ભારત આંતરરાષ્ટ્રીય લવાદનું મુખ્ય કેન્દ્ર બનશે

ભારત આંતરરાષ્ટ્રીય લવાદનું મુખ્ય કેન્દ્ર બનશે
સંસદના આગામી સત્રમાં રજૂ થશે ખરડો
બિલને મંજૂરી મળ્યા બાદ સંસ્થાકીય લવાદના લાભ સરકાર અને તેની એજન્સીઓને અનેક ગણા મળશે
એજન્સીસ
નવી દિલ્હી, તા. 14 જૂન
વડા પ્રધાન નરેન્દ્ર મોદીના વડપણ હેઠળ મળેલી પ્રધાનમંડળની બેઠકમાં ભારતને આંતરરાષ્ટ્રીય લવાદના કેન્દ્ર તરીકે વિકસાવવા માટે `ન્યૂ દિલ્હી ઇન્ટરનેશનલ આર્બિટ્રેશન સેન્ટર (એનડીઆઈએસી) બિલ 2019' સંસદના આગામી વર્ષા સત્રમાં રજૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
આ ખરડો, `ન્યૂ દિલ્હી ઇન્ટરનેશનલ આર્બિટ્રેશન સેન્ટર ઓર્ડિનન્સ 2019'નું સ્થાન લેશે, જેને રાષ્ટ્રપતિએ ગત 2 માર્ચે મંજૂરી આપી હતી. આ વટહુકમમાં સંસ્થાકીય સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય લવાદની રચના સ્વાયત્ત અને સ્વતંત્રધોરણે કરવાની દરખાસ્ત મૂકવામાં આવી હતી.
આ સંદર્ભે સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ જજ જસ્ટિસ બી.એન. શ્રીકૃષ્ણાના નેતૃત્વ હેઠળ ઉચ્ચસ્તરીય સમિતિ 2017માં રચવામાં આવી હતી. આ સમિતિએ 1995માં સ્થપાયેલી ઇન્ટરનેશનલ સેન્ટર ફોર અલ્ટરનેટિવ ડિસ્પ્યુટ રિઝોલ્યુશન (આઈસીએડીઆર)ને હસ્તગત કરવાની સરકારને ભલામણ કરી હતી.
આ સમિતિની ભલામણના આધારે આ બિલ લાવવામાં આવ્યું છે.
આ બિલને મંજૂરી મળ્યા બાદ સંસ્થાકીય લવાદના લાભ સરકાર અને તેની એજન્સીઓને તેમ જ લવાદમાં સામેલ પક્ષકારોને અનેક ગણા મળશે. તે ઉપરાંત ભારતમાં લવાદ પ્રક્રિયા માટે કાબેલ નિષ્ણાતો ઉપલબ્ધ થશે અને તેનો ખર્ચ પણ વાજબી બનશે. તે સાથે ભારત સંસ્થાકીય લવાદનું કેન્દ્ર બનશે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer