સૌરાષ્ટ્ર ઓઇલ મિલર્સ એસો.ની ચૂંટણી નવેસરથી યોજવામાં આવશે

સોમા પ્રમુખના ચૂંટણી ન કરવા દેવાના કાવાદાવા નિષ્ફળ 
અમારા પ્રતિનિધિ તરફથી 
રાજકોટ, તા. 30 જૂન 
લાંબા સમયથી સૌરાષ્ટ્ર ઓઇલ મિલ્સ એસોસીએશનના હોદ્દેદારોની અટકી પડેલી ચૂંટણી નવેસરથી કરવાનો હુકમ સંયુક્ત ચેરિટી કમિશ્નર દ્વારા કરવામાં આવ્યો છે. એ માટે મદદનીશ ચેરિટી કમિશ્નર કચેરી, જામનગરના સિનીયર ક્લાર્ક એન.એચ. ચાવડાની ચૂંટણી અધિકારી તરીકે નિમણુંક કરવામાં આવી છે. આ સાથે એસોસીએટ અન્ય સભ્યોને ચૂંટણીમાં મત આપવાનો અધિકાર નહીં રહે તેવો ચૂકાદો આપવામાં આવ્યો છે. ચૂંટણી વિલંબમાં નાંખવા માટે સોમા પ્રમુખને દંડ પણ કરાયો છે. 
સોમાના કર્મચારી સતિષ માંડવિયા અને ચૂંટણીની કાર્યવાહી માટે નિમાયેલા ક્રુટીનીયર ધવલ શાહને સાથે રાખીને તેની પાસે તથા સોમાની ઓફિસમાં રેકર્ડ ઉપલબ્ધ હોય તેના આધારે નોંઘાયેલ અને આર્ટીકલની કલમ 6 (ક)ની જોગવાઇ પ્રમાણે 31 જાન્યુઆરી 2019 પહેલા સભ્ય ફી જમા કરાવી હોય તેવા સામાન્ય સભ્યોની જિલ્લાવાર યાદી બનાવીને વિગતવાર ચૂંટણીનો કાર્યક્રમ બહાર પાડવાનો રહેશે. 
ચૂંટણી અધિકારીના મહેનતાણા પેટે રૂ. 10 હજાર મદદનીશ ચેરિટી કમિશ્નર કચેરી, જામનગરના પીટીએ ફંડમાં પંદર દિવસમાં સોમાએ જમા કરાવવાના રહેશે. ચેરિટી કમિશ્નરે આપેલા ચૂકાદા પ્રમાણે નવી કારોબારી ન આવે ત્યાં સુધી સોમાને લાંબાગાળે અસરકર્તા બને તેવા કોઇ નિર્ણય કે ખર્ચ કારોબારી કે પ્રમુખ નહીં કરી શકે. સોમા પ્રમુખે કરેલી અરજીઓ કાયદાની જોગવાઇઓનો પોતાના લાભમાં દુરુપયોગ કર્યો હોવાનું ધ્યાને આવતા બિન જરુરી ખર્ચ અને સમયના બગાડ માટે પીટીએ ફંડમાં રૂ. 10 હજાર દંડ પેટે ચૂકવવા હુકમ કરાયો છે. 
સોમામાં કુલ 146 જેટલા તેલ મિલર સભ્ય છે. એમાં 118 જેટલા વધારાના સભ્યોને એસોસીએટ તરીકે ઉમેરવામાં આવ્યા હતા. તેનો સભ્યો દ્વારા ભારે વિરોધ થયો હતો. હવે 118 જેટલા વધારાના એસોસીએટને મત આપવાનો અધિકાર રહેશે નહીં. જોકે સભ્યોએ પણ નિયત સમયમાં ફી ભરી હશે તે જ નવી ચૂંટણીમાં મતદાન કરી શકશે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer