રાજકોટ જિલ્લાના ઉદ્યોગો સહાયથી વંચિત : ચેમ્બરની મુખ્યપ્રધાનને રજૂઆત

અમારા પ્રતિનિધિ તરફથી 
રાજકોટ, તા. 30 જૂન 
કોરોના મહામારીને લીધે વેપાર ઉદ્યોગ મૃત?પ્રાય અવસ્થામાં આવી ગયા છે. ત્રણ મહિનાથી પ્રવૃત્તિ સાવ ઠપ છે. રોગચાળો વકરી રહ્યો છે એટલે હજુ પૂર્વવત સ્થિતિ સર્જાતાં ઘણો સમય પસાર થઇ જાય તેમ છે એવા સંજોગમાં સરકારે મંજૂર કરેલી સહાયની ગ્રાન્ટ સમયસર વેપાર-ઉદ્યોગકારોને મળે તે માટે મુખ્યપ્રધાન વિજય રૂપાણીને રાજકોટ ચેમ્બર દ્વારા રજૂઆત કરવામાં આવી છે. 
ચેમ્બરે કહ્યું છેકે, લઘુ ઉદ્યોગ મંત્રાલયની કચેરી દ્વારા 23 જૂનના રોજ જે એકમો ઔદ્યોગિક નીતિ 2015  હેઠળ સંકળાયેલા છે તેઓને જ સહાય ચૂકવવાનો નિર્ણય સરકારે કર્યો છે. એ ઉપરાંત આ નીતિ અંતર્ગત રાજકોટ સિવાયના જિલ્લાઓને પૂરી સહાયની ગ્રાન્ટ ફાળવાઇ છે. જ્યારે રાજકોટ જિલ્લાને રૂા. 85 કરોડ જેટલી ગ્રાન્ટ સહાયની જરૂરિયાત સામે ફક્ત રૂા. 43 કરોડની ગ્રાંટ જ ફાળવવામાં આવી છે. એમાં પણ આશરે રૂા. 1 કરોડની સામે ફક્ત રૂા. 15 લાખની ગ્રાન્ટ મળી છે. 
સરકારની ઔદ્યોગિક નીતિ 2009ની સહાય પણ અગાઉ મંજૂર કરવામાં આવેલી છે તે છેલ્લે ડિસેમ્બર 2019માં આપવામાં આવી હતી. જોકે એ પછી આ નીતિ હેઠળ કોઇપણ સહાય એકમોને મળી નથી એટલે તત્કાળ આવી સહાય અને ગ્રાન્ટ ઉદ્યોગોને ખાતામાં જમા આપવામાં આવે તેવી માગ ચેમ્બરે બળવતર બનાવી છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer