રૂા.10,000 કરોડના કારમાઈકલ ખાણ પ્રોજેક્ટને મંજૂરી એટલે

રૂા.10,000 કરોડના કારમાઈકલ ખાણ પ્રોજેક્ટને મંજૂરી એટલે
ગૌતમ અદાણીનો અૉસ્ટ્રેલિયામાં રાજકીય વિજય
વિશેષ સંવાદદાતા
મુંબઈ, તા. 14 જૂન
ગૌતમ અદાણીના અૉસ્ટ્રેલિયામાં રૂા.10,000 કરોડના કારમાઈકલ ખાણ પ્રોજેક્ટને મંજૂરી મળી તેમાં તેમનો એ દેશમાં રાજકીય વિજય પણ છે. 
અૉસ્ટ્રેલિયાની લેબર પાર્ટી અદાણીના આ પ્રોજેક્ટનો સખત વિરોધ કરતી હતી. પર્યાવરણના અને અન્ય કારણો ધરી છેલ્લાં આઠ વર્ષથી આ પ્રોજેક્ટને રદ કરાવવાના અથવા વિલંબમાં નાખવાના પ્રયત્નો કરી રહી હતી. આ વિરોધને સ્થાનિક પ્રજાજનોનું પણ સમર્થન મળતાં અદાણી જૂથની અૉસ્ટ્રેલિયામાં લોકપ્રિયતાને અસર પડી હતી, એટલું જ નહીં ગ્રુપને તેની રોકાણ યોજનાનું કદ ઘટાડવાની પણ ફરજ પડી હતી.
અૉસ્ટ્રેલિયામાં તાજેતરમાં થયેલી સામાન્ય ચૂંટણીમાં લેબર પાર્ટીએ જે ખરાબ દેખાવ કર્યો તે માટે તેના અદાણી સામેનો વિરોધ પણ કારણભૂત હોવાનું માનવામાં આવે છે, અદાણી ગ્રુપ આ પ્રોજેક્ટ દ્વારા 1500 જેટલી સીધી અને 6700થી વધુ આડકતરી રોજગારીનું નિર્માણ કરશે તેવી ધારણા છે. વિકાસ અને રોજગારી આપતા આ પ્રોજેક્ટનો વિરોધ કરવાનું લેબર પાર્ટીને ભારે પડયું છે. તેને જોઈતી બેઠક નહીં મળતાં સતત ત્રીજી વાર મોરચા સરકાર ફરીથી સત્તા ઉપર આવી હતી.
અદાણી ગ્રુપે અૉસ્ટ્રેલિયાના ક્વીન્સલૅન્ડમાં કોલસાની ખાણ વર્ષ 2010માં ખરીદી હતી. આ ખાણમાં બે અબજ ટનથી વધુ કોલસો ભૂગર્ભમાં હોવાનો અંદાજ છે અને અદાણી ગ્રુપે તેમાંથી દર વર્ષે એક કરોડ ટન કોલસાનું ખાણકામ કરવાની યોજના ઘડી હતી, પરંતુ વિરોધના પગલે ગ્રુપ હવે કોલસાનું ઉત્પાદન ઘટાડશે. તેણે આ ખાણને નજીકના એબોટ પોઈન્ટ પોર્ટને જોડતી રેલવે લાઈન બાંધવાની યોજનામાં પણ કાપ મૂક્યો છે. સરકારે આ પ્રોજેક્ટ માટે સબસિડી પાછી ખેંચી અને અદાણી ગ્રુપને એ દેશમાંથી પણ કોઈ ધિરાણ આપે નહીં તેનો પ્રબંધ કર્યો હતો. આવા કપરા સમયે અદાણી ગ્રુપે હિંમત હાર્યા 
વિના પોતાના ગજવાના જોરે આ પ્રોજેક્ટ પૂરો કરવાનું નક્કી કર્યું. આ માટે તેણે રેલવે લાઈનની લંબાઈ ઘટાડવાના તથા ઉત્પાદન ક્ષમતા ઘટાડવાના જેવા નિર્ણયો લીધા હતા. 
ગ્રુપને મંજૂરી મળી ગઈ છે છતાં તેને અૉસ્ટ્રેલિયાની કેન્દ્ર સરકારે અને ક્વીન્સલૅન્ડ સરકારની નાની મોટી કેટલીક મંજૂરીઓ લેવાની બાકી છે. આ મંજૂરીઓ મળી જાય તે પછી જ કોલસાનું ખાણકામ શરૂ થઈ શકશે. ગ્રુપે સત્તાવાળા સાથે રોયલ્ટી પેમેન્ટ્સના અને પર્યાવરણની કેટલીક મંજૂરી મેળવવાના લગતા કરાર કરવાના બાકી છે.
ગ્રુપને મુખ્ય મંજૂરી મળી જતાં તે હવે બાંધકામ અને અન્ય પ્રવૃત્તિ શરૂ કરશે. કંપનીના એક ઉચ્ચ અધિકારીએ કહ્યું કે, છેલ્લાં આઠ વર્ષ દરમિયાન ક્વીન્સલૅન્ડના સ્થાનિક રહેવાસીઓનો સંપૂર્ણ સાથ સહકાર મળ્યો, પણ રાજકારણીઓ સામે તેઓ લાચાર હતા. તેમણે કહ્યું કે, ક્વીન્સલૅન્ડમાં બેરોજગારીની સમસ્યા જટિલ છે ત્યારે આ પ્રોજેક્ટ સામેના વિરોધથી તેમની રોજગારી છીનવાતી હતી. અદાણી એન્ટરપ્રાઈસના જણાવ્યા અનુસાર આ ખાણમાંથી વર્ષ 2020-21 દરમિયાન ઉત્પાદન શરૂ થવાની ધારણા છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer