અમેરિકન બદામ, અખરોટ સહિતની 29 ચીજો પર આવતા સપ્તાહથી ડયૂટી વધશે

અમેરિકન બદામ, અખરોટ સહિતની 29 ચીજો પર આવતા સપ્તાહથી ડયૂટી વધશે
ભારતનો `જેવા સાથે તેવા'નો વ્યવહાર 
એજન્સીસ
નવી દિલ્હી, તા. 14 જૂન
ભારતે છેવટે અમેરિકાની બદામ, અખરોટ અને સફરજન સહિતની 29 ચીજો ઉપર ડયૂટી વધારવાનો નિર્ણય કરી લીધો છે. એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર આવતા સપ્તાહથી જ આ ડયૂટી વધારો લાગુ થશે.
પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે પાંચમી જૂને જનરલાઇઝડ સિસ્ટમ અૉફ પ્રેફરન્સીસ (જીએસપી) હેઠળ ભારતની નિકાસને મળતી રાહતો પાછી ખેંચી લીધી તેનો આ સીધો પ્રત્યાઘાત છે.
અમેરિકાના પ્રેસિડન્ટના રાજકારણનાં બે પાસાં જોવા જેવા છે: એક તરફ ટ્રમ્પ હાર્લી મોટરબાઇક ઉપર ભારતની 50 ટકાની ઇમ્પોર્ટ ડયૂટીનો વિરોધ કરે છે તો બીજી બાજુ તેના વિદેશ સચિવ માઇક પોમ્પીઓ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના બે મોઢે વખાણ કરે છે, તેમણે કહ્યું છે કે `મોદી હૈ તો મુમકિન હૈ' આવા વિરોધાભાસી વલણમાં અટવાવાને બદલે ભારતે આ રાજકીય અને આર્થિક પ્રત્યાઘાત સર્જતો નિર્ણય લીધો છે.
જોકે, ભારત-અમેરિકા વચ્ચે શીત વેપારયુદ્ધના મંડાણ તો ત્યારે જ થઈ ગયા હતા જ્યારે વૉશિંગ્ટને ભારતીય બનાવટના સ્ટીલ અને ઍલ્યુમિનિયમને ઊંચી આયાત ડયૂટીમાંથી મુક્તિ આપવાની માગણીનો અસ્વીકાર કર્યો હતો. ભારત ત્યારથી જ વળતો પ્રહાર કરવાનું વિચારી રહ્યું હતું, પરંતુ અત્યાર સુધી તેણે ધીરજ રાખી. અમેરિકાએ જીએસપી હેઠળ ભારતીય નિકાસને પ્રોત્સાહન પાછા ખેંચ્યા ત્યારે તેણે અમેરિકાની બદામ, અખરોટ વગેરે ઉપર વધુ ડયૂટી નાખવાનું નક્કી કર્યું છે.
ભારતની 5.6 અબજ ડૉલરની નિકાસને જીએસપી હેઠળની સુવિધાનો લાભ મળતો હતો.
અમેરિકાએ કહ્યું છે કે ભારત ડયૂટી વધારશે તો તે ડબ્લ્યુટીઓના નિયમોથી વિરુદ્ધ હશે, પરંતુ ભારતને તે યોગ્ય અને કાયદેસરના લાગે છે. આ ડયૂટી વધારાથી માત્ર 22 કરોડ ડૉલરની આયાત ઉપર અસર થશે, તેમ સૂત્રોએ કહ્યું હતું.
ભારત-અમેરિકા વચ્ચે 2018માં 142.10 અબજ ડૉલરનો વેપાર થયો હતો.
પોમ્પીઓ આ મહિને ભારત આવે ત્યારે આ વિષે વધુ વાતચીત થાય તેવી શક્યતા છે. પોમ્પીઓના મુલાકાતની સત્તાવાર જાહેરાત હજી થઈ નથી, પરંતુ વડા પ્રધાન મોદી જૂન 28 અને 29મીએ જી-20 દેશોની મિટિંગમાં ભાગ લેવા જપાન જાય તે પહેલાં આવે તેવી શક્યતા છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer