કૉર્પોરેટ એનપીએ અને ફુગાવાની ચિંતાએ શૅરબજારો ઘટયાં

કૉર્પોરેટ એનપીએ અને ફુગાવાની ચિંતાએ શૅરબજારો ઘટયાં
રિયલ્ટી, બૅન્કિંગ ક્ષેત્રો ઉપર વેચવાલીનું દબાણ
વ્યાપાર ટીમ
મુંબઈ, તા. 14 જૂન
દેશનાં કૉર્પોરેટ ક્ષેત્રની જંગી એનપીએ બાબતે વૈશ્વિક એજન્સીની ચેતવણી સાથે ફુગાવાનો ઊંચો આંક આજે શૅરબજારમાં વેચવાલી વધવાનું નિમિત્ત બન્યો હતો. આજે શરૂઆતથી જ બજારમાં હેમરિંગ શરૂ થવાથી દિવસભર એનએસઈ ખાતે નિફટી સતત નકારાત્મક રહીને અંતે 91 પૉઈન્ટ ઘટાડે 11823 બંધ રહ્યો હતો. બીએસઈમાં સેન્સેક્ષ 289 પૉઈન્ટ ઘટીને 39452ની સપાટીએ બંધ આવ્યો હતો. આજના નર્વસ માહોલને લીધે એનએસઈમાં તમામ સૂચકાંક ઘટાડે બંધ રહ્યા હતા. જેમાં રિયલ્ટી ક્ષેત્રનો સૂચકાંક 2.25 ટકા અને મીડિયા 2 ટકા ઘટાડે હતો. મિડકેપ અને સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે વધુ 82 અને 62 પૉઈન્ટ તૂટયા હતા. ફાર્મા કંપની બાયોકોન 2 ટકા, રિલાયન્સ કેપિટલ અને જેટ ઍરવેઝ 12 ટકા ઘટયા હતા.
ક્રૂડતેલમાં નબળાઈ છતાં એશિયામાં હૉંગકૉંગ અને ચીનનાં બજારો નબળાં આવતાં સ્થાનિક બજારમાં વાહન, ઔદ્યોગિક અને બૅન્કિંગ ક્ષેત્રના શૅરોમાં ધૂમ વેચવાલી જોવાઈ હતી. આજે નિફટીના 39 શૅરો ઘટવા સાથે માત્ર 11 શૅર ઓછાવત્તા સુધારે રહ્યા હતા.
આજના ઘટાડામાં સૌથી વધુ દબાણમાં ઈન્ડસઈન્ડ બૅન્ક રૂા. 62, બજાજ અૉટો રૂા. 50, અલ્ટ્રાટેક રૂા. 68, હીરો મોટર્સ રૂા. 35, એચયુએલ રૂા. 22, એક્સિસ બૅન્ક રૂા. 19, ઈન્ડિયાબુલ્સ રૂા. 22, એચસીએલ ટેક રૂા. 14, બજાજ ફિનસર્વ રૂા. 57, મારુતિ સુઝુકી રૂા. 38, એચડીએફસી રૂા. 13, ઝી રૂા. 16, ટાઈટન રૂા. 13 અને કોટક બૅન્ક રૂા. 30 સાથે સિપ્લામાં રૂા. 9નો ઘટાડો હતો. આજે સુધરનાર શૅરમાં એલએન્ડટી રૂા. 8 અને સનફાર્મા રૂા. 3 અને અદાણી પોર્ટ નગણ્ય સુધારે બંધ હતા.
અગાઉ જણાવ્યા પ્રમાણે બજારમાં નિરસતાનો માહોલ જોતાં હવે નિફટી 11600 નજીક પહોંચવાની શક્યતા વધી છે. નવા મજબૂત ટ્રીગર સિવાય ખરીદી ટાળવી હિતાવહ રહેશે.
એશિયાનાં બજાર
અમેરિકા દ્વારા ચીનના હુવેઈ કંપની પર પ્રતિબંધ લાદવાથી ચીનમાં શાંઘાઈ ઈન્ડેક્સ 28 પૉઈન્ટ ઘટયો હતો. હૉંગકૉંગમાં હૅંગસૅંગ 176 પૉઈન્ટ દબાણમાં બંધ રહ્યો હતો. જપાનમાં નિક્કી 85 પૉઈન્ટ સુધારે હતો.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer