એસી, ટીવી અને છૂટા ભાગોની આયાત માટે લાયસન્સ પ્રથા શરૂ કરવાની વિચારણા

નવી દિલ્હી, તા. 30 જૂન
ચીનથી થતી આયાતને નિરુત્સાહી કરવા માટે સરકાર એર કન્ડીશનર અને તેના કેટલાક પૂર્જા અને ટેલિવિઝન સેટના કેટલાક ભાગો સહિત 10-12 વસ્તુઓની આયાતમાં લાઇસન્સ પ્રથા દાખલ કરવાનો વિચાર કરી રહી છે. 
કેટલાક મહિના પહેલા ઉત્પાદનોના લાઇસન્સ આપવાનું કામ શરૂ થયું હતું, અને અગરબત્તી, ટાયર અને પામતેલ પ્રારંભિક સમૂહમાં હતા.  લદાખની સરહદ પર તનાવ વધતા આ યાદી તાજેતરના અઠવાડિયામાં વિસ્તરિત થઈ હોવાનું સરકારી સૂત્રોએ જણાવ્યું હતું. એર કન્ડીશનર અને તેના પૂર્જાઓ જેવા ઉત્પાદનોની આયાત ઘટાડવા પર ધ્યાન કેન્દ્રિત કરવું એ આશરે ડઝન જેટલી વસ્તુઓના ઘરેલું ઉત્પાદનને વેગ આપવા માટેની કવાયતનો પણ એક ભાગ છે એમ એક સરકારી અધિકારીએ જણાવ્યું હતું. ડ્યુટીમાં વધારો બધી આયાતોને લાગુ પડે પણ લાઇસન્સ વ્યવસ્થામાં અમુક દેશોમાંથી આયાતને નિયંત્રિત રાખી શકાય એમ આ અધિકારીએ કહ્યું હતું. ઉપરાંત અમુક બંદરે જ આયાત થવા દેવામાં આવે તો તેના પર ધ્યાન રાખવું સરળ બને. 
વર્તમાન યાદીમાં એર કંડીશનર ઉપરાંત સ્ટીલ, એલ્યુમિનિયમ, પગરખાં, બટેટા અને સંતરા જેવી આઇટમો છે જેના સ્થાનિક ઉત્પાદનને ઉત્તેજન આપવાની સરકારની યોજના છે. આ બાબત પર ધ્યાન રાખી રહેલા વાણિજ્ય અને ઉદ્યોગ ખાતાએ બીજી આઇટમો તેમાં ઉમેરી છે જેમાં લિથિયમ બેટરી, એન્ટી બાયોટિક્સ, પેટ્રોકેમિકલ્સ, ઓટો અને મોબાઇલ્સના પૂરજા, રમકડાં, સ્પોર્ટ્સ ગૂડ્સ, સોલાર એકવીપમેન્ટ, ઇન્ટીગ્રેટેડ સીરકીટસ વગેરેનો સમાવેશ થાય છે.   

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer