ભારત માટે આવનારો દાયકો ટર્નિંગ પોઇન્ટ બનશે

ભારત માટે આવનારો દાયકો ટર્નિંગ પોઇન્ટ બનશે
મહારાષ્ટ્રના નાણાં પ્રધાન સુધીર મુનગંટ્ટીવારનો આત્મવિશ્વાસ
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 14 જૂન
વર્ષ 2020થી 2030 સુધીનો દાયકો ભારતની પ્રગતિનો ટર્નિંગ પોઇન્ટ બની રહેશે. આપણે નવા ભારતનું નિર્માણ કરવા જઈ રહ્યા છીએ. આર્થિક, સામાજિક, રાજકીય અને શૈક્ષણિક ધોરણે પરિવર્તન દ્વારા આપણે આવનારા દશકમાં ભારતને 10 લાખ કરોડ ડૉલરનું અર્થતંત્ર બનાવી શકીશું અને મને વિશ્વાસ છે કે આપણે આ લક્ષ્ય હાંસલ કરી શકીશું, એમ મહારાષ્ટ્રના નાણાં,આયોજન અને વનપ્રધાન સુધીર મુનગંટ્ટીવારે અહીં જણાવ્યું હતું.
આઈએમસી ચેમ્બર અૉફ કૉમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી અને ઇન્સ્ટિટયૂટ અૉફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ અૉફ ઇન્ડિયા (આઈસીએઆઈ)ના સહયોગથી અહીં આયોજિત 10મી બૅન્કિંગ એન્ડ ફાઇનાન્સ કૉન્ફરન્સમાં મુનગંટ્ટીવાર બૅન્કર્સને સંબોધી રહ્યા હતા.
આપણે 11 ટકાનો જીડીપી વૃદ્ધિ દર હાંસલ કરવો હોય તો શું કરવું જોઈએ તેનાં સ્પષ્ટ સૂચનો બૅન્કર્સ દ્વારા સરકારને મળશે તો અમે તેની ભલામણોનો સ્વીકાર કરી શકીશું, એમ રાજ્યના નાણાપ્રધાને જણાવ્યું હતું.
આઈએમસીના પ્રમુખ (ઇલેક્ટ) આશિષ વૈદે જણાવ્યું હતું કે ભારત અત્યારે વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતો દેશ છે અને બૅન્કનો વિકાસ થશે તો ભારતના અર્થતંત્રનો વિકાસ થશે, એ નિશ્ચિત છે.
`કૉર્પોરેટ ગવર્નન્સ ઇન બૅન્કસ' વિશે મુખ્ય વક્તવ્ય આપતાં સેબીના ભૂતપૂર્વ ચૅરમૅન એમ. દામોદરને જણાવ્યું હતું કે બૅન્કિંગ વ્યવસ્થામાં સફાઈ કરવી હોય તો દરેક સામે શંકાની નજરે જોઈ શકાય નહીં. તેમાં કોણ જવાબદાર છે તેને ઓળખવા જરૂરી છે, અન્યથા સમગ્ર બૅન્કિંગ વ્યવસ્થા જોખમમાં મુકાઈ જશે.
બૅન્કિંગ વ્યવસ્થામાં સુધારા લાવવા માટે તેમણે ટ્રાઈપોડનું ઉદાહરણ આપતાં જણાવ્યું હતું કે તમે ટ્રાઈપોડ (ત્રણ પાયાના ટેબલ) ઉપર આરામથી બેસી શકો નહીં. તમારે સતત સાવધ રહેવું પડે. તેથી બોર્ડ અૉફ બૅન્કને સત્તા સોંપવી, તેમને સહાય કરવી અને ખોટી કૃતિ સામે કોઈ જ પગલાં નહીં ભરવાની વૃત્તિ ત્યજી બધાને એક જ લાકડીએ હાંકવાની ઢબ છોડવી પડશે, એમ દામોદરને જણાવ્યું હતું.
ક્રિસિલના સિનિયર ડિરેક્ટર કૃષ્ણા સીતારામને જણાવ્યું હતું કે ઇન્સોલ્વન્સી ઍન્ડ બૅન્કરપ્સી કોડ (આઈબીસી)ના અમલથી બૅન્કોના પ્રમોટર્સમાં ક્રેડિટ ડિસિપ્લીન આવી છે અને નજીકના ભવિષ્યમાં એસએમઈ અને રિટેલ લોન ક્ષેત્રમાં પ્રગતિ જોવા મળશે.
આઈબીસીના અમલથી બૅન્કોનાં એનપીએની માત્રા ઘટી રહી છે, જાહેર ક્ષેત્રની તુલનાએ ખાનગી ક્ષેત્રની બૅન્કોનો દેખાવ સારો હોવાનું તેમણે જણાવ્યું હતું.
આઈએમસીના પ્રમુખ (ઇલેક્ટ) આશિષ વૈદે સ્વાગત પ્રવચન કર્યું હતું જ્યારે આઈસીએઆઈના પ્રમુખ પ્રફુલ છાજેડે મહેમાનોને આવકાર્યા હતા. આઈએમસીના ઉપપ્રમુખ (ઇલેક્ટ) રાજીવ પોદારે આભારવિધી કરી હતી. આ સેમિનારમાં જાહેર અને ખાનગી બૅન્કોના વરિષ્ઠ અધિકારીઓ અને આઈસીએઆઈના વરિષ્ઠ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer