નિકાસ કામકાજો અટકી પડતાં મિલોમાં ગુવારગમનો ભરાવો

નવા વાવેતરનો હવે આરંભ થશે, ગુવારની આવકો નહીવત્
અમારા પ્રતિનિધિ તરફથી 
અમદાવાદ, તા. 30 જૂન 
ગુવારની સિઝન પૂરી થઇને વાવેતરનો સમય નજીક આવી ગયો છે ત્યારે ગમ બનાવતી ફેક્ટરીઓ બંધ થવા લાગી છે. ગુજરાતમાં આમપણ ગમ બનાવતી ફેક્ટરીઓની સંખ્યા ગણીગાંઠી છે પણ અત્યારે માગનો અભાવ અને કાચા માલની ઉપલબ્ધિ નહીવત હોવાથી સુસ્તી પ્રવર્તી રહી છે. લાંબા સમયથી ગુવાર અને ગુવારગમના ભાવ સ્થિર રહ્યા છે.  
વેપારીઓ કહે છે, ગુવારનો વાવેતર સમય નજીક હોવાથી અને ખેડૂતો પાસે સ્ટોક ઉપલબ્ધ નહી હોવાથી આવકો સપ્તાહમાં એકાદવાર ભાગ્યે જ થાય છે. ગુજરાતમાં ગુવાર ફક્ત બનાસકાંઠામાં ડીસા ઉપરાંત કચ્છ અને સૌરાષ્ટ્રમાં થોડાં અંશે ગુવારનો પાક થાય છે. એ સિવાય રાજસ્થાનમાં સુમેરપુર અને જોધપુરમાં પાક લેવામાં આવે છે.  
ડીસા સ્થિત ગમ ફેક્ટરી રામા ગમના બાબુભાઇએ જણાવ્યું હતું કે ગમનો સ્ટોક હાલમાં પુષ્કળ છે.જોકે વિદેશમાં ઘરાકીનો પણ હાલમાં અભાવ છે. ગવાર કરતા તેની પેટા પેદાશ કોરમુ કિલોએ રૂ. 39ના ભાવે સારી વેચાય છે. ગવારની બજાર હજુ ટકેલી છે. ગમના ભાવ હાલમાં કિલોદીઠ રૂ. 53.50 છે તેથી આ ભાવે અમને કોઇ મંદી દેખાતી નથી. હાલમાં નિકાસ ઘણી ઓછી થાય છે.  
ગુવારમાં કામકાજ કરતી અને ડીસા એપીએમસીમાં હરાજી સાથે સંકળાયેલ એક વ્યક્તિએ જણાવ્યું હતું કે હાલના ગવારના મણદીઠ રૂ. 650-660ના ભાવ ચાલે છે. જોકે બજારમાં આવકો બિલકૂલ નથી. તેણે જણાવ્યું હતું કે ગુવારનું વાવેતર કચ્છ અને હળવદ તરફ થોડુ થાય છે. આ સિવાય રાજસ્થાનમાં થાય છે. જેટલો વરસાદ મોડો થાય તેમ ગુવારનું વાવેતર વધે છે. કારણકે મુખ્ય પાકોનું વાવેતર ઓછાં પાણીને લીધે ન થાય કે ઓછું થાય ત્યારે ખેડૂતો ગુવાર વાવીને જમીન રોકતા હોય છે. ગવારના પાકમાં પાણી ઓછું જોઇએ અને ખર્ચ પણ ઓછું આવે એટલે છેલ્લી પસંદગી હોય છે.  હવે વરસાદ આવતા ચોમાસુ ગુવારનું વાવેતર શરૂ થશે. જે ત્રણથી ચાર મહિના બાદ બજારમાં આવશે. તેજી-મંદીનો મુખ્ય આધાર વરસાદ પર છે. 
ઐટૂંકમાં જોઇએ તો ગવારનો સ્ટોક હાલમાં મિલોમાં પણ નથી. ફક્ત ગુવારમાંથી બનાવેલો ગમ હજુ પણ મિલોમાં પડી રહ્યો છે. જેની બજાર ખૂલતા નિકાસ થશે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer