બજારમાં ઉનાળુ તલની 80 ટકા આવક પૂર્ણ

કોરિયાના ટેન્ડર પછી માગ ઓછી થઈ
અમારા પ્રતિનિધિ તરફથી 
રાજકોટ, તા. 30 જૂન 
સૌરાષ્ટ્રમાં તલના ભાવ સ્થિર થઇ ગયા છે. આવનારા સમયમાં કોરિયાનું ટેન્ડર ભારતને મળે તેવા ઉજળા સંજોગો છે પણ હાલ એ કારણ ઉપર પણ ભાવ ઝડપથી વધી જાય તેમ નથી. કારણકે આફ્રિકન દેશોમાં ભાવ તૂટી ગયા છે. અલબત્ત નિકાસ બજારમાં આપણને તેની હરિફાઇ બહુ ઓછી અસર કરે તેમ છે. તલના વેપારીઓ કહે છે, અગાઉ ઘણો માલ વિદેશમાં નિકાસ થઇ ગયા પછી હવે નિકાસ ધીમી પડી ગઇ છે. સ્થાનિક બજારોમાં ઉનાળુ તલની આવકો ઘટી ગઇ છે, જોકે અગાઉ કરતા માગ પણ ઓછી હોવાને લીધે બજારમાં મોટી ઉથલપાથલ થવાની નથી. 
દલાલ શાંતિલાલ નારણદાસના ચિરાગ અઢીયા કહે છે, ઉનાળુ તલની આવકો ગુજરાતમાં હવે ઘટવા લાગી છે. રોજ સરેરાશ 10-15 હજાર ગુણીની આવક રહે છે. આવકનો વેગ ઘટ્યો છે તો સામે માગ પણ ઓછી છે. મે અને જૂન એમ બે માસ દરમિયાન ગુજરાતમાં ઉનાળુ પાકની 80 ટકા આવકો સંપન્ન થઇ ચૂકી છે. બે માસમાં કુલ 7.92 લાખ ગુણી (80 કિલો)નો જથ્થો આવી ચૂક્યો છે. પાછલા વર્ષમાં 3.09 લાખ ગુણી આવી હતી. ગુજરાતમાં સફેદ અને કાળા તલનું ઉત્પાદન 10 લાખ ગુણી થવાનો અંદાજ છે. એ જોતા 80 ટકા માલ આવી ગયો છે.  
તેમના કહેવા પ્રમાણે કોરિયાનું ટેન્ડર ગયું એ પછી માગ હળવી થઇ ગઇ છે. બીજી તરફ મોઝામ્બિક, તાન્ઝાનિયા અ સુદાન જેવા દેશોના તલનો ભાવ 150 ડોલર જેટલો ઘટી જતા પણ સુસ્તી છે. આફ્રિકન દેશોના તલનો ભાવ 1000-1100 ડોલર પ્રતિ ટન ચાલે છે. 
માર્કેટીંગ યાર્ડોમાં તલની આવકો સાધારણ છે. યાર્ડમાં હલીંગ ક્વોલિટીના તલનો ભાવ મણે રૂા. 1525-1575, 99-1ના રૂા.1625-1650 અને 99-1 પ્લસ ક્વોલિટીના રૂા. 1650-1700ના ભાવથી કામકાજ થાય છે. બીજી તરફ પ્રોસેસ્ડ તલના 99-1-1 ક્વોલિટી ડિલિવરીના ક્વિન્ટલે રૂા. 8500 અને શોર્ટેક્સના રૂા. 9300-9400 બોલાય છે.  હલ્દ તલના રૂા.11500-11600 ચાલી રહ્યા છે. 
ચાલુ વર્ષે ખરીફ મોસમમાં તલના વાવેતર મોટાંપાયે થયા છે. વાતાવરણની અનુકૂળતા રહે તો પાક પણ સારો આવશે. નિકાસ અંગે તેમણે કહ્યું કે, નવા સોદામાં કોરોનાની અસર દેખાય છે. ચીનમાં પૂરતો માલ પડ્યો છે એ રીતે કોરિયામાં પણ હવે સ્ટોક થઇ ગયો છે એટલે નવા સોદા ઓછાં થશે. ભારતમાંથી આશરે ત્રણેક લાખ ટનની નિકાસ વર્ષે થાય છે. એમાં 75 ટકા માલ હલ્દ તલનો હોય છે. એની માગ 30-40 ટકા જેટલી ઓછી છે. કોરોનાને કારણે ફાસ્ટફૂડની ચેઇનો બંધ છે એટલે હલ્દ તલનો વપરાશ પણ ઓછો થઇ ગયો છે. બીજી તરફ નેચરલ તલમાં ય સોદા ધીમા છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer