આજથી દુકાનો આઠ વાગ્યા સુધી ખુલ્લી રહેશે

હોટેલ રેસ્ટોરાં નવ વાગ્યા સુધી ખુલ્લાં રાખી શકાશે 
અમારા પ્રતિનિધિ તરફથી 
અમદાવાદ, તા. 30 જૂન 
ગુજરાતમાં કરફ્યુના સમયમાં એક કલાકનો ઘટાડો કરવામાં આવ્યો છે તો બીજી તરફ દુકાનો અને ધંધા સાંજે સાતને સ્થાને આઠ વાગ્યા સુધી ખુલ્લાં રાખી શકાશે. કેન્દ્ર સરકારે ગઇકાલે માર્ગદર્શિકા જાહેર કરતા ગુજરાતમાં આવતીકાલથી તે અનુસાર અનલોક-2નો પ્રારંભ થશે. 
ગુજરાતમાં હવે રાત્રે 10 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી કરફ્યુ રહેશે. દુકાનો રાત્રે 8 વાગ્યા સુધી ખૂલ્લી રહેશે અને હોટલ-રેસ્ટોરન્ટ 9 વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે તેવો નિર્ણય રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કર્યો છે.  
ગુજરાત ટ્રેડર્સ ફેડરેશન દ્વારા વેપાર-ધંધાને રાત્રિના 10 વાગ્યા સુધીની છૂટ અપાય તેવી માગ કરવામાં આવી હતી. સાંજે 7 વાગ્યા સુધીનો જ સમય અને કરફ્યુનો સમય રાત્રિના 9 વાગ્યા હોવાથી મોટા ભાગની દુકાનો સાંજના 5-6 વાગ્યા સુધીમાં જ બંધ કરવી પડે છે. હવે ફક્ત એક કલાક વધી છે એટલે સ્થિતિમાં ખાસ કોઇ સુધારો થાય તેમ નથી. વેપારીઆલમમાં નિરાશા વ્યાપી છે. 
ગુજરાત ટ્રેડર્સ ફેડરેશનના પ્રમુખ જયેન્દ્ર તન્નાએ જણાવ્યું હતુ કે  7 વાગ્યાની સમય મર્યાદાના કારણે રેસ્ટોરન્ટ અને ખાણીપીણીના વ્યવસાયો તો હજુ ચાલુ જ થયા નથી. સમગ્ર વેપારમાં ખાધા ખોરાકના વેપારનો હિસ્સો ખૂબ જ મોટો છે ત્યારે આ ક્ષેત્ર જ વંચિત રહી ગયું છે, તેથી જો આ સમયમર્યાદા દૂર કરવામાં આવે તો બેરોજગારીની સમસ્યા પણ મહદઅંશે ઓછી થશે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer