રમાં ખાંડનું ઉત્પાદન ઘટવાની શક્યતા
મુંબઈ, તા. 14 જૂન
શેરડીના પાક પર અછતની અસર થવાના કારણે દેશના ખાંડના બીજા નંબરના સૌથી મોટા ઉત્પાદક રાજ્ય મહારાષ્ટ્રમાં 2019-20ની સિઝનમાં ખાંડનું ઉત્પાદન ગયા વર્ષની સરખામણીએ 39.2 ટકા ઘટીને 65 લાખ ટન થવાની ધારણા હોવાનું એક વરિષ્ઠ સરકારી અધિકારીએ સોમવારે જણાવ્યું હતું.
ખાંડનું ઉત્પાદન ઘટવાથી ખાંડ મિલોને વધારાની ખાંડની નિકાસ કરવાનો દબાવ ઓછો થશે અને વૈશ્વિક ભાવ ગયા વર્ષે 20 ટકા કરતાં વધુ ઘટયા હતા તેને સહાય મળશે. ખાંડના ભાવમાં આંશિક રૂપે આર્થિક સહાયને લીધે ઘટાડો થયો હતો.
મધ્ય મહારાષ્ટ્રમાં અછતને લીધે શેરડીના પાકને અસર થઈ છે. શેરડીનો વાવેતર વિસ્તાર ઘટયો છે અને શેરડીનો પાક ઓછો આવવાના અણસાર છે, એમ મહારાષ્ટ્ર સુગર કમિશનર શેખર ગાયકવાડે જણાવ્યું હતું.
અૉક્ટોબરથી શરૂ થનાર સિઝનમાં શેરડીનો વાવેતર વિસ્તાર દુષ્કાળને લીધે 20 ટકા જેવો ઘટયો છે.
ગયા વર્ષે ચોમાસામાં રાજ્યમાં જૂન-સપ્ટેમ્બર દરમિયાન સામાન્ય કરતાં વરસાદ 23 ટકા ઓછો થયો હોવાનું રાજ્ય સરકારે જણાવ્યું છે.
સપ્ટેમ્બરમાં પૂરી થતી ખાંડની વર્તમાન સિઝનમાં રાજ્યમાં 107 લાખ ટન ખાંડનું ઉત્પાદન થયું હતું. અછતથી રાજ્યમાં પશુઆહારની અછત સર્જાતાં ખેડૂતોએ પોતાના પશુઓને શેરડી ખવડાવી હતી, એમ ગાયકવાડે જણાવ્યું હતું.
આ વર્ષે દેશમાં નોંધપાત્ર 330 લાખ ટન ખાંડનું ઉત્પાદન થશે જેથી દેશમાં ખાંડનો જથ્થો પણ વધશે.
કેન્દ્ર સરકાર ખેડૂતોને વિદેશમાં ખાંડની નિકાસ કરવા માટે પ્રોત્સાહનો આપી રહી છે અને 50 લાખ ટન ખાંડનો નિકાસ લક્ષ્યાંક નક્કી કર્યો છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer